વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી દેશની 80 કરોડ જનતાને દિવાળી ગિફ્ટ: 5 વર્ષ સુધી મળશે મફત રાશન
નવી દિલ્હી: દિવાળીનો તહેવાર હવે થોડા જ દિવસો પર છે. તે પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કરોડો ગરીબ લોકોને મોટી દિવાળી ગિફ્ટ આપી છે. કેન્દ્ર સરકારની વડા પ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન યોજનાનો સમયગાળો વધારવાની જાહેરાત જાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. તેથી હવે દેશના 80 કરોડ લોકોને આવતાં પાંચ વર્ષ સુધી મફત રાશન મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશના કરોડો ગરીબ લોકોને દિવાળી ગિફ્ટ આપી છે. કેન્દ્ર સરકારની મફત રાશન યોજનાની વડા પ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સમયમર્યાદા 5 વર્ષ માટે વધારવામાં આવી છે. આ યોજના હેઠળ દેશના કરોડો ગરીબ લોકોને સરકાર તરફથી રાશન મળશે. દિવાળીનો તહેવાર હવે અઠવાડીયા પર છે ત્યારે જ આ યોજનાના વિસ્તારની જાહેરાત કરવામાં આવી છે. તેથી હવે દેશના ગરીબ લોકોને મોટો દિલાસો મળ્યો છે.
છત્તીસગઢના દુર્ગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક જાહેર સભાને સંબોધી રહ્યાં હતાં. તે વખતે તેમણે મફત રાશન યોજના પાંચ વર્ષ માટે વધારવામાં આવી છે એવી જાહેરાત કરી હતી. આ મહિનામાં છત્તીસગઢમાં ચૂંટણી યોજાનાર છે. 90 બેઠકો માટે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી 7 નવેમ્બર અને 17 નવેમ્બરના રોજ યોજાનાર છે. આવી પરિસ્થિતીમાં પીએમ મોદીની જાહેરાતને ચૂંટણી લક્ષી જાહેરાત તરીકે પણ ગણવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં આ યોજના શરુ કરવમાં આવી હતી. લગભગ 80 કરોડ લોકો આ યોજનાનો લાભ લઇ રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા સૌથી પહેલાં 30 જૂન 2020માં આ યોજનાની શરુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ અનેકવાર તેની મુદત વધારવામાં આવી હતી. હાલમાં આ યોજના ડિસેમ્બર 2023માં એટલે કે આગામી મહિનામાં જ પૂરી થવાની હતી. હવે પાંચ વર્ષની મુદત વધારતા આ યોજના અંતર્ગત ડિસેમ્બર 2028 સુધી લોકોને તેનો લાભ મળશે.
જાહેર સભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાજપ સરકારે હવે દેશના 80 કરોડ ગરીબ લોકોને મફત રાશન આપનારી યોજનાની સમયમર્યાદા પાંચ વર્ષ માટે વધારવાનો નિર્ણય લીધો છે. તમારો પ્રેમ અને આશિર્વાદ મને તાયમ પવિત્ર નિર્ણયો લેવાની તાકાત આપે છે.