કેરોલિના રીપર પ્રકરણ-૫૧
રાજીવ દુબે તગતગતી આંખે ઈન્સ્પેકટર અંધારેને જોઈ જ રહ્યો
પ્રફુલ શાહ
ગોડબોલે બોલ્યા ‘જુઓ વૃંદા જ્યારે સમય પૂરો થશે ત્યારે સંબંધ પણ ખતમ થઈ જશે’
જુહુ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામરાવ અંધારે રાજીવ દુબે વિશે થોડું ઘણું જાણતો હતો. માલદાર હતો ને થોડા કોન્ટેકવાળો પણ. અંધારેએ બીજા ગુનેગારો કે આરોપીઓની જેમ એની સાથે વર્તન ન કર્યું.
“મિસ્ટર દુબે, કોઈનો પીછો કરાવવો, જાસૂસી કરાવવી એ ગુનો છે એ માટે કહેવાની જરૂર નથી. તમારો ભાઈ છેક મુરુડ સુ પહોંચી ગયો. તમારો જાસૂસ સદાનંદ ૨૪ કલાક એની પાછળ રહેતો હતો. મુરુડની હૉટલમાં બ્લાસ્ટસ થયા. પાછો તમારો ડિટેક્ટિવ બ્લેકમેઈલર નીકળ્યો. મારું માનો તો તમે એકદમ કોમ્પ્લિકેટેડ મામલામાં ફસાયા છો.
“મારે મારા વકીલ સાથે વાત કરવી છે.
“વકીલને પિક્ચરમાં આવવાને વાર છે હજી. બીલીવ મી એ તમારા ફાયદામાં છે. તમે આ બધુ જેને ટાર્ગેટ બનાવીને કર્યો એ આકાશ મહાજન કોણ છે, કોનો દીકરો છે એ કહેવાની મારે જરૂર નથી. એટલે પૈસા કે કોન્ટેક્ટ્સ તમને બચાવી નહિ શકે. બોલો હવે તમારે શું કહેવું છે?
“એટલું જ કે હું સંપૂર્ણપણે નિર્દોષ છું. આકાશની પાછળ મેં મારા ભાઈને મોકલ્યો પણ બ્લાસ્ટ્સ સાથે મારે શું સંબંધ? સદાનંદને મેં જાસૂસી માટે રોક્યો પણ એ બ્લેકમેઈલિંગ કરે એમાં મારો શો વાંક? અને એક વધુ વાત નોંધી લો….
“બોલો મિસ્ટર દુબે…
“જો મને ખોટી રીતે ફસાવાયો તો બહુ ભારે પડી જશે.
અંધારે ગુસ્સામાં ઊભો થઈ ગયો. “હું સારી રીતે વર્તું છું ને તું મને… રામરાવ અંધારેને મારા જ પોલીસ સ્ટેશનમાં ધમકી આપે છે? તારી આ મજાલ?
અંધારેએ બેલ મારીને કોન્સ્ટેબલને બોલાવ્યો. “સાહેબને સાચવીને કસ્ટડીમાં લઈ જાવ. અંદરના અંધારિયા ભાગમાં રાખજો. ફોન જપ્ત કરી લો. કોઈને મળવા દેવાની જરૂર નથી. થોડું ડાયેટિંગ કરાવો એટલે ચરબી ઓછી થાય.
રાજીવ દુબે તગતગતી આંખે ઈન્સ. અંધારેને જોઈ જ રહ્યો. એના ગયા પછી અંધારેએ પોતાના ખાસ ખબરી મુશાને ફોન કર્યો ને રાજીવ દુબેની કુંડળી બનાવવાની સૂચના આપ્યા બાદ જોરથી બોલ્યો, “જલ્દી, એકદમ જલ્દી.
એટીએસના ‘પ્રોડ્યુસર મનમોહન’ ભોઈધરમાં ઠેરઠેર પૂછપરછ કરતા રહ્યા પણ તોપચી ઈકબાલ હમીદુલ્લા ‘ગુલાબ’ વિશે કોઈ જાણકારી મળી નહિ. એટલું જ નહિ, ગામ બહારનું સ્મશાન કેટલાંય વરસોથી વપરાતું નથી એ વધારાની માહિતી પણ મળી. કહેવાય છે કે ૧૦૦-૨૦૦ વર્ષથી એનો ઉપયોગ થતો નથી કારણ કે એમાં વધુ ખાલી જગ્યા જ નથી. ભૂતકાળના કોઈ યુદ્ધમાં ઘણાં સૈનિકો માર્યા ગયા હતા અને એ બધાને દફનાવવામાં કબ્રસ્તાનની બધી જમીન વપરાઈ ચુકી હતી. હવે ત્યાં કોઈનો આવરોજાવરો પણ નથી.
ભોઈધર અને આસપાસના અનેક ગામમાં કરેલી રઝળપાટમાં પણ થાક, કંટાળા અને હતાશા સિવાય કંઈ હાથ ન લાગ્યું. ‘પ્રોડ્યુસર મનમોહન’ ને થયું કે આ લોકો ક્યાં યુદ્ધની વાત કરશે? પરંતુ મોટાભાગનાને ઈતિહાસની કંઈ ખબર નહોતી. આંબોલી નામના ગામમાં ઊર્દૂનો એક પ્રોફેસર બોલ્યો, “ઈકબાલ હમીદુલ્લા વિશે કંઈ જાણતો નથી. પણ ‘ગુલાબ’નામથી કોઈ શાયર લખતા હોવાનું સાંભરે છે. ખૂબ જૂની વાત છે. કદાચ શાયર અબ્દુલ ‘જામ’ કંઈક કહી શકે.
‘ખબરે પલપલ’ મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ વિશે એક્સક્લુઝિવ વીડિયો પુરાવો લાવ્યાની શેખી મારવામાં વ્યસ્ત હતી, ત્યારે અન્ય ચેનલ આ વીડિયોની સચ્ચાઈ અને એમાં થયેલા દાવાનું પોસ્ટમોર્ટમ કરતા હતા. આ વીડિયો એક જ ચેનલને શા માટે મળ્યો? બ્લાસ્ટ્સની જવાબદારી સ્વીકારનારા સંગઠનનું નામ અગાઉ કેમ કોઈએ સાંભળ્યું નથી? બ્લાસ્ટ્સના આટલા બધા દિવસો બાદ જવાબદારી શા માટે સ્વીકારાઈ?
એ જ સમયે દેશની એક ટોચની લેબોરેટરીમાં ભારત સરકારની વિશિષ્ટ ટીમે આ વીડિયોનો અભ્યાસ શરૂ કરી દીધો હતો.
મુરુડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રશાંત ગોડબોલેએ પરાણે વૃંદા સ્વામીને ચા પીવડાવી.
“જુઓ વૃંદા, મારા મમ્મી ભાગવદ્ ગીતા વાચે અને પ્રસંગોપાત એમાંની ઉપયોગી વાતો મને સંભળાવતા હતા. કૃષ્ણ ભગવાનનું એક કથન આજેય સાંભરે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે નસીબમાં જેટલો સમય વિતાવવાનો લખ્યો હશે ને એટલો જ સમય તમે સાથે નિભાવી શકો છો. જે દિવસે સમય પૂરો થઈ જશે તે દિવસે સંબંધ પણ એની જાતે જ પૂરો થઈ જશે. પ્લીઝ, સ્વસ્થ થાઓ.
“સર જેને હું મારો સમજી રહી હતી એ ક્યારેય મારો નહોતો… એને હિબકુ આવી ગયું. ગોડબોલેએ પાણીનો ગ્લાસ ધર્યો પણ વૃંદાએ પાછળના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને જોશભેર આંખ અને મોઢું લૂંછી નાખ્યા, જાણે જૂની સ્મૃતિને ઊતરડી નાખવી હોય. પછી પાણીનો ગ્લાસ લઈને એક શ્ર્વાસે પી ગઈ.
“સર, વધુ એક ચા મંગાવશો પ્લીઝ? અને ભાગેડુ આરોપી પ્રસાદ રાવને શોધી કાઢવા શું કરવું એની ચર્ચા કરીએ.
એકાએક વૃંદામાં આવેલું પરિવર્તન પ્રશાંતને ખૂબ ગમ્યું.
દિલ્હીના મુખ્ય પ્રધાન સુંદરલાલ વર્મા સામેની પ્લેટમાં પડેલા પનીર અને ચીઝના એક-એક ટુકડાને જોઈ રહ્યા, પછી કાંટાથી હળવેકથી નજીક લાવ્યા અને એને જોઈ રહ્યા. પછી મોઢામાં મૂકીને પ્રેમથી ક્યાંય સુધી ચાવતા રહ્યા. ફરી ડિશ પર નજર કરી ત્યારે તેને પનીર-ચીઝના ટુકડા પર પોતાના સૌથી મોટા દુશ્મન રાજકિશોરનો હસતો ચહેરો દેખાયો. “આ માણસ મારી ખુરશી પાછળ પડી ગયો છે.
પણ મારા જીવતેજીવ એને મુખ્ય પ્રધાન તો નહિ જ બનવા દઉ, ઉલટાનું દિલ્હીની લોકસભા બેઠક પરથી ય તગેડી મુકીશ.
સુંદરલાલ વર્માએ જોશભેર પનીરના એક ટુકડા પર કાંટો માર્યો અને ડિશ સાથે કાંટો ભટકાયાનો અવાજ આવ્યો. વર્માએ ઊભા થઈને કોટના ખિસ્સામાંથી એક પેન ડ્રાઈવ કાઢીને લેપટોપમાં ભરાવી. પેન ડ્રાઈવનો વીડિયો ચાલુ થઈ ગયો, જેમાં રાજકિશોર અને ‘ખબરે પલપલ’ના માલિક રજત મીરચંદાની વચ્ચે ગઈકાલે ફાઈવ સ્ટાર હૉટલમાં થયેલી મીટિંગ પૂરેપૂરી રેકોર્ડ થયેલી હતી.
એક અટ્ટહાસ્ય સાથે સુંદરલાલ વર્માએ કોઈને ફોન કર્યો, “મેં જોઈ લીધો વીડિયો. એકદમ બરાબર છે. આગળ વધો… અને હા વર્ગીસને મનગમતું ઈનામ આપીને મારા તરફથી શાબાશી આપજો કે તારી આ વાનગી સાહેબને ખૂબ ભાવી.
રાજાબાબુ મહાજનના ઘરમાં લેવાયેલા નિર્ણયની ખબર પડતા જ કરણ રસ્તોગીમાં રોષ, ગુસ્સો અને ફિકરના ભાવ એકસાથે ઊમટી પડ્યા. મહાજન મસાલાને હંફાવવાનો જ નહિ, એના પર કબજો જમાવવાનો પ્લાન ફલૉપ થઈ ગયો. એ તો ઠીક પણ હવે પોતાના અનેક ધંધા માટે પ્રાણવાયુ સમાન દિલ્હીમાં સંસદસભ્ય અજય રૂઈયાની બધી ઈચ્છા પૂરી કરાવવાના આદેશનું પાલન નહિ થઈ શકે એનું શું કરવું?
રસ્તોગી સમજી ગયો કે આ બધામાં સૌથી મોટો અવરોધ છે કિરણ મહાજન. એનું કંઈક કર્યા પછી જ મહાજન મસાલાને હંફાવી, નમાવી કે જીતી શકાશે. શું રસ્તો કાઢવો એના વિચારોમાં એ ખોવાઈ ગયો.
ખાસ અને વિશ્ર્વાસુ ખબરી મુસાનો ફોન આવતા રામરાવ અંધારેએ સાથીઓને કેબિનની બહાર મોકલી દીધા. મુસો ઉત્સાહભેર કહેવા માંડ્યો, “સર, આ રાજીવ દુબે મોટી માયા છે. જમીનની લે-વેચ તો ઠીક છે પણ એની મોટી કમાણી ક્રિકેટ પરના સટ્ટામાંથી છે. દુબઈમાં એના ઘણાં કનેકશન છે. ત્યાંના માણસોને લંડન જઈને મળે છે. ક્યારેક કાઠમંડુ જાય છે.
“વાહ મુસા, ખૂબ સરસ માહિતી આપી.
“સર, શાબાશી પછી આપજો. સરસ બાદ સ્ફોટક માહિતી પણ સાંભળી લો. ૧૯૯૩માં મુંબઈમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસના ગુનેગારો સાથે ય એને સંબંધ હતા પણ ત્યારે માંડમાંડ બચી ગયો હતો રાજીવ. સર, એની એક ક્રૂર આદત છે કે એ દુશ્મનને ક્યારેય માફ કરતો નથી, ને બદલો લીધા વગર રહેતો નથી. તેણે બરબાદ કરી નખાવ્યા હોય કે હાથપગ તોડાવી નાખ્યા હોય એવા માણસોના ચાર-પાંચ કિસ્સા મને જાણવા મળ્યા છે. કદાચ આકાશ મહાજનને પાઠ ભણાવવા માટે જ…
અંધારેના ટેબલ પરની લેન્ડલાઈનની ઘંટડી વાગી એટલે તેણે મુસાને રોકયો. “થેન્ક યુ, પછી ફોન કરું તને.
કિરણ મહાજન, વિકાસ અને ગૌરવ ભાટિયા પરાના એક નાનકડા ટી જોઈન્ટમાં ભેગા થયા. પહેલા વિકાસ અને ગૌરવ ગયા. એક ટેબલ પર બેઠા. થોડે દૂર ઊભી રહેલી કિરણે જોયું કે હવે મોટાભાગના ટેબલ ભરાઈ ગયા છે, ત્યારે એ અંદર ગઈ. એક ખૂણામાં બે લેડીઝ બેઠી હતી, એમની સામે ગોઠવાઈને બ્લેક ટીનો ઓર્ડર આપ્યો.
વિકાસ અને ગૌરવના ટેબલ પર બન્ને સામેની ખુરશી ખાલી થઈ એટલે એ ત્યાં જઈને ગોઠવાઈ ગઈ. ત્રણેય કાનમાં ઈયર ફોન પહેર્યા હતા. કોઈ દૂરથી જુએ તો મોબાઈલ ફોનમાં વાતચીત કરતા લાગે.
ત્રણેય વચ્ચે વાતચીતની કિરણે શરૂઆત કરી. “મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ આપણા ત્રણેય માટે મોટી ટ્રેજેડી છે પણ માત્ર રડીને બેસી રહેવાથી વધુ નુકસાન થશે.
ગૌરવ ભાટિયાએ સંમતિ પુરાવતા કહ્યું, ‘હા, આમ પ્રજાની કરુણાંતિકા રાજકીય ચોપાટ બની ગઈ છે. કોઈ પુરાવા કે સાબિત વગર નિર્દોષોને આતંકવાદી સાબિત કરતી મીડિયા ટ્રાયલ શરૂ થઈ ગઈ છે.
વિકાસ થોડા ઠંડા અવાજે બોલ્યો, ‘વાત તો સાચી પણ આપણે કરી શું શકીએ?
કિરણના ચહેરા પર મક્કમતા ઊપસી આવી, “એમ હતાશ થઈને બેસી રહેવાથી કંઈ નહિ થાય. મારી પાસે એક પ્લાન છે. ધ્યાનથી સાંભળો, મને કાલે જવાબ આપજો કે તમે જોડાવા માગો છો કે નહિ?… પછી કિરણ બોલતી રહી. એ પૂરું થયા બાદ ત્રણેયે વારાફરતી બહાર નીકળવાનું નક્કી કર્યું.
દશેક મિનિટ બાદ કિરણ બહાર નીકળી ત્યારે એક સ્કૂટર પર બેઠેલા યુવાને એનો ફોટો પાડ્યો. કિરણની કાર નીકળી એટલે એ સ્કૂટર સવાર એનો પીછો કરવા માંડ્યો. (ક્રમશ:)