ઉત્સવ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ શું એટલું બિહામણું છે?

એક વરદાન તરીકે પ્રખ્યાત થયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ટૅકનોલોજી જાણે કે વિષધર સર્પ હોય એ રીતે હવે ટૅકનોલૉજી ક્ષેત્રના ધુરંધરો તેને જોખમ ઊભું થતાં પહેલા જ નાથવા માગે છે, આ માટે એઆઇ સેફટી સમિટ યોજાઇ અને કરારો પણ થયા!

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

એઆઇ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજૅન્સ ટૅકનૉલોજીનો જ્યારે આવિષ્કાર થયો ત્યારે જગતે તેને બિરદાવી હતી અને માનવજાતિ માટે તેને એક આશિર્વાદ ગણવામાં આવી હતી. જે કામ માટે તમને કલાકો કામ કરવું પડે અને મગજને અનેક એરણ પર ટીપવું અને કસવું પડે એવા કામ એઆઇની મદદથી ચપટી વગાડતા થઇ શકે છે!

જો આ સત્ય છે તો અચાનક એવું શું થયું કે ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રના ધુરંધરોને તે અચાનક ભયાનક લાગવા માંડી? આ જોખમના બચાવ માટે પાણી પહેલા પાળ બાંધવા એક સાથે ૨૮ દેશ એકત્ર થયા, આટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સામેની સલામતીના વિષય સાથેની શિખર મંત્રણા યોજી અને સમજૂતી કરાર પણ કર્યા! આ દેશમાં ભારત પણ સામેલ છે.

વિશ્ર્વભરમાં જોરશોરથી ચાલી રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના જોખમની ચર્ચાઓ વચ્ચે ૨૮ દેશોએ એકમત થઈને એઆઇ ટેકનોલોજીને જોખમી ઠરાવી છે. યુનાઈટેડ કિંગ્ડમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી થતા જોખમો મામલો મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ભારત ઉપરાંત ૨૭ અન્ય દેશો અને યુરોપીય સંઘે એઆઇથી થતા જોખમોનું વિશ્ર્લેષણ કરવા એક થઈને કામ કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

વિશ્ર્વના અગ્રણી દેશોનેે એવું તે ક્યું જોખમ દેખાય છે?

સૌ પ્રથમ આપણે જોઇએ કે વિશ્ર્વના આ અગ્રણી દેશોને એવો ક્યો ખતરો દેખાયો કે આ રીતે તેને ટાળવા કે અંકુશમાં લેવા માટે આયોજનો કરવાની આવશ્યકતા જણાઇ રહી છે? આ ખતરો આભાસી છે કે પછી તેના અત્યાર સુધીના અભ્યાસને આધારે એવો નિષ્કર્ષ નીકળ્યો છે કે આ ટેકનોલોજીને અંકુશમાં રાખવી અનિવાર્ય છે?

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અસરો અને ઉપયોગીતા વ્યાપક છે પણ એઆઈને કારણે ભવિષ્યમાં રોજગારી પર શું અસર પડશે તેના પર વિશ્ર્વની ટોચની ઈન્વેસ્ટમેન્ટ બૅન્કર ફર્મ ગોલ્ડમેન સાશે લગભગ છ મહિના પહેલાં એક રિપોર્ટ બહાર પાડેલો.

આ રીપોર્ટમાં આગાહી કરેલી કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયામાં ૩૦ કરોડ નોકરીઓનો ભોગ લઈ લેશે, મતલબ કે ૩૦ કરોડ લોકો બેકાર થઈ જશે. વિશ્ર્વમાં અત્યારે કુલ વર્કફોર્સ એટલે કે શ્રમબળ ૩૩૮ કરોડ લોકોની છે.

ત્રીસ કરોડ લોકો બેરોજગારીના ખપ્પરમાં હોમાઇ જશે?

રિપોર્ટના આધારે ગણિત માંડીએ તો એવું ધારી શકીએ કે, દુનિયામાં ૩૩૮ કરોડ લોકો જુદાં જુદાં કામો સાથે સંકળાયેલાં છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ વર્કફોર્સમાંથી ૩૦ કરોડ એટલે કે લગભગ આઠ ટકા લોકો એઆઈના કારણે બેકાર થઈ જશે.

હાલની નોકરીઓમાંથી લગભગ બે તૃતિયાંશ નોકરીઓ ઓછાવત્તા અંશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હશે, જ્યારે ૨૫ ટકા નોકરીઓ માટે માણસો જ નહીં જોઈએ. ક્લિનિંગ, મેઇન્ટેનન્સ, ઇન્સ્ટોલેશન, રિપેર અને ક્ધસ્ટ્રકશન જોબમાં બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થશે.

‘ધ પોટેન્શિયલ લાર્જ ઇફેક્ટ ઑફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓન ઇકોનોમિક ગ્રોથ’ શીર્ષક સાથેના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવેલો કે, એઆઈ સાથેના રોબોટ મોટા ભાગનાં ઓફિસના કામકાજ કરવા સક્ષમ હોવાથી ઓફિસને લગતાં મોટા ભાગનાં કામો રોબોટ જ કરતા થઇ જશે.

સૌથી પહેલી અને મોટી અસર એડમિનિસ્ટ્રેશન અને લીગલ સેક્ટરમાં જોવા મળશે અને આ ક્ષેત્રોમાં જથ્તાબંધ સંખ્યામાં લોકો બેકાર થઇ જશે. આ બંને સેક્ટરમાં તો લગભગ ૫ચાસ ટકા નોકરીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રોબોટ ખાઈ જશે.
સ્કીલ્ડ મેન્યુફેક્ચરિંગ સિવાયના અને ખાસ તો ઓફિસ વર્ક હોય એવાં બીજાં તમામ સેક્ટર્સ પર એઆઈની અસર પડશે. આમ જોઇએ તો આ માત્ર રોજગારને લગતો ખતરો છે, પરંતુ એકંદરે ઉદ્યોગોને તો લાભ થઇ શકે છે! આમ છતાં વિશ્ર્વના ટોચના ટેકનોલૉજિસ્ટ એઆઇને અવરોધવા તત્પર છે.

ટૅકનોલૉજી ક્ષેત્રના ધુરંધરો એઆઈ
પર પ્રતિબંધની તરફેણમાં
હવે આપણે એ જોઇએ કે ટૅકનોલૉજી ક્ષેત્રના ધૂરંધરો એઆઈ પર પ્રતિબંધની તરફેણ શા માટે કરી રહ્યાં છે અને એ માટે શું કારણ આપે છે? રિપોર્ટ અનુસાર એલન મસ્ક અને સ્ટીવ વોઝનિયાક સહિત ૧૦૦૦થી વધુ ટેકનોક્રેટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડેવલપમેન્ટ પર પ્રતિબંધની માગ કરી હતી.

આ ધૂરંધર લોકોની એવી દલીલ હતી કે, ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સંપૂર્ણપણે બેકાબૂ બની જાય એવો ખતરો હોવાથી પાણી પહેલાં પાળ બાંધીને તેના વિકાસ પર પ્રતિબંધ મુકાવો જોઈએ.

આ રિપોર્ટમાં લખાયું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામાન્ય કામોમાં પણ લોકોની જગા લઈ રહ્યું છે ત્યારે આપણે મશીનોને આપણી ઈન્ફર્મેશન ચેનલોમાં કુપ્રચાર માટેની સામગ્રી અને ખોટી માહિતી ભરવા દેવી જોઈએ? શું આપણે તમામ કામોને ઓટોમેશન પર નાખી દેવા જોઈએ? આપણે એવાં નોન-હ્યુમન મગજ વિકસાવવાં જોઈએ કે જે આપણું સ્થાન લઈ શકે?

શિખર મંત્રણામાં થયા સમજૂતી કરાર
હવે આપણે એ જોઇએ કે શિખર મંત્રણામાં શું થયું? ક્યા દેશોએ ભાગ લીધો અને આગળ શું કરવાનું નક્કી કર્યું? યુકે સરકાર દ્વારા નિવેદન જાહેર કરાયું છે, જેમાં ધ બૈલેચલે ડિક્લેરેશન શીર્ષકના ઉલ્લેખ સાથે કહેવાયું છે કે, યુરોપીય સંઘ સહિત ૨૮ દેશોના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા છે.

આ ઉપરાંત એઆઈથી ઊભા થનારા ખતરાઓ અંગે પણ ગંભીર ચેતવણી જારી કરી છે. યુકેના નિવેદનમાં જણાવાયું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૅકનોલૉજી નિ:શંકપણે જોખમ ઊભી કરતી હોવાથી ૨૮ દેશ એઆઇથી સર્જાતી તકો, જોખમો અને અડચણોને મામલે આંતરરાષ્ટ્રીય કાર્યવાહીની આવશ્યકતા પર સહમત થયા છે.

એઆઇને નાથવાની દિશામાં પ્રથમ પહેલ અમેરિકા તરફથી
એઆઇને નાથવાની દિશામાં પ્રથમ પહેલ અમેરિકા તરફથી હાથ ધરવામાં આવી છે. અમેરિકા વતી વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ આ એઆઈ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. હેરિસે સમિટમાં એલાન કર્યું છે કે, અમેરિકા યુનાઈટેડ સ્ટેટ્સ એઆઈ સેફ્ટી ઈન્સ્ટિટયુટની સ્થાપના કરશે, જે અમેરિકામાં એઆઈના વિકાસ માટેની ગાઈડલાઈન તૈયાર કરશે.

આ ઈન્સિટયુટ એઆઈમાં ટેસ્ટ માટેના માપદંડ નક્કી કરશે અને ભવિષ્યમાં કઈ એઆઈ સિસ્ટમ્સ ખતરનાક સાબિત થઈ શકે છે કે નહીં, તેનું વિષ્લેષણ કરીને એઆઈના ખતરાને ઓછો કરવા માટે પ્રયત્ન કરશે. આ ઈન્સ્ટિટયુટની કામગીરીનો વ્યાપ બહુ મોટો છે અને અન્ય બિનાવશ્યક જટીલ બાબતોનો અહીં ઉલ્લેખ કરવો અનાવશ્યક છે.

ટૂંકમાં એઆઈને લગતી કાયદાકીય બાબતો તથા બીજા મુદ્દા અંગે પણ સરકારી એજન્સીઓને સલાહ અને માર્ગદર્શન આપવાથી માંડીને ખતરનાક લાગે એવી એઆઈ સિસ્ટમ્સને નાથવા સહિતની તમામ જવાબદારી આ સંસ્થાના માથે રહેશે.

સેફટી સમિટમાં ક્યા ૨૮ દેશે ભાગ લીધો?

યુકેમાં યોજાયેલી એઆઈ સેફ્ટી સમિટમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કૅનેડા, ચિલી, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, આયરલેન્ડ, ઈઝરાયેલ, ઈટાલી, જાપાન, કેન્યા, સાઉદી અરબ, નેધરલેન્ડ, નાઈજિરિયા, ફિલિપાઈન્સ, કોરિયા ગણરાજ્ય, રવાંડા, સિંગાપુર, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, તુર્કી, યુક્રેન, સંયુક્ત આરબ અમીરાત, ગ્રેટ બ્રિટન અને ઉત્તર આયર્લેન્ડનું યુનાઈટેડ કિંગ્ડમ, સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુરોપીય સંઘ સામેલ હતા.

એ બાબત તો નિશ્ર્ચિત છે કે, આગામી સમયમાં એઆઇના ઉપયોગમાં વૃદ્ધિ થતી જ રહેવાની છે. બૈલેચલી પાર્કની સમજૂતીમાં એવું પણ જણાવાયું છે કે, વિવિધ સેક્ટરો જેવા કે આવાસ, રોજગાર, પરિવહન, શિક્ષણ, આરોગ્ય, પહોંચ, ન્યાય જેવા રોજિંદા કામકાજમાં એઆઈના મહત્વ પર પણ ધ્યાન અપાશે અને તેના ઉપયોગમાં વૃદ્ધિ થવાની પણ સંભાવના છે. એઆઇ માનવસર્જિત જ છે અને એની ઉપયોગીતા જોતાં એને બ્રેક મારવી અસંભવ જણાઇ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…