વેપાર

ચાંદીએ ₹ ૧૨૬૬ના ઉછાળા સાથે ₹ ૭૨,૦૦૦ની સપાટી વટાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક સોનાચાંદી બજારમાં સોમવારે મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. સોનાના ભાવમાં સાધારણ ધસરકો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીએ રૂ. ૧૨૬૬ના જોરદાર ઉછાળા સાથે રૂ. ૭૨,૦૦૦ની સપાટી વટાવી નાંખી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં નરમાઇનો માહોલ રહ્યો હતો.

ફેડરલના ડોવીશ સ્ટાન્સ પછી સેફ બેવન ડીમાન્ડમાં ઘટાડો આવ્યો હોવાથી વિશ્ર્વબજારમાં ગોલ્ડનો ભાવ ૨૦૦૦ ડોલરથી ઘટીને ઐંશદીઠ ૧૯૮૫ ડોલર બોલાયો હતો જ્યારે સલિવરમાં ૨૩.૧૫ ડોલર પ્રતિ ઔંશનો ભાવ રહ્યો હતો. અમેરિકાના જોબ ડેટા નબળા આવ્યા બાદ બોન્ડની યિલ્ડમાં પણ ઘટાડો થયો હોવાથી હેજ ફંડોએ માલ ઠાલવ્યો હોવાનું બુલિયન ડીલરે જણાવ્યું હતું.

સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું દસ ગ્રામે રૂ. ૬૧,૦૭૫ના પાછલા બંધ સામે રૂ. ૬૧,૦૦૨ની સપાટીએ ખૂલ્યા બાદ અંતે રૂ. ૨૨ના ધસરકા સાથે રૂ. ૬૧,૦૫૩ની સપાટીએ બંધ રહ્યું હતું. એ જ રીતે, ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું દસ ગ્રામે રૂ. ૬૧,૮૩૦ના પાછલા બંધ સામે રૂ. ૬૧,૭૫૮ની સપાટીએ ખૂલ્યા બાદ અંતે રૂ. ૨૨ના ધસરકા સાથે રૂ. ૬૦,૦૮૦ની સપાટીએ બંધ રહ્યું હતું. આમ સ્ટાન્ડર્ડ સોનાએ રૂ. ૬૧,૦૦૦ની સપાટી ગુમાવી હતી.

જોકે, ચાંદીમાં ઔદ્યોગિક અને સટ્ટાકીય માગ નીકળવાને કારણે .૯૯૯ ટચની હાજર ચાંદી એક કિલો દીઠ રૂ. ૭૦,૭૭૧ના પાછલા બંધ સામે રૂ. ૭૧,૯૯૨ની સપાટીએ ખૂલીને અંતે રૂ. ૧૨૬૬ના ઉછાળા સાથે રૂ. ૭૨,૦૩૭ની સપાટીએ બંધ રહી હતી. નવી દિલ્હી ખાતે સોનું રૂ. ૬૧,૮૦૦ના પાછલા બંઘ સામે દસ ગ્રામ દીઠ રૂ. ૫૦ના ઘટાડા સાથે રૂ. ૬૧,૭૫૦ની સપાટીએ પહોંચ્યું હતું અને ચાંદી કિલોએ રૂ. ૭૫,૨૦૦ના ભાવે ફલેટ રહી હતી. શેરબજારમાં ફરી આવેલી તેજીને કારણે પણ બુલિયન બજારમાં નિરસતા રહી હોવાનું ડીલરોે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button