વાદ પ્રતિવાદ

ઈસ્લામનું આધાર સ્તંભ: સ્વચ્છ-પવિત્ર સમાજનું નિર્માણ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

ઈસ્લામે દીન અર્થાત્ ધર્મના ઉપદેશમાં સ્વચ્છ અને પાક-પવિત્ર સમાજના ઘડતર માટે ઉમ્મત (પ્રજા, અનુયાયી)ઓને ઉત્તમોત્તમ માર્ગદર્શન આપ્યું છે. કુરાનમાં રબ તેના રસુલ હઝરત મુહમ્મદ સાહેબને સંબોધીને ફરમાવે છે કે,

  • ‘હે નબી! મોમીન (શ્રદ્ધા લાવનાર) પુરુષોને કહો કે નજરોને બચાવીને રાખે અને પોતાના ગુપ્ત અવયવોની રક્ષા- હિફાઝત કરે. આ તેમના માટે વધારે સારી પદ્ધતિ છે, જે કાંઈ તેઓ કરે છે, અલ્લાહ તેનાથી જાણકાર છે.
  • પારકી સ્ત્રીને નજર ભરીને જોવા માટે ઈસ્લામે તેના પુરુષવર્ગને સખત શબ્દોમાં મનાઈ કરી છે.
    ઈસ્લામ તેમની ઉમ્મતને ત્યાં સુધી ફરમાવે છે કે, અચાનક એક વખત નજર પડી જાય તે સમજી શકાય તેમ હોઈ, પહેલી નજરમાં ખેંચાણ થયું અને ફરીથી તે ખેંચાણને લીધે બીજીવાર તે તરફ નજર કરી તો તે ગુનો છે. * પયગંબર હઝરત મુહંમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમે આવી દૃષ્ટિને આંખના વ્યભિચાર સાથે સરખાવી છે- આમ સરકારે ફરમાવ્યું છે કે, * ‘માણસ પોતાની જ્ઞાનેન્દ્રીઓ વડે વ્યભિચાર કરે છે.
  • આવી રીતે જોવું એ આંખનો વ્યભિચાર છે.
  • પ્રેમ-મહોબ્બતની વાતો જીભનો વ્યભિચાર છે.
  • અવાજને સાંભળીને રસપાન કરવું તે કાનનો વ્યભિચાર છે. * હાથ વડે સ્પર્શ કરવો તે હાથનો વ્યભિચાર છે. * પગ પડે ચાલીને જવું તે પગનો વ્યભિચાર છે. આ તો વ્યભિચાર કરવા જે શખશ નીકળ્યો છે તેના પહેલાં પગથિયાં છે.
  • એ પગથિયાં પર ચઢી બાદ તે શખસ વ્યભિચાર કરી બેસે છે અથવા તેમાં નિષ્ફળ જાય છે.- નબીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમે હઝરત અલી અલૈયહિ સલ્લામને ફરમાવ્યું કે- ‘એક નજર પછી બીજી નજર ન નાખશો. પહેલી નજર તો માફ છે, પરંતુ બીજી માફ નથી.’ * હઝરત જરીર બીન અબ્દુલ્લાહ રદ્યિલ્લાહો અન્હો કહે છે, મેં હુઝુર સલ.ને પૂછયું કે અચાનક નજર પડી જાય તો શું કરું?
    ત્યારે હુઝુરે ફરમાવ્યું કે- ‘દૃષ્ટિ તરત જ ફેરવી લો અથવા નીચી કરી લો.’ આપે ફરમાવ્યું કે-
  • ‘અલ્લાહતઆલાનો ઈર્શાદ છે કે, નજર સેતાનના ઝેરીલાં તીરોમાંથી એક તીર છે * જે માણસ મારો ડર રાખીને તેને છોડી દેશે, હું તેના બદલામાં તેને ઈનામ (સત્ય) આપીશ જેનો મધુર સ્વાદ તે પોતાના દિલમાં પામશે.’ આપે ફરમાવ્યું છે કે * ‘જે મુસલમાનની નજર કોઈ સ્ત્રીના રૂપ પર પડે અને જો તે શખસ પોતાની નજર હઠાવી લે, તો અલ્લાહ તેની ઈબાદતમાં લિજ્જત પેદા કરે છે.’
    પ્રિય વાંચકો! મજકૂર હદીસોનો અર્થ એવો નથી કે પયગંબરે ઈસ્લામના જમાનામાં સ્ત્રીઓ બેપરદા ફરતી હતી. * ‘સુરા અહઝાબ’માં પરદાના હુકમ ઉતર્યા પછી, તે હુકમનો અમલ શરૂ થઈ ગયો જ હતો, પરંતુ બે પ્રસંગ એવા આવે છે જ્યારે સ્ત્રીને જોવાની જરૂર હોય છે. *
    ૧- નિકાહ કરનાર પુરુષે ભવિષ્યની પત્નીને જોઈ લેવી જોઈએ તેવો હુકમ ખુદ આપણા આકા વ મૌલાએ આપ્યો છે અને ૨- અદાલતમાં સાક્ષી આપતી વખતે કાઝી સાહેબ તે સાક્ષી સ્ત્રીને જોઈ શકે છે અથવા કોઈ તબીબ બીમાર સ્ત્રીને જુએ * લેખના પ્રારંભમાં કહ્યું તેમ આ બધા હુકમો સ્વચ્છ અને પવિત્ર સમાજના ઘડતર માટે છે * અલ્લાહનો ડર રાખીને જો તેની પર અમલ થવા માંડે તો સ્વચ્છ સમાજનું સર્જન થઈ શકે છે. * કયામતના આ યુગમાં ખ્વાબમાં પણ ક્યારે જોયું- વિચાર્યું નહીં હતું તેવાં નિર્લજ્જ અને બીભત્સ દૃશ્યો- બનાવો બની રહ્યાં છે, ત્યારે કુદરત માનવજાત પરથી સંપૂર્ણ વિશ્ર્વાસ ગુમાવી બેશે એ પૂર્વે સાવધ થઈ જઈએ અને સ્વસ્છ સમાજના ઘડતરના કાર્યનો પ્રારંભ ઘરથી કરીએ. અન્યથા ઈબાદત, બંદગી, સ્તુતિ જેવા અનેક અરકાનો એળે જાય છે. જ્યારે પવિત્રતા દિલને રોશન કરે છે. આત્માને શુદ્ધ બનાવે છે.

તું મારા બંદા પર ખર્ચ કર હું તારા પર ખર્ચ કરીશ
પયગંબર (સલ.) ફરમાવ્યું કે- કોઈ દિવસ એવો નથી જેમાં બંદા માટે બે ફરિશ્તા મોકલવામાં આવતા ન હોય. તે બેમાંથી એક ફરિશ્તો કહે છે કે, અય અલ્લાહ! રાહે ખુદમાં ખર્ચ કરનારને તેનો બદલો આપ. બીજો ફરિશ્તો કહે છે કે કંજુસના માલમાં બરબાદી આપ. આપે ફરમાવ્યું- * ખર્ચ કરતા રહો અને ગણતરી ન કરો * કદાચ અલ્લાહ પણ મારા માટે ગણતરી કરવા ન લાગે * જેટલું શક્ય હોય, તે મુજબ ખર્ચ કરતા રહો. ઈર્શાદ છે કે * હે આદમની ઔલાદ! ખર્ચ કર. હું તારા પર ખર્ચ કરીશ.
આપણા દેશમાં એવા હજારો નિરાધારો, યતીમો, વિધવાઓ, મહાતાજો, તબાહ અને બરબાદ થઈ ગયેલાઓ, ધંધા વિનાના, શિક્ષણ વિનાના, રોજી-રોટી વિનાના છે. એ તમામ દુ:ખીજનો, આપણે જે અલ્લાહની કૃપાથી બે પૈસે સુખી હોઈએ તો તેઓ માટે શક્ય કરી છૂટીએ * રાહે ખુદામાં ખર્ચ કરી એક સુખી, તંદુરસ્ત સમાજનું નિર્માણ વક્તનો તકાજો.

  • શમીમ એમ. પટેલ

સાપ્તાહિક સંદેશ:
મા-બાપ સાથે સદ્વર્તાવ વિશાળ અર્થ ધરાવે છે.

  • માતા-પિતા પ્રત્યેક આદરમાન તેમની આજ્ઞાઓનું પાલન,
  • તેમની દરેક રીતે સંભાળ લેવી
  • એટલા સુધી કે
  • તેમના મરણ પછી તેમના હકમાં દુઆએ મગફેરત (મોક્ષ) અને તેમના
  • સ્નેહી-સંબંધીઓ પ્રત્યે માન અને
  • મુહબ્બત (પ્રેમ-લાગણી)ભર્યું વર્તન- વ્યવહાર કરવું એ બધાનો મા-બાપ સાથેના સદ્વર્તાવ કર્યાના અર્થમાં સમાવેશ થઈ જાય છે.
  • પવિત્ર કુરાનમાં મા-બાપ સાથે સદ્વર્તન અને તેમની ઈતાઅત (આજ્ઞાપાલન) તથા ફરમાબરદારી સંબંધી સ્પષ્ટ હુકમ આપતી ઘણી આયતો (કથનો, વાક્ય છે. તેમાંથી એક આયતમાં પ્રમાણે છે:
  • અય રસૂલ (હઝરત મુહમ્મદ-સલ.)!
  • આપને પૂછે છે કે શું ખર્ચ કરીએ?
  • આપ ફરમાવી દો. જો કોઈ માલ નેકી (ભલાઈ, પ્રમાણિકતા)માંથી ખર્ચ કરો તો તે મા-બાપ માટે છે. હવાલો: સૂરહ (પ્રકરણ) બકરહ.
    સમજુતી: પોતાની કમાણીમાંથી મા-બાપને આપવું અને તેમના બુઢાપામાં તેમની નાણાકીય મદદ કરવી, બીજાઓને ખૈરાત (દાન) આપવા કરતાં ઘણું જ બહેતર (શ્રેષ્ઠ) છે. ઈસ્લામની તાલીમ એ છે કે- અજાણ્યાને ખૈરાત આપવામાં માત્ર એક સવાલ (પુણ્ય) છે તો સગા માટે ખર્ચ કરવામાં બમણો સવાબ છે. અર્થાત્ એક સવાબ (પુણ્ય, ભલાઈ) ખૈરાત- દાનનો અને બીજો સહાનુભૂતિ દર્શાવવાનો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button