કઠણ ચોટ છે કાળની રે…
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
કાફી રાગનાં પદો-ભજનોથી ખૂબ જાણીતો ધીરો ભગત મધ્યકાલીન સાહિત્ય પરંપરામાં અને કંઠસ્થ પરંપરાની ભજનવાણીમાં એમ બંને ધારામાં મહત્ત્વનો છે. કાફી તો ધીરાની ધારામાં અને ચાબખા ભોજાના, એવી ઉક્તિ પણ પ્રચલિત છે. બારોટ જ્ઞાતિનો સાવલી પાસેના ગોઠવા ગામનો ધીરો બાપુસાહેબ ગાયકવાડ નામના સમર્થ શિષ્યના ગુરુ તરીકે પણ સન્માનનીય ગણાય છે. બહુધા જ્ઞાનમાર્ગી ધારાનો ભજનિક ધીરો સરળ ભક્તહૃદયી સંત છે. એણે બહુધા જનસમુદાયને નજર સમક્ષ્ા રાખીને એના ઉત્કર્ષ્ા માટે, વિકાસ માટે ભજનવાણી વહાવી છે. એની ઘણી ભજનરચના પરંપરામાં ખૂબ જ પ્રચલિત છે. એમાંથી એકને અવલોકીએ:
કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર,
કંઈક રાણા ને કંઈક રાજિયા રે, હાં રે, મેલી ચાલ્યા સંસાર,
હેતે હરિરસ પીજિયે…૧
જાયા તે તો સર્વે જશે રે, કોઈ કેડે, કોઈ મોર,
રંગ પતંગનો ઊડી જશે રે, હાં રે, જેમ આંકડાનો થોર,
હેતે હરિરસ પીજિયે… ર
કેનાં છોરું ને કેનાં વાછરું રે, કેનાં માય ને બાપ,
અંતકાળે જાવું, એકલું રે, હાં રે, સાથે પુણ્ય ને પાપ,
હેતે હરિરસ પીજિયે…૩
સંસાર ધુમાડાના બાચકા રે, જોતાં જોતાં જનાર,
મરનારાને તમે શું રુવોશો, હાં રે રોનારાં ક્યાં રહેનાર,
હેતે હરિરસ પીજિયે… ૪
દાસ ધીરો રમે રંગમાં રે, અમે દિવસ ને રાત,
હું ને મારુંં મિથ્યા કરો રે, હાં રે, રમો હેતે પ્રભુસંગાથ.
હેતે હરિરસ પીજિયે… પ
મહાકાળ-મૃત્યુ એક મોટી ચોટ છે. એ ચોટ એટલે પ્રહાર. આ પ્રહારમાં મૃત્યુ-મરણ એ મહાપ્રહાર છે. એનો સપાટો સતત ચાલે છે. એમાંથી કોઈ બચી શકતું નથી. માનવીને મૃત્યુથી મોટો કંઈ જ ભય નથી. આ ભય બતાવીને સંતો એને નીતિમાર્ગે વાળતા હોય છે, પ્રબોધતા રહે છે. આવા ભયથી જ નીતિનાશને માર્ગેથી પ્રજા પાછી વળે છે અને સત્કર્મી થઈને જીવે છે. વ્યવહારમાં એનું આચરણ કરે છે. ભજનવાણી આમ સતનો આચાર, વિચાર અને ઉચ્ચાર કરવા તરફ વાળતી વાણી છે. એનું પરંપરામાં સજીવન રહેવા પાછળનું કારણ પણ એમાંનો આ ભાવબોધ છે.
અહીં ધીરો ભગત કાળનો પ્રભાવ કેટલો મજબૂત હોય છે તે દર્શાવતા કહે છે કે કાળનો પ્રભાવ બહુ જ જોરદાર હોય છે એના સખત પ્રહારથી કોઈ માણસ બચી શક્યું હોય તેવું જણાયું નથી.
કાળના પ્રભાવથી અનેક રાજામહારાજાઓ અને મહાન સત્તાધીશો પણ મૃત્યુની અંધારી ચાદરમાં લપેટાઈ ગયાના દાખલા મળે છે. કોઈ માણસ કાયમી અત્રે રહેવાનું નથી. કોઈ હમણાં તો કોઈ થોડા સમય પછી અવશ્ય મરી જશે જ. આ નિયતિને કોઈ રોકીટોકી શકતું નથી.
આ સમાજ કે સંસારમાં કોઈ કોઈનું છે જ નહીં, અને કોઈ કોઈનું થયુંં નથી કે થવાનું પણ નથી. સૌ કોઈ ૠણાનુબંધથી સાથે મળ્યા છે અને સમય આવતાં છૂટા પડી જશે. અંત સમયે માણસે એકલા જ જવું પડશે. સાથે પાપ-પુણ્ય સિવાય કશું જ આવવાનું નથી. ધીરાના મતે તો આ સંસાર ધુમાડા જેવો છે. જરા વારમાં એ ઊડી જશે. આગળ જતાં કહે છે કે જે મૃત્યુ પામ્યા છે તેનો શોક શા માટે કરો છો ? શું તમે અહીં કાયમી રહેવાના છો ? મૃત્યુ નિશ્ર્ચિત છે, અનિવાર્ય છે. એના ભોગ સૌને બનવાનું છે. જગતમાં પ્રવર્તમાન આવા શાશ્ર્વત સત્યને સમજીને તમારામાં રહેલા હું અને મારું નામના મિથ્યા અભિમાનને છોડીને પ્રેમથી કેવળ હરિરસનું પાન કરો. શ્રીહરિનું જ સ્મરણ કરો. એમાં જ તમારું કલ્યાણ છે એમ દાસ ધીરો કહે છે.
ધીરાની વાણી તેજલિસોટા જેવી છે. એ ધારદાર બાનીમાં પ્રજાને સંબોધીને જે ઉદ્બોધન કરે છે એનો ભારે મહિમા છે. એમાં ખરું સનાતન-શાશ્ર્વત સત્ય ડોકિયાં કરે છે.
ભજનવાણીને મર્મવાણી તરીકે ઓળખાવવામાં આવે છે, કારણ કે એમાં જીવનનો ખરો મર્મ, જીવનનું ખરું રહસ્ય સ્થાન પામેલ હોય છે. મહાકાળના નગારાનું મૃત્યરૂપી આહ્વાન માણસના માથે સતત ભમે છે. એનું ભાન કરાવતો ધીરો આવી સો ટકા સાચી વાત કહેતો હોવાને કારણે કોઈને પણ મહત્ત્વનો લાગે એ સ્વાભાવિક છે. એની મહત્તા એટલે ભજનવાણીની મહત્તા. લોકસંતોએ ભજનોના માધ્યમથી લોકસમુદાયને સહજ રીતે સંસ્કારવાનું કામ કર્યું એ લોકસંસ્કૃતિનું એક મહત્ત્વનું પ્રકરણ છે. ભજનવાણી એનું એક મહામૂલ્યવાન માધ્યમ છે.