રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૧૩નો ધીમો સુધારો, ચાંદી રૂ. ૭૭૪ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ઑક્ટોબર મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારો સોનામાં નવી ખરીદીથી દૂર રહેતાં હાજર અને વાયદામાં ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૭૭૪નો ઘટાડો આવ્યો હતો.
જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારથી વિપરીત ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩નો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક બજારમાં ચાંદીના ભાવમાં પીછેહઠ જોવા મળી હોવાથી સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની પણ લેવાલી છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૭૭૪ના ઘટાડા સાથે રૂ. ૭૦,૯૧૦ના મથાળે રહ્યા હતા.
તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવા છતાં રૂપિયો નબળો પડવાથી ૯૯.૫ ટચ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩ વધીને અનુક્રમે રૂ. ૬૦,૮૬૦ અને રૂ. ૬૧,૧૦૫ના મથાળે રહ્યા હતા.
આજે મોડી સાંજે અમેરિકાના ઑક્ટોબર મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતાસત્રના આરંભે હાજર અને વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને અનુક્રમે ઔંસદીઠ ૧૯૮૬.૪૯ ડૉલર અને ૧૯૯૪.૧૦ ડૉલરની સપાટીએ ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ઈઝરાયલ-હમાસ વચ્ચેનાં યુદ્ધને પગલે સતત ત્રણ સપ્તાહ સુધી સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ વર્તમાન સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ઊંચા મથાળેથી એક ટકા જેટલો ઘટાડો આવ્યો છે.
હવે ફેડરલ રિઝર્વ આગામી ૧૨-૧૩ ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં કેવું વલણ અખત્યાર કરશે તે અંગે અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી હોવાથી એકંદરે અત્યારે રોકાણકારો આગામી બેઠક સુધી જાહેર થનારા આર્થિક આંકડાઓ પર નજર રાખી રહ્યા હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં કૉમૉડિટી રિસર્ચ વિભાગના હેટ હરીશવી એ જણાવતાં ઉમેર્યું હતું કે સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર આગામી બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી ૮૦ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે.