ઇઝરાયલનાં દળોએ ઉત્તર ગાઝાને ઘેરીને હુમલા વધાર્યા
કાટમાળ અને નાગરિકો: ગાઝામાં ઈઝરાયલી દળોએ કરેલા ભારે બૉમ્બમાર પછી ઈમારતના કાટમાળ પાસે ભેગા થયેલા પેલેસ્ટાઈનવાસીઓ.
લડાઇ વધુ લોહિયાળ બની: શેરી યુદ્ધ શરૂ
ગાઝા પટ્ટી: ઇઝરાયલ લશ્કરે ઉત્તર ગાઝાને ઘેરી લીધું હતું અને તેના પર મોટા પાયે હવાઇ હુમલા શરૂ કર્યા હતા. ગાઝાના સૌથી મોટા શહેરમાં શેરી યુદ્ધ શરૂ થયું હોવાથી લડાઇ વધુ લોહિયાળ બની રહી છે.
આરોગ્ય મંત્રાલયે પેલેસ્ટાઇનમાં મરનારા લોકોની સંખ્યા ૧૦,૦૦૦થી વધી ગઇ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેણે લડાઇમાં કેટલા સૈનિકો અને કેટલા નાગરિકો માર્યા ગયા હતા, તેના અલગ આંકડા નહોતા આપ્યા.
હમાસે સાતમી ઑક્ટોબરે હુમલો કર્યો તે પછી ઇઝરાયલના અંદાજે ૧,૪૦૦ લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. ઇઝરાયલ હમાસના અસ્તિત્વનો અંત આણવા મક્કમ હોવાથી આ યુદ્ધ અટકવાની શક્યતા હાલમાં નથી દેખાતી.ઇઝરાયલ લશ્કરના એક પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ રિચાર્ડ હેચે જણાવ્યું હતું કે અમે ઉત્તર ગાઝાને દક્ષિણ ગાઝાથી અલગ પાડી દીધું છે. અમુક નાગરિકો ઉત્તર ગાઝામાંથી નાસીને દક્ષિણ ગાઝા જઇ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ઇઝરાયલના લશ્કરના હાથમાં સપડાઇ જવાના ભયને લીધે છુપાઇ ગયા છે.
ગાઝાની હૉસ્પિટલોમાં હજારો લોકો આશ્રય લઇ રહ્યા છે, પરંતુ હૉસ્પિટલોમાં પણ વીજ પુરવઠો ખોરવાઇ જાય છે અને ઔષધની અછત ઊભી થઇ છે.
ગાઝા શહેરની શિફા હૉસ્પિટલ પર કરાયેલા હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા અને સૉલર પેનલ તૂટી ગઇ હોવાથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. (એજન્સી)