ઉત્સવ

સ્વરૂપવાન યુવતીઓને ફસાવ્યા બાદ હત્યા કરનાર સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ કોણ હતો?

મોનિકા બેદી નામની આકર્ષક અભિનેત્રી જ્યારે અન્ડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે પ્રેમમાં પડી ત્યારે ઘણાને નવાઈ લાગી હતી. હત્યાઓ, ખંડણી, અપહરણ … જેવા ગુનાઓ માટે કુખ્યાત માફિયામાં એવું તે શું મોનિકાએ જોયું હશે? એજ રીતે કાશ્મીરી આતંકવાદી યાસિન મલિકે મુશાલ મુલિક નામની અત્યંત ખૂબસૂરત પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કર્યા ત્યારે પણ ઘણાને નવાઈ લાગી હતી

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

કેટલાક અસામાજિક તત્ત્વોમાં એવું તે કેવું ‘એક્સ ફેક્ટર’ હોતું હશે કે આકર્ષક અને બુદ્ધિશાળી સ્ત્રીઓ પણ એમની પાછળ લટ્ટુ થઈ જાય છે? ઉપરના બે સિવાય પણ બીજા આવા બે ડઝન જેટલા દાખલાઓ તરત જ યાદ આવી જાય એમ છે, પરંતુ બધામાં શિરમોર જેવો કિસ્સો ચાર્લ્સ શોભરાજનો છે.

આખા વિશ્ર્વમાં ‘બિકીની કિલર’ તરીકે કુખ્યાત થયેલા ચાર્લ્સ શોભરાજનો જન્મ ૧૯૪૪ના વર્ષમાં ફ્રાન્સ ખાતે થયો હતો. શોભરાજના પિતા મૂળ ભારતીય પંજાબી હતા અને માતા વિયેટનામીઝ હતી. શોભરાજે ૩૦ થી વધુ યુવતીઓની હત્યા કરી હોવાનું કહેવાય છે. એણે હત્યા કરેલી યુવતીઓમાંથી મોટાભાગના શબ, બિકીની પહેરેલી હાલતમાં મળ્યા હોવાથી શોભરાજનું ઉપનામ ‘બિકીની કિલર’ પડી ગયું હતું. ચાર્લ્સ શોભરાજ અત્યંત ચતુર, મીઠાબોલો અને દેખાવમાં આકર્ષક હતો. એની સાથે સંપર્કમાં આવનાર મોટા ભાગની યુવતીઓ તરત જ એની તરફ આકર્ષાઇ જતી. એમ કહેવાતું કે બહુરૂપિયાની જેમ શોભરાજ એની ઓળખ બદલી શકતો અને ભલભલી છેતરપિંડી કરવામાં ઉસ્તાદ હતો. કેટલાકના મતે શોભરાજ સાઇકો હતો. એને હિપ્પીઓ માટે ખૂબ નફરત હતી. ૬૦ના અંતથી ૭૦ના દાયકા સુધી વિશ્ર્વના કેટલાક દેશોમાં હિપ્પી સંપ્રદાયની બોલબાલા હતી. ખાસ કરીને યુરોપ અને અમેરિકાના દેશમાંથી ગોરા યુવાન-યુવતીઓ ઘરબાર છોડીને વિશ્ર્વ આખામાં ભટક્યા કરતા. તેઓ લઘરવઘર રહેતા અને આખો વખત ગાંજો કે બીજા નશાકારક પ્રદાર્થો ફૂંક્યા કરતા. આવા હિપ્પીઓ સાથે સમૂહમાં ભળી જઈ એમનો વિશ્ર્વાસ જીતીને શોભરાજ પછીથી એમની હત્યા કરી નાખતો હતો. જોકે શોભરાજે ગુનાખોરીની શરૂઆત બાળપણમાં જ કરી દીધી હતી. ૧૮ વર્ષની ઉંમરે જ ચોરી કરવાના ગુના હેઠળ એને પેરિસની જેલમાં પૂરવામાં આવ્યો હતો. પોતાની મીઠી વાતોથી જેલના સુરક્ષા કર્મચારીઓને પણ આંજી નાખી જેલમાં તમામ સગવડો એ ભોગવતો. જેલમાંથી બહાર આવ્યા પછી વિવિધ કૌભાંડો અને છેતરપિંડી દ્વારા એણે ઘણા પૈસા બનાવ્યા. એ વખતે એની ઓળખાણ ચેન્ટલ નામની પૈસાદાર યુવતી સાથે થઈ અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ લગ્ન કરવા માટે શોભરાજ કાર ચોરીને નીકળ્યો ત્યારે જ પોલીસે એની ધરપકડ કરી. જેલમાંથી છૂટ્યા બાદ ચેન્ટલ સાથે એણે લગ્ન કર્યા. ધરપકડથી બચવા માટે ૧૯૭૦માં ચાર્લ્સ શોભરાજ એશિયા ભાગી ગયો. પૂર્વ યુરોપમાં બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવી તે પ્રવાસ કરતો અને પ્રવાસીઓને લૂંટીને પૈસા ભેગા કર્યા પછી મુંબઈ આવ્યો હતો. મુંબઈમાં કારચોરી અને દાણચોરી જેવા ધંધા કર્યા પછી જે પૈસા કમાતો એ જુગારમાં વેડફી નાંખતો. દિલ્હીની મોંઘી હોટલ ‘અશોકા’માં ઊતરીને એણે એનો પરિચય નેપાળના પ્રિન્સ તરીકે આપ્યો હતો. હોટલમાં આવેલી જ્વેલરીની દુકાનમાંથી જ્વેલરી ખરીદવા માટેનું બહાનુ કરી એણે પોતાના રૂમ પર જ્વેલરી મંગાવી. જ્વેલરીમાં કામ કરનાર કર્મચારી જ્યારે કરોડો રૂપિયાની જ્વેલરી બતાવવા માટે શોભરાજના રૂમ પર ગયો ત્યારે એના પીણામાં કેફી દ્રવ્ય ભેળવી દઈ એને બેહોશ કરી શોભરાજ ભાગી ગયો. જોકે ઉતાવળમાં પોતાનો પાસપોર્ટ રૂમ પર જ ભૂલી જવાથી એરપોર્ટ પર જ પોલીસે એને પકડી લીધો. જામીન પર છૂટ્યા પછી શોભરાજ કાબુલ ભાગી ગયો.

કાબુલમાં પણ પ્રવાસી યુવતીઓને ભોળવી એમને બેભાન કરી એમના પૈસા અને દાગીના લૂંટી લેતો. કાબુલમાં એની ધરપકડ થઈ હતી. એમ કહેવાય છે કે જેલના તમામ કર્મચારીઓને કોઈક પ્રકારે ભોજનમાં નશાકારક દવા ખવડાવીને એ જેલમાંથી ભાગી છૂટ્યો હતો. કાબુલથી ભાગીને શોભરાજ ઇરાન ગયો. અને ત્યાંથી ચોરેલા પાસપોર્ટ મારફતે બે વર્ષ સુધી વિવિધ દેશોમાં ફરતો રહ્યો. ટર્કી, ગ્રીસ તેમજ એથેન્સમાં પણ ચાર્લ્સ શોભરાજે ઠગાઈ, ચીટિંગ અને હત્યા દ્વારા ઘણા પૈસા ભેગા કર્યા હતા. જોકે છેવટે એથેન્સમાંથી તેની ધરપકડ થઈ હતી. એથેન્સ જેલમાંથી પણ તે ભાગી ગયો હતો.
વિશ્ર્વના ડઝન કરતા વધુ દેશોની જેલમાંથી ભાગી જવાનો રેકોર્ડ કદાચ ચાર્લ્સ શોભરાજના નામે હશે. ચાર્લ્સ શોભરાજની જ્યારે ધરપકડ થતી ત્યારે મોટા ભાગે એ હંમેશાં મોંઘા રત્નો પોતાના શરીરમાં સંતાડીને જેલમાં લઈ જતો અને જેલના સત્તાધીશોને મોંઘા રત્નો ભેટ આપીને તમામ સગવડો ભોગવતો હતો. સારામાં સારા વકીલો રોકીને પોતાનો કેસ ઢીલો કરી નાખતો હતો. વખત આવે ત્યારે જેલમાં ભૂખ હડતાળ પર પણ ઉતરી જઇ પોતાનું ધાર્યું કરાવતો. દિલ્હીની તિહાર જેલમાં હતો ત્યારે પણ તિહાર જેલના સુરક્ષા કર્મચારીઓને વારંવાર લાંચ આપતો અને કેટલીય વાર એના પર જેલમાં લાંચ આપવાના ગુના દાખલ થયા હતા. જેલમાં ટીવીથી માંડીને ખાવા-પીવાની તમામ સગવડ એ ભોગવી લેતો. જેલમાં બેઠા બેઠા એ પશ્ર્ચિમના પત્રકારો અને લેખકોને બિન્ધાસ્ત મુલાકાત આપતો અને મુલાકાત આપવાના વળતર રૂપે મોટી રકમ પણ મેળવતો. તે હંમેશાં એવો દેખાવ કરતો કે એણે કરેલા ગુના પશ્ર્ચિમ દેશોએ એશિયા સાથે કરેલા ભેદભાવનો બદલો લેવા માટે હતા. ૧૯૮૬માં જેલમાંથી છૂટ્યા બાદ એને થાઇલેન્ડ ઓથોરિટીને સોંપવાનો હતો. પોતાના સાથી કેદીઓ અને જેલના સુરક્ષા કર્મચારીઓ માટે એણે મોટી પાર્ટીનું આયોજન કર્યું અને ખોરાકમાં ઉંઘની ગોળીઓનો જથ્થો ભેળવી દીધો. તમામ કેદીઓ અને સુરક્ષા કર્મીઓ બેહોશ થઈ ગયા એટલે શોભરાજ બેફિકરાઈથી જેલની બહાર ચાલતો ચાલતો ફરાર થઈ ગયો. મુંબઈના પોલીસ વડા મધુકર ઝેન્ડેએ શોભરાજને ગોવામાંથી પકડી પાડ્યો અને ફરીથી જેલમાં નાંખ્યો. જોકે એની વિરુદ્ધ કોઈ સાક્ષી કે પુરાવા નહીં મળતા ૧૯૯૭માં એને છોડી દેવો પડ્યો અને ભારતના સત્તાધીશોએ એને ફ્રાન્સ રવાના કરી દીધો.

શોભરાજની જિંદગી એટલી રસીક હતી કે તેની જિંદગી પરથી ફિલ્મ પણ બની ચૂકી છે. નવાઇની વાત એ હતી કે એની બોલવાની ચતુરાઈને કારણે ફ્રાન્સની પોલીસ પણ મદદ માટે શોભરાજ પાસે જતી હતી. એક વખત બે ફ્રેન્ચ પોલીસના પાસપોર્ટ ખોવાઈ ગયા હતા ત્યારે મદદ માટે શોભરાજ પાસે ગયા. ગણતરીના કલાકોમાં જ શોભરાજે એમના ખોવાયેલા પાસપોર્ટ પરત ‘શોધી’ આપ્યા હતા. હકીકત એ હતી કે શોભરાજે જ આ પાસપોર્ટ ચોર્યા હતા!

થોડા વર્ષો સુધી ફ્રાન્સમાં રહ્યા પછી ચાર્લ્સ શોભરાજ નેપાળ ગયો. નેપાળમાં કરેલી હત્યા માટે પણ પોલીસ શોભરાજને શોધતી હતી અને શોભરાજ નેપાળમાં પકડાઈ ગયો. એ નેપાળની જેલમાં હતો ત્યારે એણે એક મહિલા વકીલ રોકી જે દેખાવમાં અત્યંત સુંદર હતી. આ મહિલા વકીલ નીથીતા બિશ્ર્વાસ પણ ચાર્લ્સ શોભરાજના પ્રેમમાં પડી ગઈ અને જેલમાં જ બંનેએ લગ્ન કરી લીધા. નેપાળની કોર્ટે ચાર્લ્સ શોભરાજને આજીવન કેદની સજા કરી છે. છેલ્લા સમાચાર પ્રમાણે નેપાળના ખટમંડૂની જેલમાં ૭૫ વર્ષના ચાર્લ્સ શોભરાજની તબિયત ખૂબ નાજુક છે અને એને હૃદયનું ઓપરેશન પણ કરાવવું પડ્યું છે. ભલભલાને છેતરવાની કુશળ કળા ધરાવતો ચાર્લ્સ શોભરાજ કદાચ યમરાજને પણ હાથતાળી આપી જાય તો નવાઈ નહીં!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button