… તો વર્ક ફ્રોમ જેલ કરશે સીએમ કેજરીવાલ, જાણો કોણે કહ્યું આવું?
નવી દિલ્હીઃ નવી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હી લીકર પોલિસીમાં ઈડી દ્વારા બીજી નવેમ્બરના હાજર થવાની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ કેજરીવાલ હાજર નહોતા રહ્યા. એક રેલીમાં કેજરીવાલ કહી ચૂક્યા છે કે તેમને દરરોજ ધરપકડ કરવાની ધમકી આપવામાં આવે છે અને આ બધા વચ્ચે જ આમ આદમી પાર્ટીએ સોમવારે કહ્યું હતું કે બધા વિધાનસભ્યોએ અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે કાયમ રહેવાની વિનંતી કરી છે, ભલે તેમની ધરપકડ પણ કેમ ના કરવામાં આવે?
સોમવારે અરવિંદ કેજરીવાલે સરકારના વિધાનસભ્યો સાથે મીટિંગ કરી હતી અને આ મીટિંગ બાદ દિલ્હી સરકારમાં પ્રધાન આતિશીએ જાહેરાત કરી હતી કે ધરપકડ બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન તો અરવિંદ કેજરીવાલ જ રહેશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે અમે લોકોને મળી રહ્યા છીએ અને એમને પણ એવું જ લાગે છે કે અરવિંદ કેજરીવાલ સાથે અન્યાય થઈ રહ્યો છે. એટલે જ વિધાનસભ્યોએ તેમને વિનંતી કરી છે કે ભલે તેઓ જેલમાં જાય પણ સીએમ તો એ જ રહેશે, કારણે કે દિલ્હીવાસીઓએ એમને પસંદ કર્યા છે.
પત્રકારો સાથેની વાત-ચીતમાં આતિશીએ એવું પણ જણાવ્યું હતું કે જો અરવિંદ કેજરીવાલને જેલમાં મોકલવામાં આવશે તો અમે કોર્ટની પરવાનગી લઈને જેલમાં કેબિનેટ મીટિંગ કરીશું. એટલે ટૂંકમાં કહેવાનું થાય તો કેજરીવાલ ભલે જેલમાં જાય પણ દિલ્હીના મુખ્ય પ્રધાન તો તેઓ જ રહેશે અને તેઓ વર્ક ફ્રોમ હોમ નહીં પણ વર્ક ફ્રોમ જેલ કરશે, એવું કેજરીવાલ સરકારના વિધાનસભ્યોની વાતો પરથી લાગી રહ્યું છે.
દિલ્હી સરકારમાં પ્રધાન સૌરભ ભારદ્વાજે દિલ્હી લિકર પોલિસીમાં ઈડી દ્વારા કેજરીવાલને મોકલવામાં આવેલા સમન્સનો જવાબ આપતા જણાવ્યું હતું કે બેઠકમાં એ વાતની ચર્ચા થઈ હતી કે ભાજપને સૌથી મોટો વાંધો આમ આદમી પાર્ટી સામે છે. એટલું જ નહીં બેઠકમાં હાજર તમામ વિધાનસભ્યોએ કેજરીવાલને એવું કહ્યું હતું કે જો તેમની ધરપકડ પણ કરવામાં આવશે તો પણ તેઓ દિલ્હીના મુખ્ય પ્રધાન રહેશે, કારણ કે દિલ્હીની જનતાએ એમને સરકાર ચલાવવાનો આદેશ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ હાલમાં જ દિલ્હીના પ્રધાન રાજકુમાર આનંદના ઘરે છાપા માર્યા હતા. ઈડીએ પાર્ટી સાંસદ સંજય સિંહના ઘરે પણ દરોડા પાડીને તેમની ધરપકડ કરી હતી.