મરાઠા આરક્ષણ દિવાળી સુધી સરકારને રાહત
મરાઠા સમાજને સીધું કુણબી પ્રમાણપત્ર આપવા બાબતે ઓબીસીના નેતાઓનો વિરોધ
ઓબીસી સમાજ દિવાળી બાદ રસ્તા પર ઊતરશે, રાજ્ય આખામાં મહા આંદોલનની તૈયારી શરૂ
એનસીપીના નેતા અને પ્રધાન છગન ભુજબળના નિવાસસ્થાને ઓબીસીના નેતાઓની બેઠક થઇ
મુંબઈ: મરાઠા આરક્ષણને મુદ્દો દિવાળી બાદ ફરી એક વાર ગાજવાનો છે. તમામ ઓબીસી દિવાળી બાદ રાજ્ય સરકાર હાલમાં જે વિચારણા હેઠળ કામ કરી રહી છે એને જો બદલવામાં નહીં આવે તો આખા રાજ્યમાં આંદોલન છેડવાની ધમકી મરાઠા આરક્ષણને મુદ્દે આપવામાં આવી છે.
મરાઠા સમાજને સીધું કુણબી પ્રમાણપત્ર આપવા બાબતે ઓબીસીના નેતાઓ વિરોધ કરી રહ્યા છે. આ માટે એનસીપીના નેતા અને છગન ભુજબળના નિવાસસ્થાને ઓબીસીના નેતાઓની બેઠક પણ થઇ હતી. સરકાર આરક્ષણને મુદ્દે જુદો જ ઘાટ રચી રહી હોવાની ગંધ આવતાં જ ઓબીસીના નેતાઓએ હવે દિવાળી બાદ તેનું આંદોલન ઉગ્ર બનાવવાની વાત છેડી છે.
સરકાર મરાઠા સમાજને કુણબીના દસ્તાવેજો આપીને ઓબીસીમાં લેવાની કોશિશ ન કરે. આને કારણે ઓબીસી સમાજને મોટો અન્યાય થશે. ઓબીસીમાં પોણાચારસો ગરીબ જાતિ છે. અમારાં બાળકોને તેઓના જેવું આરક્ષણ આપીને કુણબી દસ્તાવેજો હડપવાનો
પ્રયાસ મહારાષ્ટ્ર સરકાર કરી રહી છે, એવું એનસીપીના વિધાનસભ્ય પ્રકાશ શેંડગેએ જણાવ્યું હતું. છગન ભુજબળે રાજીનામું આપીને નહીં, પણ સરકારમાં રહીને જ અમારી લડતને બળ આપવું જોઇએ, એવું શેંડગેએ જણાવ્યું હતું.
ઓબીસી આરક્ષણને કોઇ પણ પ્રકારની આંચ નહીં આવે, એવું મહારાષ્ટ્ર સરકારે વચન આપ્યું હતું. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે નિઝામોની નોંધણી થઇ રહી છે. શરૂઆતમાં પાંચ હજાર, ૧૧ હજારની નોંધણી થઇ, જે અમે માન્ય કરી. હવે શિંદે સમિતિને આખા મહરાષ્ટ્રમાં નોંધણીનું કામ શરૂ કર્યું છે. મરાઠા સમાજને કુણબી દસ્તાવેજો આપીને પછાત વર્ગનું ષડ્યંત્ર સફળ નહીં થવા દઇએ, એવું શેંડગેએ જણાવ્યું હતું.
ઓબીસીને આરક્ષણ આપતા વટહુકમને રદ કરવા હાઈ કોર્ટમાં અરજી: આજે સુનાવણી
રાજ્યમાં મરાઠા અને ઓબીસી પર વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. એવામાં એક મોટા ન્યુઝ સામે આવ્યા છે. ઓબીસીને આરક્ષણ આપતા વટહુકમને જ રદ કરવા માટેની અરજી બોમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી છે. અરજીકર્તાએ મંગળવારના સંદર્ભની પેન્ડિંગ અરજી પર સુનાવણી હાથ ધરવાની કોર્ટને વિનંતી કરી હતી. જોકે મુખ્ય ન્યાયાધીશે સુનાવણી હાથ ધરવાનું નકારી દીધું હતું. આ અરજી સહિત અન્ય અરજીઓને ક્લબ કરીને
બુધવારે તેની પર સુનાવણી હાથ ધરવામાં આવશે, એવું મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું હતું. આથી બુધવારે આરક્ષણ મુદ્દે મહત્ત્વની સુનાવણી પાર પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓબીસીના આરક્ષણને વિરોધ કરનારી અરજી મંગળવારે હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી. અરજીમાં ઓબીસીને આરક્ષણ આપતા વટહુકમને જ રદ કરવાની માગણી કરવામાં આવી છે. જોકે મંગળવારે અરજી પર સુનાવણી હાથ ધરવા પર ન્યાયાધીશે ના પાડી દીધી હતી. આને કારણે બુધવારે આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ઓબીસી સમાજ માટે આ ચિંતાની વાત જણાય છે.
છગન ભુજબળ અને અંબાદાસ સામસામે
મરાઠા સમાજને ઓબીસી ક્વોટામાંથી આરક્ષણ આપવા અંગે છગન ભુજબળે વિરોધ કર્યો છે. મરાઠા સમાજને કુણબી ઠરાવીને આરક્ષણ ન આપો, એવી ભૂમિકા છગન ભુજબળે હાથ ધરી છે, ત્યારે વિધાન પરિષદમાં વિરોધી પક્ષના નેતા અંબાદાસ દાનવેએ છગન ભુજબળની ટીકા કરી છે. છગન ભુજબળ મરાઠા આરક્ષણના વિરોધનો એજેન્ડા બનાવી રહ્યા છે, જેને કારણે સમાજમાં અણબનાવો થશે, એવું દાનવેએ જણાવ્યું હતું. અમારે પણ આ કારણથી રસ્તા પર ઊતરવું પડશે, એવું દાનવેએ જણાવ્યું
હતું. છગન ભુજબળ અને સરકારનું વલણ એકસમાન હોવાનું દેખાઇ રહ્યું છે. સોમવારે બીડમાં જઇને તેમણે જે ભાષણ આપ્યું એ આગમાં તેલ નાખવાનું કામ કરે છે. છગન ભુજબળે આગમાં તેલ નાખવાની જરૂર નથી, એવું દાનવેએ જણાવ્યું હતું.
કુણબી આરક્ષણ આપવામાં આવે તેનો અમારો પણ વિરોધ: વડેટ્ટીવાર
રાજ્યમાં મરાઠા આરક્ષણની પાર્શ્ર્વભૂમિ પર વાતાવરણ ગરમાયું છે. પ્રધાન છગન ભુજબળે મરાઠાઓને સુધી કુણબી જાતિ પ્રમાણપત્ર આપવા માટે વિરોધ નોંધાવ્યો છે. ભુજબળે હાથ ધરેલી ભૂમિકા બાદ વિરોધી પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે પણ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. સરકાર સીધું કુણબી પ્રમાણપત્ર આપવાનું વિચારી રહી હોય તો અમારો પણ વિરોધ છે. આરક્ષણની ટકાવારી વધારીને મરાઠા સમાજને આરક્ષણ આપો. સીધું આરક્ષણ આપવા માટે અગાઉ પણ અમારો વિરોધ હતો, એવી ભૂમિકા વડેટ્ટીવારી હાથ ધરી હતી.
ભુજબળની ભૂમિકા સર્વપક્ષીય બેઠકમાં નક્કી થયા મુજબની જ છે: બાવનકુળે
છગન ભુજબળે કોઇ નવી ભૂમિકા હાથ નથી ધરી. તેમની ભૂમિકા સર્વપક્ષીય બેઠકમાં નક્કી થયા મુજબની જ છે, એવો ખળભળાટજનક દાવો ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ નાગપુરમાં કર્યો હતો. એ બેઠકમાં મુખ્ય પ્રધાને આરક્ષણનું કોકડું ઉકેલવા માટે કામ કરવું એવું નક્કી કર્યું હતું. હવે એ જ ભૂમિકા છગન ભુજબળે હાથ ધરી છે. સર્વપક્ષીય બેઠકમાં મુખ્ય પ્રધાને છત્રપતિ શિવાજી મહારાજની સાક્ષીમાં મરાઠાઓને માત્ર આરક્ષણ આપવામાં આવશે, એવું જણાવ્યું હતું અને તેનું સ્વરૂપ ફડણવીસ સરકારના સમયમાં આરક્ષણ મુજબનું જ હશે, એવું સ્પષ્ટ કર્યું હતું. એ બેઠકમાં જે નક્કી થયું હતું એ જ ભુજબળે દોહરાવ્યું છે. મરાઠાઓને આરક્ષણ આપતાં સમયે ઓબીસીના આરક્ષણને કોઇ આંચ ન આવી જોઇએ, એવી ભૂમિકા ભુજબળે હાથ ધરી છે.
ઓબીસી સમાજમાં કોઇ ખોટો ભ્રમ પેદા ન કરો: એકનાથ શિંદે
પ્રધાન છગન ભુજબળે કરેલા વક્તવ્યને કારણે નવો વિવાદનો ફણગો ફૂટ્યો છે. મરાઠા સમાજને સીધું કુણબી પ્રમાણપત્ર આપવું એટલે પાછલે બારણેથી ઓબીસીમાં પ્રવેશ આપવા જેવું છે, એવું વિધાન છગન ભુજબળે કર્યું હતું. આ મુદ્દે છગન ભુજબળે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ છગન ભુજબળ અપ્રત્યક્ષ રીતે સૂચક ઈશારો આપ્યો હતો.
કોઇ પણ અન્ય કે પછી ઓબીસી સમાજમાં ભ્રમ પેદા કરવાનો ઘાટ ઘડવાની કોશિશ ન કરે, એવું એકનાથ શિંદેએ છગન ભુજબળ પર સીધું નિશાન છોડતાં જણાવ્યું હતું. ઓબીસી સમાજને કોઇ આંચ આવવા ન દઇને મરાઠા સમાજના મજબૂત આરક્ષણ દેવાનો સરકાર પ્રયાસ કરી રહી છે, એવું પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઓબીસી સમાજની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા.
અમે પણ રસ્તા પર ઊતરી શકીએ છીએ: શેંડગે
અમે ઓબીસીને અપીલ કરીએ છીએ કે આપણને આપણા હકનું રક્ષણ કરવા માટે રસ્તા પર ઊતરવું પડશે. દિવાળી બાદ ૧૭મી નવેમ્બરે અંબડમાં અને ત્યાર બાદ ૨૬ નવેમ્બરે હિંગોલીમાં બીજો મેળાવડો થશે, એવું શેંડગેએ જણાવ્યું હતું. અમે અમારી સંખ્યાને દેખાડી દઇશું. ઓબીસી રસ્તા પર આવી નથી શકતા એવું નહીં સમજતા. મરવાની લડાઈ સુધીનો વારો આવશે તો પણ ચાલશે. ગરીબ, ઓબીસી સમાજને આરક્ષણનું સંરક્ષણ આપ્યા સિવાય ચૂપ નહીં બેસીશું. અમે મતપેટીમાં અમારી તાકાતને દેખાડીને રહીશું, એવું શેંડગેએ ગર્ભિત ભાષામાં સરકારને જણાવ્યું હતું.
ઓબીસી નેતાઓ મરાઠાઓને હેરાન કરે છે: જરાંગે
છત્રપતિ સંભાજી નગર: મરાઠાઓ વિરુદ્ધ ખોટા અપરાધ નોંધાવી ઓબીસી (અન્ય પછાત જાતિ)ના નેતાઓ તેમની હેરાનગતિ કરી રહ્યા છે એવો આક્ષેપ મરાઠા આરક્ષણ માટે લડત ચલાવી રહેલા આંદોલનકારી મનોજ જરાંગેએ મંગળવારે કર્યો હતો. આ પરિસ્થિતિમાં મરાઠા નેતાઓએ જાતિના યુવાનોની પડખે ઊભા રહેવું જોઈએ એમ પણ શ્રી જરાંગેએ જણાવ્યું હતું. અન્ય પછાત જાતિના વિભાગ હેઠળ ‘પાછલા દરવાજે’થી મરાઠાઓ માટે આરક્ષણ મેળવવાના પ્રયત્નોનો વિરોધ થશે અને હિંસાચાર તેમજ દબાણ લાવવાની કોશિશ સાંખી નહીં લેવાય એમ મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળે જણાવ્યા બાદ શ્રી જરાંગેએ આ નિવેદન કર્યા હતા.
છગન ભુજબળે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના વિધાનસભ્યો પ્રકાશ સોલંકે અને સંદીપ ક્ષીરસાગરના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.
ગયા અઠવાડિયે બીડમાં આરક્ષણ આંદોલન હિંસક બન્યું ત્યારે આ બંને વિધાનસભ્યોના ઘરની તોડફોડ કરવામાં આવી હતી. મંગળવારે અખબારી પરિષદ સંબોધી જરાંગેએ દાવો કર્યો હતો કે મરાઠાઓને લક્ષ્ય બનાવવાના હેતુથી પ્રધાનશ્રી બીડ ગયા હતા. (પીટીઆઈ)