એકસ્ટ્રા અફેર

ખાલિસ્તાની પન્નુન એર ઈન્ડિયાના પ્લેનને ફૂંકી મારી શકે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુન ફરી વરતાયો છે. શિખ્સ ફોર જસ્ટિસ નામે પ્રતિબંધિત સંગઠન ચલાવતા પન્નુને એક નવો વીડિયો બહાર પાડીને એર ઈન્ડિયાના વિમાનને ઉડાવી દેવાની ધમકી આપી છે. પન્નુને ધમકી આપી છે કે, ૧૯ નવેમ્બરે એર ઈન્ડિયાનાં વિમાનોમાં પ્રવાસ કરનારા લોકોના જીવને જોખમ છે. પન્નુને શીખોને ૧૯ નવેમ્બર પછી એર ઈન્ડિયાના વિમાનોમાં પ્રવાસ નહીં કરવા પણ સલાહ આપી છે. ૧૯ નવેમ્બરે ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. ઈંદિરા ગાંધીની જન્મ જયંતિ છે અને વર્લ્ડ કપની ફાઈનલ પણ છે.

ગુરપતવંતસિંહ પન્નુને વીડિયોમાં વાનકુંવરથી લંડન સુધી એર ઈન્ડિયાની નાકાબંધી કરવાનો હુંકાર કરીને કહ્યું છે કે, અમે સીખોને ૧૯ નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પ્રવાસ નહીં કરવાનું કહી રહ્યા છીએ કેમ કે એ દિવસે વૈશ્ર્વિક નાકાબંધી થશે. એર ઈન્ડિયામાં પ્રવાસ કરશો તો તમારો જીવ જોખમમાં આવી શકે છે. ૧૯ નવેમ્બરે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ રહેશે અને તેનું નામ બદલી નંખાશે એવો હુંકાર પણ પન્નુને કર્યો છે.

પન્નુને એવી ફિશિયારી પણ મારી છે કે, આપણે જ્યારે પંજાબને આઝાદ કરાવીશું ત્યારે દિલ્હી એરપોર્ટનું નામ શહીદ બિયંત સિંહ અને શહીદ સતવંત સિંહ એરપોર્ટ રાખવામાં આવશે. સતવંત અને બિયંત ઈન્દિરા ગાંધીના અંગરક્ષકો હતા. બંનેએ ઓપરેશન બ્લૂસ્ટારના વિરોધમાં ૩૧ ઑક્ટોબર, ૧૯૮૪ના રોજ હત્યા કરી નાંખી હતી. પન્નુનો દાવો છે કે પંજાબની ભારતથી આઝાદી નિશ્ર્ચિત છે. હવે ભારતે નક્કી કરવાનું છે કે, તેને બુલેટ જોઈએ છે કે બેલેટ જોઈએ છે.

પન્નુને આ પ્રકારની ધમકીએ વારંવાર આપ્યા કરે છે. આ જ ગુરપતવંતસિંહ પન્નુને વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આતંકી હુમલાની ધમકી આપી હતી પણ વર્લ્ડ કપમાં હજુ સુધી કશું થયું નથી. હવે ૧૯ નવેમ્બરે વર્લ્ડ કપની ફાઈનલ રમાવાની છે ત્યારે તેણે ફરી હુમલાની ધમકી આપી છે.

હમાસના આતંકીઓએ ૭ ઑક્ટોબરે ઈઝરાયલ પર આક્રમણ કર્યું ત્યારે પણ પન્નુને ધમકી આપેલી કે, ભારત ઈઝરાયલ પરના હુમલામાંથી બોધપાઠ લે અને સુધરી જાય, નહિંતર ભારતમાં પણ આવા હુમલા થશે. પંજાબથી પેલેસ્ટાઈન સુધીની ધરતી પર ગેરકાયદે કબજો કરનારા લોકો સામે આવાં જ રિએક્શન આવશે અને ભયાનક હિંસા થશે.

ત્રણેક મહિના પહેલાં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાનવાદીઓએ ભારતીય કોન્સ્યુલેટને સળગાવી દીધું પછી ખાલિસ્તાનવાદીઓએ સોશિયલ મીડિયા પર કિલ ઈન્ડિયા પોસ્ટર ફરતાં કરીને ભારતીય રાજદ્વારીઓની હત્યાની હાકલ કરી હતી. યુકેના લંડન, ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન, કેનેડામાં ટોરન્ટો અને વેનકુંવર તથા યુએસનાં ઘણાં શહેરોમાં આઠ જુલાઈએ ખાલિસ્તાનવાદીઓ ભારત વિરોધી રેલી કાઢવાનું એલાન કરેલું.

પન્નુને એ વખતે વીડિયો બહાર પાડીને દાવો કરેલો કે, કિલ ઈન્ડિયા પોસ્ટર્સ પોતે જ લગાવ્યાં છે અને પોતાના નાના ભાઈ હરદીપસિંહ નિજજરની હત્યાનો બદલો લઈને જ રહેશે. પન્નુને ફિશિયારી મારેલી કે, ભારતીય એમ્બેસી કે ઓફિસ છે એ તમામ દેશોમાં કિલ ઈન્ડિયા પોસ્ટર્સ લગાવીને ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવાશે. દુનિયાના ૩૫ દેશોમાં ખાલિસ્તાનવાદીઓ કામ કરે છે અને આ બધા જ નિજજરની હત્યાનો બદલો લેવા આતુર છે.

પન્નુન આ રીતે છાસવારે ધમકીઓ આપ્યા કરે છે અને શિખ્સ ફોર જસ્ટિસની દુકાન ચલાવ્યા કરે છે. પન્નુની મોટા ભાગની ધમકીઓ પોકળ સાબિત થઈ છે તેથી કોઈ તેને ગંભીરતાથી લેતું નથી. પન્નુ ભસ્યા કરે છે પણ કરડવાની તેનામા તાકાત નથી એવી છાપ પડી ગઈ છે. આ જ કારણે એર ઈન્ડિયાના વિમાનને ઉડાવી દેવાની પન્નુની ધમકીને પણ બહુ ગંભીરતાથી નથી લેવાઈ રહી પણ ભારતી ગુપ્તચર તંત્ર માને છે કે, પન્નુને પોતાની ધમકીનો અમલ કરવા સક્ષમ છે અને ૧૯૮૫ની એર ઈન્ડિયાના પ્લેનને ફૂંકી મારવાની આતંકવાદી ઘટનાનું પુનરાવર્તન કરી શકે છે.

ખાલિસ્તાનવાદી ત્રાસવાદીઓએ ૧૯૮૫માં એર ઈન્ડિયાનું વિમાન કનિષ્ક ઉડાવી દીધું હતું, જેમાં ૩૨૯ પેસેન્જર માર્યા ગયા હતા. મૃતકોમાં ૨૬૮ કેનેડિયન નાગરિકો હતા અને તેમાંથી મોટા ભાગના ભારતીય મૂળના હતા. મતલબ કે શીખ હતા. ખાલિસ્તાનવાદીઓએ કરેલો આ સૌથી મોટો આતંકી હુમલો છે ને ભારતીય ગુપ્તચર તંત્રના મતે, પન્નુન પાસે આ ઘટનાને દોહરાવવાની ક્ષમતા છે તેથી તેની ધમકીને હળવાશથી ના લેવી જોઈએ.

મોન્ટ્રીલથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયાન ફ્લાઈટ ૧૮૨ને બબ્બર ખાલસાના આતંકીઓએ ૨૩ લજ-ન ૧૯૮૫ના રોજ ઉડાવી દીધી હતી. આતંકીઓએ ફ્લાઈટમાં ગોઠવેલા બોમ્બના કારણે કનિષ્ક વિમાન એટલાન્ટિક મહાસાગર પરથી પસાર થતું હતું ત્યારે જ હવામાં ઊડી ગયેલું ને તેના અવશેષો આયર્લેન્ડ પાસે સમુદ્રમાં પડ્યા હતા. જમીનથી ૩૧ હજાર ફૂટની ઊંચાઈએ કરાયેલા બ્લાસ્ટના કારણે વિમાનના પેસેન્જર્સના ફૂરચેફૂરચા ઊડી ગયેલા.

આ હુમલાના મૃતકોમાં ૨૪ ભારતીય અને ૨૭ બ્રિટિશ નાગરિકો પણ હતા કેમ કે આ ફ્લાઈટ લંડન થઈને દિલ્હી જવાની હતી ને પછી મુંબઈ જવાની હતી. એર ઈન્ડિયાના પ્લેનને ઊડાવી દેવાની આતંકવાદી ઘટના નાઈન ઈલેવનના અલ કાયદાના આતંકી હુમલા લગી સૌથી ભીષણ પ્લેન આતંકી ઘટના હતી. આ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ ઈન્દરજીતસિંહ રેયાત હતો. બ્રિટન અને કેનેડા બંનેની નાગરિકતા ધરાવતા રેયાતને કેનેડાના ખાલિસ્તાનવાદી તલવિંદરસિંહ પરમારે સાથ આપેલો. રેવાત ૨૦૦૩મા દોષિત ઠરેલો. જે બોમ્બથી વિમાનને ઊડાવી દેવાયું એ બોમ્બ એક સૂટકેસમાં મૂકેલો હતો. આ સૂટકેસ પ્લેનમાં મૂકી જનારો કદી ના પકડાયો ને રેયાત સિવાય કોઈને આ કેસમાં સજા ના થઈ. રેયાતને પણ માત્ર ૧૫ વર્ષની સજા થયેલી.

ભારતીય ગુપ્તચર તંત્રના મતે, ખાલિસ્તાનના સમર્થકો ખાલિસ્તાની આંદોલનને ફરી સક્રિય કરવાના પ્રયાસ કરી રહ્યા છે પણ શીખો તેનાથી દૂર છે. ખાલિસ્તાની આતંકીઓને લાગે છે કે, શીખો તેમને ગંભીરતાથી નથી લેતા કેમ કે આતંકીઓ કશું કરી રહ્યા નથી, ખાલી વાતો કરે છે. ખાલિસ્તાની આતંકીઓ પોતાની નોંધ લેવડાવવા માટે કોઈ મોટો કાંડ કરવા માગે છે ને એર ઈન્ડિયાનું પ્લેન ઊડાવી દેવાની યોજના એ મોટો કાંડ બની શકે છે. કેનેડા ઉપરાંત બ્રિટન, પાકિસ્તાન અને અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રમાણ અને જોર નોંધપાત્ર છે. કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદ સાથે સંકળાયેલાં સંગઠનો બબ્બર ખાલસા ઈન્ટરનેશલ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન પર પ્રતિબંધ મૂક્યા છે પણ અદરખાને આ સંગઠનો સક્રિય છે જ એ જોતાં ભારતે સતર્ક રહેવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button