ગુજરાતમાં ફટાકડા બજારમાં મંદીનું મોજું: ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો ભાવવધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવારના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજ્યમાં ગ્રાહકો વગર શહેરોના ફટાકડા બજારમાં વેપારીઓ હવા ખાતા હોવાનો વસવસો ખુદ વેપારીઓના મુખેથી સાંભળવા મળ્યો હતો. શિવાકાશીમાં બનતા અને ગુજરાત સુધી પહોંચતા ફટાકડા બજારમાં ઘરાકી વગર વેપારીઓના ચહેરાની ચમક ઝાંખી પડી ગઈ છે. રાજ્યના બજારમાં વર્ષોથી સિઝનલ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓએ કહ્યું કે, દિવાળીના અગાઉના અઠવાડિયામાં ઘરાકીની લાવ લાવ થતી હોય છે. ગામડાની ઘરાકીમાં પણ લાઈનો લાગે છે. આવું આ વર્ષે કાંઈ જોવા મળતું નથી. ટ્રાન્સપોર્ટેશન થોડું મોંઘું બનતા ફટાકડાનાં ભાવોમાં સરેરાશ ૧૫ થી ૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે. પણ તેની સામે ઘરાકી નહીંવત જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યનાં બજારોમાં મોદી બ્રાન્ડ, છાપ નાના મોટા બોમ્બ બજારમાં આવ્યા છે. રાજ્યનાં બજારોમાં નાના નાના બોમ્બ, ચકરડી, થંભુ, તળતળિયા, જમીન ચક્કરી, રોકેટ જેવા ફટાકડામાં બાળકોની ખૂબ ધીમી ખરીદી શરૂ થઈ છે. એકંદરે ફટાકડા બજારમાં મંદીનું મોજું છવાયું હોવાનું ખુદ રાજ્યના વેપારીઓ કહે છે.