જ્ઞાનવાપી સર્વેમાં મૂર્તિઓ, ચિહ્નો અને…..આ બધા પ્રતિકો મળ્યા
વારાણસી: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમે સતત 93 દિવસથી જ્ઞાનવાપી પરિસરનો વૈજ્ઞાનિક સર્વે કર્યો હતો. હવે તેનો રિપોર્ટ 17 નવેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અગાઉ જિલ્લા ન્યાયાધીશ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર એએસઆઈએ કરેલા સર્વેમાં કેટલીક મૂર્તિઓ, કલાકૃતિઓ, આકૃતિઓ, ચિહ્નો અને દરવાજા અને ઘડાના ટુકડાઓ સહિત 250 થી વધુ સામગ્રી મળી હતી જેમાં પ્રોટોકોલ પ્રમાણે ડીએમ દ્વારા નામાંકિત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી હતી, જમા થયા બાદ આ તમામ વસ્તુઓને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં રાખવામાં આવી હતી અને આ તમામ કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે પ્રોટોકોલમાં જમા કરવામાં આવેલી વસ્તુઓની યાદી પણ આપી હતી, જેની એક નકલ જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં સબમિટ કરવામાં આવી હતી અને બીજી એક નકલ ડીએમને પણ સોંપવામાં આવી હતી. જિલ્લા ન્યાયાધીશના આદેશ પર જિલ્લા મેજિસ્ટ્રેટ આ તમામ વસ્તુઓને કોર્ટમાં રજૂ કરશે. ત્યાં સુઘી આ તમામ સામગ્રીને કડક સુરક્ષા હેઠળ તિજોરીમાં રાખવામાં આવી છે. કોર્ટના આદેશ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે જ્ઞાનવાપીમાં શૃંગાર ગૌરી માટે અરજી કરનાર રાખી સિંહે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી દાખલ કરીને વિનંતી કરી હતી કે સર્વેક્ષણ દરમિયાન જે પણ વસ્તુઓ, ધાર્મિક ચિહ્નો અને કલાકૃતિઓ મળી આવી છે. તેમને સુરક્ષિત રાખવા જોઈએ જેથી કેસમાં તેમની મદદ લઈ શકાય. આ કેસમાં 14 સપ્ટેમ્બર 2023ના રોજ જિલ્લા અદાલતે વાદીની તરફેણમાં ચુકાદો આપતા જિલ્લા મેજિસ્ટ્રેટને પ્રતિકોને સાચવવાનો નિર્દેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જ્યારે જ્ઞાનવાપી પરિસરનો સર્વે હાથ ધરવામાં આવ્યો ત્યારે વજુખાનાને બંધ રાખવામાં આવ્યું હતું અને તેનો સર્વે કરવા દેવામાં આવ્યો નહોતો ત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટમાં એક એવી અરજી કરવામાં આવી છે કે હવે વજુખાનાનો પણ સર્વે કરવામાં આવે.