મેટિની

ગાંધી તારી બીક છે, બાકી બધું ઠીક છે

સાતમા આસમાન પરથી જમીન પર પટકાતાં અમને માત્ર ૧૫ મિનિટ જ લાગી

તખ્તાની પેલે પાર -વિપુલ વિઠ્ઠલાણી

ગ્રેન્ડ રિહર્સલ દરમિયાન અપર્ણા, આકાશ ઝાલા, વિપુલ વિઠલાણી, કમલેશ ઓઝા.

મારી આ કોલમ તખ્તાની પેલે પાર વાંચીને હમણાં ૩-૪ દિવસ પહેલા રંગભૂમિના યુવા નિર્માતા હેમંત પીઠડિયાનો મને ફોન આવ્યો. હેમંત સાથે મેં ત્રણેક નાટકો કર્યા છે. ‘મજાની વાતો જાણવા મળી રહી છે’ કહીને એણે મને અભિનંદન આપ્યા અને અમે બન્ને જણા વાતોએ વળગ્યા. વાતો કરતાં યાદ આવી એક એવી ઘટના જે ૨૦૧૧માં અમારા બે નાટક ગાંધી તારી બીક છે, બાકી બધું ઠીક છેના પ્રથમ પ્રયોગ વખતે ઘટેલી.

૨૦૧૦માં એક સિરિયલમાં વ્યસ્ત થઈ જવાને કારણે હું લગભગ દોઢ-પોણા બે વર્ષ સુધી રંગભૂમિથી દૂર હતો. સિરિયલ પતી ત્યાં તો લેખક વિનોદ સરવૈયા તેમ જ નિર્માતા હેમંત પીઠડિયા અને દિવ્યેશ પાઠક મને મળ્યા અને મને નાટકનો એક વિષય સંભળાવ્યો. વિષય કરતાં પણ એમ કહોને કે એક વિચાર જ જણાવ્યો. વિષય પોલિટિકલ હતો અને ત્યારે આપણા દેશનો રાજકીય જ માહોલ એવો હતો કે જો એ નાટક ભજવાય તો લોકો તરત પોતાની જાતને આ નાટક સાથે કનેક્ટ કરી શકે. મને વિષય ગમ્યો એટલે મેં હા પાડી દીધી. મારા માથે મુખ્ય ભૂમિકા ભજવવાની અને નાટકના દિગ્દર્શનની એમ બેવડી જવાબદારી આવી. નાટકના પ્રસ્તુતકર્તા કિરણ ભટ્ટ (કેબી) હતા. નાટકમાં બીજા મહત્ત્વનાં પાત્રમાં કમલેશ ઓઝા અને મારા બાપની ભૂમિકામાં અમિત દિવેટિયા નક્કી થયા તો અન્ય કલાકારોમાં આકાશ ઝાલા અને ખુશ્બુ બ્રહ્મભટ્ટ (હવે સોલંકી) મલ્ટી રોલ, એટલે કે એક કરતાં વધારે પાત્રો ભજવતાં. મારા દીકરાનાં પાત્રમાં પ્રતિક જાદવ અને મારી પત્નીનાં રોલમાં અપર્ણા નામની એક મરાઠી એક્ટ્રેસ, જેને હું જ શોધી લાવ્યો હતો, તેઓ નક્કી થયાં.

હું અને વિનોદ શરૂઆતમાં અને રિહર્સલ્સ દરમિયાન વાર્તા આગળ કેમ વધારવી એ ચર્ચા કરતાં જઈએ અને નાટક તૈયાર કરતાં જઈએ. અપર્ણા મરાઠી હતી એટલે એને ગુજરાતી ભાષા અને ઉચ્ચારણો શીખવવાની એક જફા હતી. એ ડાયલોગ બોલે એટલે રીતસરનું રિહર્સલ અટકી જ જતું. બીજી બધી ગુજરાતી અભિનેત્રીઓ કોઈકને કોઈક નાટકોમાં બિઝી હતી એટલે અપર્ણા સિવાય કોઈ છૂટકો જ નહોતો. પછી ફાયનલી નક્કી થયું કે અપર્ણાએ રિહર્સલના બે કલાક પહેલા આવવું. પહેલા એનાં બધા જ સંવાદો વ્યવસ્થિત ઉચ્ચારણો સાથે એને શીખવવામાં આવતા અને ત્યારબાદ જ બાકી બધા કલાકારો સાથે રિહર્સલ આગળ વધતું. આમ ૬ કલાકનાં રિહર્સલ એક વ્યક્તિને કારણે ૮ કલાક ચાલતાં.

મારા અને કમલેશના શૂટિંગને કારણે રિહર્સલ્સનાં સ્થળ અને સમયમાં ધરખમ ફેરફારો આવ્યા કરતાં. કેટલીક વાર તો અમે આખો દિવસ શૂટિંગ કરીએ અને રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી અંધેરીસ્થિત નટરાજ સ્ટુડિયોમાં રિહર્સલ્સ કરીએ. આમ જેમતેમ કરતાં આગળ વધી રહ્યા હતા એવામાં એક દિવસ અમિતભાઈને કઇંક વાંધો પડ્યો અને એમણે અચાનક જ નાટક છોડી દીધું. એમની સાથે વાટાઘાટ કરી પણ કઈં મેળ ના પડ્યો. અમે મૂંઝાઈ ગયા કારણ કે એમનો રોલ આખાં નાટકના લગભગ દરેક સીનમાં હતો. પણ રિહર્સલ ન અટકાવતાં અમે એ પાત્રનાં ડમી સાથે આગળ વધતાં રહ્યાં. નાટક બીજા અંકમાં પહોંચી ગયું ત્યાં ખ્યાલ આવ્યો કે મારા બાપના રોલમાં હવે કોને લઈશું? અંતે અમે નીલેશ જોશી નામના કલાકાર (જે ઉંમરમાં મારા કરતાં નાનો છે)ને માથા પર ટક્કલની વિગ પહેરાવી મારા બાપના રોલમાં ઊભો કરી દીધો.

એવામાં એક દિવસ નિર્માતા હેમંત અને દિવ્યેશે આવીને હજુ તો કહ્યું જ કે નાટકનો પ્રથમ જાહેર પ્રયોગ ૨૦૧૨ની ૧લી જાન્યુઆરીએ સચિવાલય પાસે આવેલાં ચૌહાણ ઑડિટોરિયમમાં ભજવશું એની થોડી જ મિનીટમાં કેબીભાઈએ આવીને બોમ્બ ફોડ્યો કે પ્રથમ જાહેર પ્રયોગના ૧૨ દિવસ અગાઉ જ આપણે નાટક સુરતથી ઓપન કરશું. મુંબઈનું કોઈ નાટક કદાચ પહેલીવાર સુરતથી ઓપન થઈ રહ્યું હતું. તારીખો હતી ૨૦૧૧ની ૧૯, ૨૦ અને ૨૧ ડિસેમ્બર. અને ત્યારબાદ ૨૨, ૨૪ અને ૩૦ ડિસેમ્બરે મુંબઈમાં સંસ્થાના શો.

અમે બધાં ઢચકી ગયાં. નીલેશ ટીમમાં જસ્ટ જોડાયો હતો એટલે એને તૈયાર કરવામાં રિહર્સલ પહેલેથી શરૂ કરવા પડ્યાં હતાં અને નાટકના બીજા અંકનાં અમુક દૃશ્યો લખાવાનાં અને સેટ કરવાનાં બાકી હતાં. એમાં પાછી અપર્ણા તો અમારાં માથે તબલાં વગાડી જ રહી હતી. પણ પ્રથમ જાહેરપ્રયોગ પહેલા આટલા બધા શો આવતા હોય તો જવા થોડા દેવાય? એટલે અમે બધાં બમણા જુસ્સા સાથે આગળ વધવા લાગ્યાં. નાટકનો છેલ્લો સીન તો પ્રથમ પ્રયોગના આગલા દિવસે ગ્રેન્ડ રિહર્સલમાં લખાયો અને સેટ કર્યો હતો.

ગ્રેન્ડ રિહર્સલ્સ પતાવી બીજે દિવસે અમે બધાં પહોંચી ગયાં સુરત. લોકો શું પ્રતિસાદ આપશે એ તણાવમાં નાટક ભજવવાનું શરૂ કર્યું ત્યાં તો તાળીઓના ગડગડાટ અને હાસ્યના વરસાદ સાથે સુરતીલાલાઓએ અમારો જુસ્સો બમણો કરી નાખ્યો. નાટક સુપરહિટ થઈ ગયું છે માની ઇન્ટરવલમાં અમે બધાં તો સાતમા આસમાન પર ઉડવા લાગ્યાં. પણ સાતમા આસમાન પરથી જમીન પર પટકાતાં અમને એ પછીની માત્ર ૧૫ મિનીટ જ લાગી હતી. નાટકના બીજા અંકના પહેલા દૃશ્ય પછી ખબર નહીં શું થયું પણ લોકોનો રસ નાટકની વાર્તા પરથી અચાનક જ ઓછો થવા લાગ્યો. લોકો ધીરેધીરે ઊભા થઈને બહાર નીકળવા લાગ્યા. નાટક જેમ-જેમ આગળ વધતું જાય એમ-એમ લોકો બહાર જતા જાય. નાટકના શરૂઆતના અમુક પ્રયોગોમાં કલાકારોની મનોસ્થિતિ કઇંક અલગ જ હોય છે. એવામાં સભાગૃહમાં તખ્તા પરની બત્તીના આછા પ્રસરતા પ્રકાશમાં લોકોનાં ટોળેટોળાં ઊભાં થઈને જતાં દેખાય ત્યારે કલાકારોની માનસિક હાલત કેવી થાય એની કલ્પના કરવી સામાન્ય જનતા માટે અઘરી છે. અમારી હાલત કફોડી થઈ ગઈ હતી. આ બાજુ સ્ટેજ પર નાટક ના અટકાવી શકીએ અને પેલી બાજુ સભાગૃહમાંથી પ્રેક્ષકોને બહાર જતા ના રોકી શકીએ.

જેમતેમ કરતાં નાટક પતાવ્યું. નાટકના પહેલા શો બાદ જનતા સાથે કલાકાર-કસબીઓનો પાત્રપરિચય કરાવવાનો શિરસ્તો હોય છે જે અહીં પણ થયો. પહેલીવાર એવું બન્યું કે અમને બધાંને ઓળખ વિધિમાં શરમ આવી રહી હતી. કારણ કે નાટકની સમાપ્તિ બાદ સભાગૃહમાં ૮૦૦માંથી માત્ર ૧૦૦-૧૨૫ સહિષ્ણુ દર્શકો જ માંડ બેઠેલા દેખાયા. કોર્ટમાં ન્યાયાધીશ સામે ગુનેગાર ઊભો હોય એમ નીચી મુંડીએ અમે અમારી ઓળખ વિધિ પતાવી. પણ પછી હિંમત એકઠી કરી જનતાને જાહેરમાં પૂછી જ લીધું કે ‘નાટકમાં શું ઓછું પડ્યું?’ હવે કદરદાન કહો કે નાટ્યરસિક, પણ બાકી બચેલી જનતાએ અમને પ્રામાણિકપણે એક જ કારણ આપ્યું કે ‘નાટકના બીજા અંકનાં પહેલાં દૃશ્ય પછીનું બધું સાવ બકવાસ.’

અમે આ સાંભળી અવાચક થઈ ગયા કે સાવ બકવાસ??? એકાદ સીન બરાબર ના હોય તો સમજ્યા પણ એકસાથે સળંગ ત્રણ સીન બકવાસ? નાટકની ટીમમાં આટલા અનુભવીઓ સંકળાયેલા હોવા છતાં બધા થાપ ખાઈ ગયા? ગ્રેન્ડ-રિહર્સલ સુધી કોઈને એનો અણસાર સુદ્ધાં ન આવ્યો? પણ હશે, બધાનો એક જ મત હતો તો સાવ ખોટો તો ના જ હોય એમ માની અમે હાથ જોડી છૂટા પડ્યા.

હોટલ પર પહોંચીને બધા ટેક્નિશિયનોએ તો જમી લીધું પણ કલાકારો સહિત નિર્માતા, લેખક, પ્રસ્તુતકર્તા અને આયોજકમાંથી એક પણ જણ અન્નનો એક દાણો સુધ્ધાં મોઢામાં ના નાખી શક્યો. મને બરાબર યાદ છે હોટલમાં મારી રૂમમાં અમે ૧૨-૧૩ જણાં વીલે મોઢે એવી રીતે બેઠાં હતાં જાણે કોઈકની કાણે આવ્યાં હોઈએ. (બસ, સામે મડદું જ નહોતું પડ્યું) બે કલાક સુધી કોઈ ચૂં કે ચાં ના કરે. બધાંનાં મગજમાં જાતજાતના સવાલો હતા. આવું કેવી રીતે થઈ ગયું? ૫-૧૫ જણાં હોય તો ઠીક પણ ૬૦૦-૬૫૦ લોકો ઊભા થઈને બહાર જતા રહ્યા? બીજો અંક એટલો ખરાબ હતો? નાટક અહીંથી જ બંધ કરી દેવું? રાતોરાત તો બીજો આખો અંક કેવી રીતે બદલવો? આવા અનેક સવાલો પછી કઈં ન સૂઝતા થાકીને ‘ચાલો, કાલે વિચારીએ’ કહીને રાત્રે ૪ વાગે બધાં છૂટાં પડ્યાં.

પણ બીજે દિવસે સવારે તો જાણે કે ચમત્કાર જ થઈ ગયો હતો. આખી ટીમ એકસાથે નવી જ એનર્જી સાથે ભેગી થઈ. બધાંનાં મોઢામાંથી માત્ર એક જ વાક્ય નીકળ્યું, વી શેલ નોટ ગીવ-અપ, લેટ્સ ફાઇટ. હવે બીજો અંક આનો આ તો ભજવી શકાય એમ નહોતો એટલે બધાં ચ્હા પીતાં અને સિગરેટ ફૂંકતાં બીજા અંકનાં પહેલાં દૃશ્ય પછી નવું શું કરવું એ વિચારવા લાગ્યાં. એવામાં કોઈકને કશુંક સૂઝ્યું અને બધાં સહમત થયાં. વિનોદે બપોરે ૪ વાગ્યે નવો સીન લખવાનો શરૂ કર્યો. સાંજે ૬ વાગે મારી રૂમમાં બધા કલાકારોને ભેગા કરી મેં એ સીનનું રીડિંગ કરાવી બધાંને ટેનશન આપી દીધા. સાતેક વાગ્યે રિક્ષામાં સંવાદો યાદ કરતાં બધાં ગાંધીસ્મૃતિ સભાગૃહ પર પહોંચી ગયા. ત્યાં જઈ મેં ફટાફટ સીન સેટ કરવાનું ચાલુ કરી દીધું. મયૂર સોલંકીએ પણ ઊભાઊભ લેપટોપ પર જરૂરિયાત પ્રમાણેનું મ્યુઝિક ગોઠવી આપ્યું. બે-ત્રણવાર એ સીનનાં રિહર્સલ કર્યાં ત્યાં તો શો ચાલુ કરવાનો સમય થઈ ગયો.

પહેલા અંકમાં તો બિલકુલ વાંધો નહોતો એટલે એ અકબંધ રહ્યો અને હેમખેમ નીકળી પણ ગયો. પણ ખરી કસોટી તો મધ્યાંતર પછી હતી. પહેલા સીન પછી બીજો શરૂ થયો. સીન સુંદર પ્રતિસાદ સાથે આગળ વધી રહ્યો હતો. અમે બધા રાજી થયા. પણ અડધા સીન પછી મને અચાનક જ સ્ટેજ પર રિયલાઇઝ થયું અને જનતાને ખબર ના પડે એમ મેં સ્ટેજ પરથી એક્ઝિટ લેતા એક કલાકાર સાથે નિર્માતાને મેસેજ મોકલાવ્યો કે, આ સીન પછી નાટક પતી જશે કારણ કે આપણે જૂનું કશું જ નથી ભજવી રહ્યા. મેસેજ સાંભળી બન્ને નિર્માતાઓને ફાળ પડી. તેઓ તરત સીધા દોડ્યા કેબીભાઈ પાસે. કેબીભાઈએ દોડીને વિનોદને પૂછ્યું તો વિનોદે પોતાના માથા પર બન્ને હાથ પટકતા કહ્યું, ‘અરે હા રે.. આના પછી તો ધી એન્ડ છે.’ તમે નહીં માનો પણ અમારો બીજો અંક માત્ર ૨૬ મિનિટમાં પતી ગયો. પણ જેવું નાટક પત્યું કે કેબીભાઈ અક્કલ દોડાવી તરત જ માઈક લઈને દોડી આવ્યા સ્ટેજ પર અને જનતા કઈં અજુગતું રીએક્ટ કરે એ પહેલાં જ યુક્તિ અજમાવી એમને વિશ્વાસમાં લેતા જાહેરમાં કહ્યું, ‘અમને ખબર છે નાટકનો બીજો અંક જલદી પતી ગયો છે. અમે જાણી જોઈને એવું કર્યું છે કારણ કે નાટકનો વિષય તમારી સાથે જોડાયેલો છે એટલે એને ધ્યાનમાં રાખીને તમારા હિસાબે વાર્તામાં આના પછી શું થવું જોઈએ એ માટે અમે તમારા સૂચનની રાહ જોઈ રહ્યાં છીએ. હવે તમે કહો એમ કાલથી નાટકનો ક્લાઇમેક્સ ભજવશું. નાટક જલદી પતી ગયું એની નારાજગી કે આક્રોશ વ્યક્ત કરવાનું ભૂલીને લોકો જાતજાતનાં સૂચનો આપવા લાગ્યા. અમે શાંતિથી એ સાંભળી, પ્રેક્ષકોનો આભાર માની ચૂપચાપ હોટલ પર પહોંચી ગયાં. બધાંના જીવમાં જીવ આવ્યો કારણ કે એ દિવસે એક પણ પ્રેક્ષક ઊભો થઈને નહોતો ગયો. હવે હિંમત વધવા લાગી હતી એટલે આખી રાત પાછા બેસી નવા સીન વિષે વિચારવા લાગ્યા. બીજે દિવસે નવો સીન લખી, રીડિંગ કરી, થિયેટર પર પહોંચી, સેટ કરી અને મસ્ત પ્રતિસાદ સાથે એ ભજવી નાટકની લેન્થ વધારી દીધી. પણ સમસ્યા હજુ નહોતી ટળી. આ વખતે બીજો અંક માત્ર ૩૭ મિનિટમાં પતી ગયો. એ શોમાં પણ કોઈ ઊભું થઈને નહોતું ગયું અને કેબીભાઈએ એ જ યુક્તિ અજમાવી લોકોને પાછા વિશ્વાસમાં લઈ લીધા.

પછી તો સુરતના ત્રણેય શો પતાવી રાત્રે જ મુંબઈ તરફ નીકળી ગયા કારણ કે બીજે દિવસે ઘાટકોપરમાં પ્રાયોજિત પ્રયોગ હતો. બીજો અંક આમ તો સરસ નીકળી રહ્યો હતો પણ હજુ ટૂંકો હતો. એટલે ટ્રેનમાં બાકીના મુસાફરોને ખલેલ ન પહોંચે માટે આખી રાત ટ્રેનનાં શૌચાલય પાસે ઊભા રહીને છેલ્લો સીન શું ભજવવો એની ચર્ચા કરતાં એક નિર્ણય પર આવ્યાં. પછીના દિવસે સાંજે શો પહેલા ઝવેરબેન હોલની બાજુમાં આવેલી રાષ્ટ્રીય શાળામાં એક રૂમ ભાડે લઈ, નવો સીન વાંચી અને સેટ કરી દીધો. બાકીના કલાકારોને હવે બહુ ટેન્શન નહોતું આપવું એટલે છેલ્લા સીનનો વધારે પડતો ભાર મેં મારા અને કમલેશ પર લઈ લીધો. બેકસ્ટેજવાળા એક છોકરાને દોડાવી છેલ્લા સીનમાં ગતકડું કરવા તિરંગા ઝંડાઓ મગાવ્યાં અને નવા સીન અને જબરદસ્ત પ્રતિસાદ સાથે અમે નાટક ભજવ્યું. શો પત્યા બાદ અમારાં બધાંની આંખોમાં હર્ષનાં આંસુ હતાં કારણ કે લોકોએ નાટક વધાવી લેતા અમને સ્ટેન્ડિંગ ઑવેશન આપ્યું હતું. અને ત્યાર પછી તો એક પછી એક શોની લાઇન લાગવાની ચાલુ થઈ ગઈ હતી.

આમ સુરતના પહેલા શો બાદ અમે બધાં નાસીપાસ તો થયાં હતાં પણ જો હિંમત હારી ગયાં હોત તો ફીનિક્સ પક્ષીની જેમ રાખમાંથી પાછા બેઠા ના થઈ શક્યા હોત. અને એ માટે જશ આપવો પડે સમગ્ર ટીમ સહિત સુરત ખાતેના આયોજક વસીમ ઝરીવાળાનો જેમણે નાટક પાછું ઊભું કરવામાં ખડે પગે સાથ આપ્યો.

ત્રીજી ઘંટડી
જે નાટકનો પહેલો શો પત્યા બાદ સભાગૃહમાં ૮૦૦માંથી માત્ર ૨૦૦ જ પ્રેક્ષકો જ બેઠા હતા એ નાટકે ૨૦૦ જેટલા શો ભજવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button