હિટલરના હેકેનક્રુઝ સાથે સ્વસ્તિકને કોઈ સંબંધ નથી
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનવાદી હરદીપસિંહ નિજજરની હત્યાના મામલે ચાલતી બબાલ પતી નથી ત્યાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએન નવો પલિતો ચાંપ્યો છે. ખાલિસ્તાનીઓ પ્રત્યેનું સોફ્ટ કોર્નર ધરાવતા ટ્રુડોએ હિન્દુઓના પવિત્ર પ્રતીક સ્વસ્તિકને જર્મનીના નાઝી સરમુખત્યાર હિટલરના હેકેનક્રુઝ સાથે સરખાવીને સ્વસ્તિકને નફરત ફેલાવતું ચિહ્ન ગણાવ્યું છે.
ટ્રુડોએ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ મૂકી છે કે, પાર્લામેન્ટ હિલ પર કોઈ વ્યક્તિ દ્વારા સ્વસ્તિકનું પ્રદર્શન કેનેડા નહીં ચલાવી લેવાય અને નફરત ફેલાવનારા ચિહ્નોનું સંસદ નજીક પ્રદર્શન કરવાની મંજૂરી નહીં અપાય. ટ્રુડોએ ડહાપણ ડહોળ્યું છે કે, આપણે કોઈ પણ નફરત ફેલાવતી ભાષા કે ચિત્ર જોઈએ ત્યારે આપણે તેની ટીકા કરવી જોઇએ. ટ્રુડોએ એવું પણ કહ્યું કે, કેનેડિયન લોકોને શાંતિપૂર્વક એકઠાં થવાનો અધિકાર છે પણ યહૂદીવિરોધી લાગણી, ઈસ્લામોફોબિયા કે કોઈ પણ પ્રકારની નફરતને સહન નહીં કરીએ.
ટ્રુડોએ સ્વસ્તિકનો ઉલ્લેખ કર્યો તેથી સ્વાભાવિક રીતે જ હિંદુઓ ભડકે જ અને એવું જ થયું છે. સોશિયલ મીડિયા પર ટ્રુડોના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે અને ભારતીયો ટ્રુડોના ઢોકળી ધોઈ રહ્યા છે. હિન્દુઓના પવિત્ર નિશાન સ્વસ્તિકને નફરત ફેલાવનારું ગણાવવા બદલ હિંદુઓ ટ્રુડોને ભારતદ્વેષી પણ ગણાવી રહ્યા છે.
ટ્રુડોએ જે કંઈ કહ્યું એ વાંધાનજનક છે કેમ કે તેમણે સ્વસ્તિક શબ્દનો પ્રયોગ કર્યો છે ને તેનું કારણ તેમનું ઘોર અજ્ઞાન છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે કેનેડામાં દેખાવો થઈ રહ્યા છે. ભારતમાં પણ થઈ રહ્યા છે તેથી કેનેડા જેવા પ્રમાણમાં અભિવ્યક્તિની આઝાદી ધરાવતા દેશમાં થાય તેમાં કશું નવું નથી. કેનેડામાં દુનિયાભરમાંથી આવેલા જાતજાતના ને ભાતભાતના લોકો ઠલવાયેલા છે તેથી ઈઝરાયલ તરફી અને ઈઝરાયલ વિરોધી એમ બંને પ્રકારના દેખાવો થઈ રહ્યા છે. આ દેખાવોમાં ઈઝરાયલ અને યહૂદી વિરોધી દેખાવો દરમિયાન હિટલરના આશિકોએ ટ્રુડો જેને સ્વસ્તિક કહે છે તેનું પ્રદર્શન કર્યું તેમાં ટ્રુડોએ આ ટીપ્પણી કરી દીધી.
ટ્રુડોએ ઈતિહાસ વાંચવાની જરૂર છે ને સમજવાની પણ જરૂરી છે કે, જર્મનીમાં યહૂદીઓની કત્લેઆમ કરનારા હિટલરના નાઝીવાદનું પ્રતિક સ્વસ્તિક નથી પણ હેકેનક્રુઝ છે. સ્વસ્તિક અને હેકેનક્રુઝ બંને અલગ છે ને બંનેની ભેળસેળ કોઈએ ના કરવી જોઈએ. લેખક સ્ટીવન હેલરે તો સ્વસ્તિક પર ‘ધ સ્વસ્તિક: સિમ્બોલ બિયોન્ડ રિડેમ્પશન’ લખ્યું છે. આ પુસ્તકમાં તેમણે સ્વસ્તિકનો ઈતિહાસ અને તે ભારત સાથે કોઈ સંબંધ ન ધરાવતા દેશો પણ સ્વસ્તિકને શ્રદ્ધાથી પૂજતા હતા એવો ઉલ્લેખ કર્યો છે.
ભારતીયો માટે સ્વસ્તિક આસ્થા અને અધ્યાત્મનું પ્રતિક છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા કરોડો હિન્દુઓ કોઈપણ ધાર્મિક પ્રસંગે સૌથી પહેલાં સ્વસ્તિક બનાવે છે કેમ કે સ્વસ્તિક હિદું પરંપરામાં અત્યંત પવિત્ર અને શુભ મનાય છે. સ્વસ્તિક કંકુથી કરવામાં આવે છે તેથી લાલ રંગનો હોય છે અને તેની મધ્યમાં ચાર તિલક કરેલાં હોય છે કે જેને સાદી ગુજરાતી ભાષામાં ચાંલ્લા કહી શકાય. ભારતમા હિંદુ ધર્મમાંથી અલગ થયેલા જૈન અને બૌદ્ધ ધર્મોમાં પણ સ્વસ્તિક સદીઓથી શુભ મનાય છે.
ભારતમાં હિંદુઓ માટે પવિત્ર મનાતો સ્વસ્તિક અથવા સાથીયો સીધી ને સરળ આકૃતિ છે જ્યારે હેકેનક્રુઝ તેનાથી સાવ અલગ છે. સફેદ વર્તુળની અંદર એક કાળાં રંગથી દોરાયેલો હેકેનક્રુઝ હિંદુઓનો સાથીયો બિલકુલ નથી. જર્મનીમાં જેને હેકેનક્રુઝ અથવા હૂક ક્રોસ કહેવામાં આવે છે તે પહેલી નજરે સ્વસ્તિક જેવું જ લાગે પણ વાસ્તવમાં પ્રતીક જમણી બાજુએ ૪૫ ડિગ્રી નમેલું છે. સ્વસ્તિકમાં અંદરની તરફ ચાર તિલક કરેલાં હોય છે. હૂક ક્રોસમાં આ ચાર તિલક નથી હોતાં.
સ્વસ્તિક અને હેકેન ક્રુઝની ભેળસેળ માટે પશ્ર્ચિમી લેખકો જવાબદાર છે કેમ કે તેમણે હિટલર સાથે આ પ્રતિકને જોડી દીધું જ્યારે વાસ્તવમાં હિટલરને સ્વસ્તિક સાથે કોઈ લેવાદેવા નહોતી. હિટલર જર્મનોને વિશ્ર્વની શ્રેષ્ઠ પ્રજા માનતો હતો. હિટલરે ક્યાંકથી આર્યોનો ઈતિહાસ વાંચી લીધો હશે અને આર્યો આખી દુનિયામાં શ્રેષ્ઠ હતા એવું વાંચ્યું હશે તેથી હુંકાર કરેલો કે, સમગ્ર વિશ્ર્વના આર્યોએ આ પ્રતીક હેઠળ એકઠાં થવું જોઈએ. હિટલરે એ વખતે ના તો સ્વસ્તિકની વાત કરી હતી કે ના ભારતીયોને પોતાના હેકેનક્રુઝના પ્રતીક સાથે કોઈ સંબંધ હોવાનું કહેલું પણ આર્યોની વાત કરેલી તેથી પશ્ર્ચિમી લેખકો અને પત્રકારોએ હેકેનક્રુઝ અને સ્વસ્તિકની ભેળસેળ કરીને બંનેને એક ગણાવવા માંડ્યાં.
હિટલર વારંવાર હેકેનક્રુઝની વાત કરતો ને નાઝીવાદના પ્રતીક તરીકે તેને ગણાવતો. હિટલરના સમયમાં નાઝીવાદના નામે યહૂદીઓ પર અમાનવિય અત્યાચારો થયા તેથી યહૂદીઓમાં હેકેનક્રુઝ માટે નફરત પેદા થઈ ને પછી આખી દુનિયા હેકેનક્રુઝને નફરત કરવા લાગી. સ્વસ્તિક અને હેકેનક્રુઝનો ફરક નહીં સમજનારા સ્વસ્તિકને હિટલર સાથે જોડીને અજ્ઞાનનું પ્રદર્શન કરતા તેમાં સ્વસ્તિક પણ બદનામ થયો.
ટ્રુડો પણ સ્વસ્તિક અને હેકેનક્રુઝ વચ્ચે ભેદ ના સમજતા અજ્ઞાનીઓમાં એક છે કેમ કે એ પણ અંતે તો પશ્ર્ચિમી શિક્ષણની પેદાશ છે. ટ્રુડોનું આ અજ્ઞાન આપણે દૂર કરી શકીએ તેમ નથી કેમ કે કેનેડામાં પહેલાં સ્વસ્તિક પર પ્રતિબંધની માગ પણ થઈ ચૂકી છે કે જેને ટ્રુડોએ ટેકો આપેલો. ૨૦૨૨માં કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ દ્વેષપૂર્ણ પ્રતીકો પર પ્રતિબંધ માટે કાયદો બનાવવાની તરફેણ કરેલી ને તેમાં સ્વસ્તિક પણ હતું. આ યાદીમાં અમેરિકા અને યુરોપનાં દેશોનાં પ્રતીકો પણ હતાં તેથી એ પસાર ના થયું પણ સ્વસ્તિક વિશે કેનેડામાં કેવી ગેરમાન્યતા છે એ એ વખતે જ છતું થઈ ગયેલું.
ભારતમાં પણ હિંદુઓનો એક વર્ગ સ્વસ્તિક અને હેકેનક્રુઝને એક જ માને છે. ટ્રુડોનું અજ્ઞાન દૂર નહીં થાય પણ આ વર્ગે પોતાનું અજ્ઞાન દૂર કરવાની જરૂર છે. હિટલરની આર્યોની થીયરીને ભારત સાથે કોઈ લેવાદેવા નહોતી એ રીતે હિટલરના હેકેનક્રુઝને પણ ભારતના સ્વસ્તિક સાથે કંઈ લેવાદેવા નથી, સ્વસ્તિક શુભ છે જ્યારે હેકેનક્રુઝ અત્યાચારનું પ્રતીક છે એટલી સાદી સમજ કેળવી લેવી જોઈએ.