દેહરાદૂનઃ દેહરાદૂનમાં આવેલા કાબુલ હાઉસ એક સમયે અફઘાનિસ્તાનના રાજા યાકુબ ખાનનો મહેલ હતો. ઉત્તરાખંડ સરકારે તેને સીલ કરી દીધું છે. મહેલ સીલ થઇ જવાને કારણે તેમાં રહેતા 16 પરિવારો કટોકટીનો સામનો કરી રહ્યા છે. કાબુલ હાઉસની 400 કરોડ રૂપિયાની મિલકત ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ લગભગ 300 લોકોને તેમના ઘરની બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આ વિવાદ દેહરાદૂનની ડીએમ કોર્ટમાં છેલ્લા 40 વર્ષથી ચાલી રહ્યો હતો. થોડા દિવસો પહેલા દહેરાદૂનના ડીએમએ આ જમીન પરથી અતિક્રમણ હટાવવા માટે દરેકને આદેશ જારી કર્યો હતો અને જમીન ખાલી કરવા માટે 15 દિવસની નોટિસ આપી હતી.
ગુરુવારે, સિટી મેજિસ્ટ્રેટે પોલીસ દળ સાથે મળીને કાર્યવાહી કરી સ્થળ પરથી તમામ અતિક્રમણ હટાવી દીધા હતા. તેમાં લગભગ 16 પરિવારોનો સમાવેશ થાય છે, જેમના 200 થી 300 લોકો અહીં રહેતા હતા. તેમાંથી કેટલાકનો દાવો છે કે તેઓ વિસ્થાપિત વ્યક્તિઓ છે જેઓ ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે અહીં આવ્યા હતા. પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નહોતી. તેમની બાજુ સાંભળ્યા વિના તેમને ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા.
કાબુલ હાઉસ 1879માં રાજા મોહમ્મદ યાકુબ ખાને બનાવ્યું હતું. જોકે, પાકિસ્તાનના ભાગલા વખતે તેમના ઘણા વંશજો પાકિસ્તાન ગયા હતા. ત્યારથી, કાબુલ હાઉસના કેટલાક લોકોએ માલિકીનો દાવો કરતા નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. કાબુલ હાઉસમાં 16 પરિવાર લાંબા સમયથી રહેતા હતા. કાબુલ હાઉસ કેસ છેલ્લા 40 વર્ષથી જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટમાં પેન્ડિંગ છે. ચુકાદો આપતી વખતે, જિલ્લા મેજિસ્ટ્રેટે કાબુલ હાઉસને દુશ્મન સંપત્તિ જાહેર કરી છે અને ત્યાં રહેતા લોકોને ઘર ખાલી કરવા માટે નોટિસ જારી કરી છે. હવે સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જો કે, રાજા યાકુબ ખાનના વંશજોનો દાવો છે કે તેઓ ક્યારેય અહીંથી નીકળ્યા નથી અને તેઓ હજુ પણ આ વિસ્તારમાં જ રહે છે. તેમના વંશજો અનુસાર યાકુબને 11 પુત્રો અને 11 પુત્રીઓ હતી. તેમાંથી માત્ર થોડા જ પાકિસ્તાન ગયા જ્યારે મોટા ભાગના દેહરાદૂન અથવા અફઘાનિસ્તાનમાં રહ્યા હતા, તેથી આ મિલકતને દુશ્મનની મિલકત કહેવાથી તેમના વારસાને બદનામ થાય છે.