કેરોલિના રીપર પ્રકરણ-૫૦
પ્રફુલ શાહ
આપણા બે માણસોને ૨૪ કલાક કબ્રસ્તાન પર નજર રાખવા કહી દો
રાજાબાબુ મહાજને અર્જન્ટ બોલાવતા દીપક, રોમા અને કિરણ દોડી આવ્યાં
એટીએસના પરમવીર બત્રાની ઑફિસમાં એક યુવાન સરદારજી સડસડાટ આગળ વધતો ગયો હતો. એક કોન્સ્ટેબલે રોક્યો, તો યુવાને એને ઉપરથી નીચે જોયો. “શાદી હો ચૂકી લગતી હૈ. તેરે બચ્ચે હૈ?
“હા હૈ. મગર આપ કો ક્યાં કામ?
“ક્યોંકિ બત્રા સાહબ કે સાલે કો રોકેગા તો ટ્રાન્સફર હોની હી હૈં. તો બચ્ચોં કી સ્કૂલ કા સોચ લિયા હૈ?
કોન્સ્ટેબલ વિચારમાં પડી ગયો કે બત્રા સાહેબ પરણેલા છે.
સરદારજી આગળ ચાલવા માંડ્યો. એટલે કોન્સ્ટેબલ દોડયો. “રૂકિયે મૈં સર સે પૂછતા હું. કોન્સ્ટેબલ અંદર જઇને પૂછી આવ્યો. “આપ જા સકતે હૈ. સૉરી, મુઝે માલુમ નહીં થા.
સરદારજી અંદર ગયા. લેપટોપમાં કંઇ જોઇ રહેલા બત્રાએ આવકાર આપ્યો, “આવો પ્રોડયુસર મનમોહન.
સરદારજી ઊભો રહી ગયો. “સર, આપને કેવી રીતે ખબર પડી ગઇ?
બત્રા હસી પડયા. “એક તો મારો કોઇ સાળો નથી. મારા મોટાભાગના સગા અને દોસ્તોને ખબર નથી કે હું અલીબાગમાં છું. એટલે બધી શકયતા અને શંકા એક વ્યક્તિ પર જાય. પ્રોડ્યુસર બનવાની ઇચ્છા ધરાવતા બોલીવૂડના મેકઅપમેનના દીકરા અને એટીએસના ગુપ્તચર પર. આવો બેસો.
હસીને પ્રોડ્યુસર મનમોહન બેઠે. તેણે ટેબલ પર એક પ્લાસ્ટિકની બેગ મૂકી જે બાદશાહ ભોઇઘરની બહારના અવાવરું કબ્રસ્તાનમાં ફેંકી ગયો હતો. બત્રાએ પૂછયું “કંઇ મળ્યું કામનું?
“સર, બહુ ધ્યાનથી જોયુ નથી. પણ અંદર ગુલાબની પાંખડીઓ, અત્તરની ખાલી શીશી, અગરબત્તીનું ખાલી પડીકું અને બાદશાહ આ બધુ વીંટીને લાવેલો એ અખબારના ટુકડા છે.
આટલુ બોલીને “પ્રોડ્યુસર મનમોહન ઊભા થયા. પ્લાસ્ટિકની થેલી ખાલી કરી. બત્રાએ બધું ધ્યાનથી જોયું. ગુલાબના પાંદડા, ગુલાબનું અત્તર, ગુલાબની અગરબત્તી.
“આજે કબરની તકતી પર તોપચી ઇકબાલ હમીદુલ્લાના નામ સાથે ‘ગુલાબ’ લખેલું છે. ગુલાબ તખલ્લુસ હશે એમ માની લઇએ.
બત્રા વિચારમાં પડી ગયા. “ગુલાબ જ ગુલાબ. શું ભેદ હશે આ ગુલાબનો? પ્રોડ્યુસર મનમોહન, તકતી પરના લખાણના ફોટા ઊર્દૂના એકસપર્ટને મોકલી દઉં છું. અમુક લખાણ ઉકલતું નથી. બરાબર દેખાતું નામ આપણે માંડ વાચી શકયા. અને લખાણની માહિતી મળે ત્યાં સુધી બે જણને ૨૪ કલાક એ કબ્રસ્તાન પર નજર રાખવા કહી દો.
“ઓકે સર. હુ આસપાસ તોપચી ઇકબાલ હમીદુલ્લા વિશે પૂછપરછ શરૂ કરી દઉં છું. કદાચ એમાંથી જ આ ગુલાબના ભેદભરમ ખુલે.
૦૦૦
દિલ્હીના ફાઇવ સ્ટાર હોટેલના ખાસ સ્યુટમાં લોકપ્રિય સંસદ સભ્ય રાજકિશોર બેઠા હતા. તેઓ ફોન પર દિલ્હીના સીએમ સુંદરલાલ વર્માને રોષભેર ભાંડી રહ્યા હતા. અચાનક એમનું ધ્યાન ઘડિયાળમાં ગયું. ત્યાં જ ડૉરબેલ વાગી. રાજકિશોરના પી.એ.એ દરવાજો ખોલ્યો. તો ન્યૂઝ ચેનલ ‘ખબરે પલ પલ’ના માલિક રજત મીરચંદાની હસતા મોઢે દેખાયા.
“વાહ, મીરચંદાની તમે સમયના એકદમ પાક્કા?
“ન્યૂઝના ધંધામાં ડેડલાઇનને પ્રેમ કરવો જ પડે. મન એક મીનિટ બગાડવી ન ગમે, પછી એ મારી હોય કે બીજા કોઇની. આપ ખુશ છો અમારા ‘બ્રેકિંગ ન્યૂઝ’થી?
“યસ. પણ આતંકવાદી બનીને બોલબોલ કરનારો એકટર ક્યાંક બાફી ન મારે?
મીરચંદાની હસી પડયો. “જે મોઢું છુપાવેલો દેખાય છે એ કંઇ જ બોલ્યો નથી. એ બુકાનીની અંદર ખાલી મોઢું હલાવતો હતો. અવાજ કોઇક બીજાનો હતો.
પણ પાછળ લોકેશન સરસ દેખાતું હતું. “જાણે એકદમ સાચુકલી જગ્યા.
“એ તો ક્રોમા સિસ્ટમ છે. પાછળ લીલું કપડું રાખીને કલાકાર બોલી લે કે એક્ટિંગ કરી લે. પછી કૉમ્પ્યુટર પર એડિટિંગ વખતે લીલું કપડું હટાવીને ત્યાં મનગમતું લોકેશન ફિટ કરી શકાય.
“વાહ, અદ્ભુત કોઇને ખબર નહીં પડે.
“હા. પણ એ કરવામાં ખૂબ મુશ્કેલી થઇ. કોઇ સ્ટુડિયોમાં ફલોર જ મળતો નહોતો.
“અરે મીરચંદાનીજી, તો પોતાનો સ્ટુડિયો બનાવી લો. હું મદદ કરીશ.
“સર, ટેલિવિઝન પત્રકારત્વની એક સંસ્થા ખોલવાનો પ્લાન છે. એમાં વિદ્યાર્થીઓ માટે આવા સ્ટુડિયો બને જ.
“તો અવરોધ ક્યાં છે? આગળ વધો.
“સર, દિલ્હી આસપાસ જમીનના ભાવ પોસાય નહીં. થોડું ઘણું ફાયનાન્સ પણ જોઇએ ને! જો મુખ્ય પ્રધાન સુંદરલાલ માથાકૂટ કરશે તો નોઇડામાં હું તમને સરકારી જમીન અપાવી દઇશ. ફાયનાન્સનું પણ ગોઠવી આપીશ.
“થેન્ક યુ. થેન્કયુ સર. એક છેલ્લી વિનંતી.
આ પ્રોજેકટમાં ભાભી, આપના દીકરા કે દીકરીને ભાગીદાર તરીકે સાથે રાખીએ તો મને હિંમત મળતી રહેશે.
રાજકિશોર ખડખડાટ હસી પડયો. “તમે બહુ મોટા, ચાલાક અને કાબેલ ખેલાડી છો. હો મીરચંદાની. એ પણ થઇ જશે. મારા ખાસ રસોઇયા વર્ગીસના હાથનું ડિનર લીધા વગર નીકળવાનું નથી. એ ટિફિન લઇને ક્યારનો આવી ગયો છે.
૦૦૦
રાજાબાબુ મહાજને અર્જન્ટ બોલાવવાથી દીપક, રોમા અને કિરણ દોડી આવ્યાં. પોતાને મદદ માટે રાજાબાબએુ મમતાને રોકી રાખી.
રાજાબાબુએ પ્રેમથી દીપક અને રોમા સામે જોયું. કિરણ નીચું જોઇને બેસી રહી. રાજાબાબુ ખોંખારો ખાઇને થોડા ટટ્ટાર બેઠા.
“કિરણ બેટા, મારે તમને કંઇક પૂછવું છે, તો જવાબ આપશો?
“જી પપ્પા, પૂછો જે પૂછવું હોય એ.
“મેં સાંભળ્યું છે કે દીપક અને રોમા મહાજન મસાલાના હિતમાં કંઇક કરવા માગે છે. પણ તમે મંજૂરી આપતા નથી.
“પણ પપ્પા….
“ધ્યાનથી સાંભળો. મેં તમને બધી સત્તા સોંપી છે પણ એના અમલમાં કંપનીનું હિત તો જોવાવું જ જોઇએ. દીપક બેટા, તું કહી દે કંપનીના હિતની વાત.
દીપકે હરખાઇને રોમા સામે જોયું. “પપ્પા, આપની બીમારી પછી મારી જવાબદારી વધી ગઇ હોય એમ હું માનું છું. આપણ મસાલાને દેશ-દુનિયામાં પહોંચાડવા માટે મેં ઓનલાઇન વેચાણનું વિચાર્યું પણ… “એ કિરણ સામે જોવા માંડયો. રાજાબાબુએ પણ કિરણ સામે જોયું.
“પપ્પા, કંપની સમક્ષ આવો કોઇ પ્લાન રજૂ કરાયો નથી.
“અચ્છા? કહીને રાજાબાબુએ ફરી દીપક સામે જોયુ.
“પપ્પા, પેપરવર્ક ચાલી રહ્યું છે. મને થયું કે એ પેપરવર્ક પતે ત્યાં સુધીમાં કર્મચારીઓને પાનો ચડાવું એટલે…
કિરણે દીપકની વાત કાપી “પપ્પા, ઓનલાઇન ધંધો સારો છે. આપણે ત્યાંથી ડાયરેક્ટ કામ થવું જોઇએ. તો પ્રાઇઝ, ડિલિવરી અને કવૉલિટી ક્ધટ્રોલ આપણા હાથમાં રહે. મને થયું કે આપ આવો પછી ઑફિસમાં નિરાંતે ચર્ચા કરીને આગળ વધીએ.
“પણ જેની પાસે આ બધું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર હોય એની સાથે હાથ મિલાવવાથી માથાકૂટ બચી જાય કે નહીં પપ્પા? કિરણે વાતનો દોર આગળ ધપાવ્યો. આઇ એમ સૉરી, પપ્પા. એક ગૃહિણી તરીકે હું કહીશ કે અમને મસાલો હાથમાં લઇને સુંઘીને લેવો અમને ગમે. ઓનલાઇનમાં એ બધું શક્ય નથી. એમાંય બીજાને આપણો માલ વેચવા આપીએ ને કિરણ રસ્તોગી જેવો હરીફ આપણો માલ કોર્નર કરીને એની ગુણવત્તા સાથે ચેડાં કરે તો?
કિરણે એકદમ અડસટ્ટે રસ્તોગીનું નામ લીધું. પણ એ બ્લાઇન્ડમાં દુડી, તીડી ને પંજા સાથે જીતી ગઇ. દીપક શાંત પડી ગયો. રાજાબાબુએ ફરમાન કર્યું કે હમણાં ઓનલાઇનમાં પડવાનું રહેવા દો.
છૂટા પડતી વખતે એકમેક સામે તીરછી નજરે જોતી વખતે રાજાબાબુ, કિરણ અને મમતાની આંખ હસતી હતી.
૦૦૦
પ્રશાંત ગોડબોલે સામે બેસીને જવાલાએ વૃંદા તરફ નજર નાખી. “આમની સામે વાત કરવાની છે?
“હા. એ પોલીસમાં જ છે. સબ-ઇન્સ્પેક્ટર વૃંદા સ્વામી.
“ઠીક છે. પ્રસાદ રાવ વિશે હું ઘણું જાણું છું. આપે જે પૂછવું હોય એ પૂછો.
પ્રશાંતને જવાલાનો આત્મવિશ્ર્વાસ ગમ્યો. અમે એના વિશે ઘણુ જાણી લીધું છે. એનાથી વધુ તમે નહીં જાણતા હો.
“એક પુરુષ વિશે સૌથી વધુ બે સ્ત્રી જાણતી હોય. એક માં ને બીજી …હું
“હું એટલે….
જવાલાએ પર્સમાંથી કાઢીને બે ફોટા ગોડબોલે તરફ લંબાવ્યા. ફોટા જોઇને એમની આંખ જાણે સ્થિર થઇ ગઇ.
“યુ મીન ટુ સે… તમારો દાવો છે કે…
“દાવો નથી સર. હકીકત છે કે પ્રસાદ રાવ મારો પતિ છે અને હું એની પત્ની. વધુ ફોટા છે. સાક્ષી છે, પુરાવા છે. જરૂર હોય તો હાજર કરું.
વૃંદાને પોતાના કાન પર વિશ્ર્વાસ ન બેઠો. “શું…શું… પ્રસાદ પરણેલો છે? મારી સાથે રમત કરી ? માત્ર ટાઇમ પાસ કર્યો?
“જુઓ જવાલા…
“ના. મને મિસિસ જવાલા પ્રસાદ રાવ કહો. અને સર મારો પતિ બે દિવસમાં ન મળ્યો તો હું મીડિયાને કહી દઇશ કે તમારી આ વૃંદાએ પ્રસાદને પોતાનો સ્વામી બનાવવા માટે મોટો ખેલ ખેલ્યો છે. એને પર્દાફાશ કરી નાખીશ, તો પોલીસ સ્ટેશન પણ બદનામ થશે જ…..
(ક્રમશ:)