પાકિસ્તાનના હવાઇદળના તાલીમ મથક પર હુમલો: નવ ત્રાસવાદી ઠાર
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શનિવારે વહેલી સવારે ભારે શોથી સજ્જ ત્રાસવાદીઓએ પાકિસ્તાનના હવાઇદળના તાલીમ મથક પર હુમલો કર્યો હતો અને ત્રણ વિમાન તેમ જ ઈંધણના એક ટેન્કરને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પાકિસ્તાનના સૈનિકોએ હુમલાખોર નવ ત્રાસવાદીને ઠાર માર્યા હોવાનો દાવો કર્યો હતો. તેના એક દિવસ પહેલાં જ બે અલગ ત્રાસવાદી હુમલામાં ઓછામાં ઓછા ૧૭ પાકિસ્તાની સૈનિક માર્યા ગયા હતા.
પાકિસ્તાનના લશ્કરે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના હવાઇદળના મીનાવાલી ટ્રેનિંગ ઍર બૅઝ ખાતે ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો, પરંતુ સૈનિકોએ નવ ત્રાસવાદીને ઠાર માર્યા હતા. આ હુમલામાં ત્રણ વિમાન અને ઈંધણના એક ટેન્કરને ઘણું નુકસાન થયું હતું.
કોઇ ત્રાસવાદી સંગઠને શરૂઆતમાં આ હુમલા માટે જવાબદારી નહોતી લીધી.
નવ ત્રાસવાદીને પાકિસ્તાનના હવાઇદળના વિમાન તાલીમ કેન્દ્રમાં પ્રવેશતી વખતે જ મારી નખાયા હોવાનો દાવો કરાયો હતો.
અગાઉ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ત્રાસવાદીઓએ કરેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૭ પાકિસ્તાની સૈનિક માર્યા ગયા હતા.
નૈર્ઋત્ય પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ગ્વાદર જિલ્લાના ઓરમારા વિસ્તારમાં પાસ્ની ખાતે ત્રાસવાદીઓએ સુરક્ષા દળોનાં બે વાહન પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૪ સૈનિક માર્યા ગયા હતા.
ગ્વાદર ખાતેના હુમલાના થોડા કલાક પહેલાં જ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ત્રાસવાદીઓએ પોલીસ કાફલા પર કરેલા હુમલા વખતે થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકામાં ત્રણ સૈનિક સહિત છ જણ માર્યા ગયા હતા.
બલૂચિસ્તાનના સુઇ વિસ્તાર અને ઝહોબ વિસ્તારોમાં ૧૨ જુલાઇએ ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં ૧૨ સૈનિક માર્યા ગયા હતા. (એજન્સી)