વેપાર

અમેરિકાના જોબ ડેટા નબળા આવતાં વૈશ્ર્વિક હાજર સોનામાં મક્કમ વલણ, વાયદામાં ભાવ બે હજાર ડૉલરની લગોલગ

કોમોડિટી -રમેશ ગોહિલ

અમેરિકી ફેડરલ રિઝર્વે ગત સપ્તાહે પહેલી નવેમ્બરના રોજ સમાપન થયેલી બેદિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખ્યા હતા અને ફેડરલ રિઝર્વના અધ્યક્ષે અર્થતંત્રમાં જોવા મળેલી વૃદ્ધિ અંગે સંતોષ વ્યક્ત કરવાની સાથે ફુગાવો પણ અંકુશ હેઠળ આવી રહ્યો હોવાનું જણાવતાં રોકાણકારોમાં ફેડરલ રિઝર્વ હવે પછી વ્યાજદરમાં વધારો નહીં કરે તેવો આશાવાદ નિર્માણ થતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં વિશ્ર્વ બજારમાં સોનામાં સુધારો જોવા મળ્યો હતો. આ સિવાય ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધને કારણે સલામતી માટેની માગનો ટેકો મળ્યો હતો. જોકે, સપ્તાહ દરમિયાન ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનાં આંચકા જોવા મળ્યા હતા. વધુમાં ગત ઑક્ટોબર મહિનામાં અમેરિકામાં રોજગારોની સંખ્યામાં ૧,૫૦,૦૦૦નો ઉમેરો થયો હતો, જ્યારે બજાર વર્તુળો ૧,૮૦,૦૦૦ના ઉમેરાનો અંદાજ મૂકી રહ્યા હતા. આમ બજારની અપેક્ષા કરતાં નોન ફાર્મ પૅ રૉલ ડેટા નબળા આવ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૨-૧૩ ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં નાણાનીતિમાં આક્રમક અભિગમ નહીં દાખવે તેવી શક્યતા સપાટી પર આવતાં ડૉલર ઈન્ડેક્સમાં લગભગ એક ટકાનો ઘટાડો થયો હતો અને અમેરિકાના ૧૦ વર્ષીય બૉન્ડની ઊપજ ઘટીને એક મહિનાની નીચી સપાટી પહોંચતાં સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૧૯૯૪.૨૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટીની લગોલગ ૧૯૯૯.૨૦ ડૉલરના મથાળે રહ્યા હતા. જો અમેરિકી શ્રમ બજાર વધુ ખરડાતી રહેશે તો ફેડરલ રિઝર્વ માટે આક્રમક નાણાનીતિ જાળવી રાખવી મુશ્કેલ બનશે, પરિણામે સોનામાં સુધારાને ટેકો મળશે, એમ શિકાગો સ્થિત બ્લ્યુ લાઈન ફ્યુચર્સનાં ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ ફિલિપ સ્ટ્રીબલે જણાવ્યું હતું. એકંદરે વિશ્ર્વ બજાર પાછળ સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ જે આગલા સપ્તાહના અંતે ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૮૨૫ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. ૬૧,૩૩૬ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૬૦,૮૯૬ અને ઉપરમાં રૂ. ૬૧,૩૭૦ની રેન્જમાં રહ્યા બાદ અંતે રૂ. ૬૧,૦૭૫ના મથાળે બંધ રહ્યા હતા. આમ ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૫૦ અથવા તો ૦.૪૧ ટકાનો વધારો જોવા મળ્યો હતો. જોકે, સપ્તાહ દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઊપર જ રહ્યા હોવાથી ઊંચા મથાળેથી રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. આમ નિરસ માગને કારણે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં જે આગલા સપ્તાહે ઔંસદીઠ પાંચ ડૉલર પ્રીમિયમમાં ઓફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે ઔંસદીઠ નવ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા.

ગત ઑક્ટોબર મહિનાના પહેલા પખવાડિયા સુધી એકંદરે સોનામાં માગ સારી રહી હતી, પરંતુ ત્યાર બાદ ભાવવધારાની સાથે સાથે માગ પણ ઓસરવા લાગી હતી અને હવે તો માગ સાધારણ કરતાં પણ ઓછી જોવા મળી રહી હોવાનું પૂના સ્થિત એક ડીલરે જણાવ્યું હતું. આ વર્ષે દશેરા, ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં સારી માગ રહેવાનો જ્વેલરો આશાવાદ રાખી રહ્યા હતા, પરંતુ જો દિવાળી ટાંકણે ભાવ ઊંચી સપાટીએ જળવાયેલા રહેશે તો માત્ર શુકન પૂરતી સોનામાં ખરીદી જોવા મળે તેવી ભીતિ સેવાઈ રહી છે.

અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પશ્ર્ચાત્ વૈશ્ર્વિક બજારમાં સોનામાં ખાસ કરીને નોન ફાર્મ પૅ રૉલ ડૅટાની જાહેરાત પૂર્વે ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જોકે, ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધને કારણે સલામતી માટેની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં સાપ્તાહિક ધોરણે ભાવઘટાડો એક ટકા સુધી મર્યાદિત રહ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે ગત ઑક્ટોબર મહિનાના અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી આગામી ૧૨-૧૩ ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ નાણાનીતિમાં આક્રમક અભિગમ નહીં અપનાવે એવો ૯૫ ટકા બજાર વર્તુળો આશાવાદ રાખી રહ્યા છે.

આમ ફેડરલના હળવા વલણ તેમ જ મધ્યપૂર્વના દેશોના રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતાં જો વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી પાર કરશે તો વધીને ૨૦૪૫ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯,૬૦૦થી ૬૧,૪૦૦ આસપાસની રેન્જમાં અથડાતા રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button