મેટિની

વિચારોની આવક ઓછી હોય ત્યારે શબ્દોનો બગાડ ન કરવો

અરવિંદ વેકરિયા

મારી પહેલી ફિલ્મ આંગણે વાગે રૂડા ઢોલ અને એ પહેલી જ ફિલ્મમાં ગુજરાત સરકાર તરફથી મળેલ બેસ્ટ સહાયક અભિનેતાની ટ્રોફીની આખી સફર આપ વાચકોએ ઉમળકાથી વાંચી એ આપના પ્રતિભાવ મળ્યા. એ ઉપરથી જાણી. કેટલાય મેઈલ, વોટ્સએપ અને ફોન દ્વારા વખાણના પુલો મને બાંધી આપ્યા… અને અન્ય ફિલ્મોના અનુભવો વિષે પણ લખવાનું પણ કહ્યું. પ્રિય વાચકો ! મેં ફિલ્મો બહુ ઓછી કરી છે…વિચારોની આવક ઓછી હોય ત્યારે શબ્દોનો બગાડ ન કરવો જોઈએ એવો વિચાર હંમેશા મારા મગજમાં રમતો હોય છે, છતાં એવો કોઈ સંયોગ ઉભો થશે ત્યારે જરૂર લખીશ. પણ ખાટલે મોટી ખોડ એ છે કે હું મૂળ તખ્તાનો માણસ. ‘લાઈવ’ પ્રતિભાવનો ભુખ્યો જણ. સ્વાભાવિક છે કે મારું મન હરી ફરીને નાટક તરફ ઢળી પડે. આમ પણ નાટક, નોકરી અને ફિલ્મ સાથે ત્રિભેટે જીવવાનું ટેન્સન રહ્યાં કરે. એમાં કોઈ એક સાથે પણ અન્યાય થાય તો જીવ કકળી ઉઠે, બે ઘોડે પલાણ શક્ય બની શકતા, નોકરી અને નાટક ! પહેલી ફિલ્મમાં જ ટ્રોફી મળી ત્યારે ઘણા મિત્રો-હિતેચ્છુઓએ કહ્યું કે ‘હવે ફિલ્મો જ તારે કરવી જોઈએ. ફિલ્મો કેટલી બધી બને છે.’ ક્યારેક મને થતું કે ઘણા લોકો ખારાશનાં કારણે દરિયા કાંઠેથી જ પાછા વળી જાય. બાકી થોડા ઊંડા ઊતરીએ તો મોતી હોય પણ ખરા. પણ આ હોય પણ.. નો સવાલ અને મારી નાટક માટેની લગન મને ફિલ્મી દરિયામાં ડૂબકી મારવા માટે હંમેશાં રોકતી. હા, હિન્દી ફિલ્મો,ગુજરાતી ફિલ્મો અને સિરિયલો કરી ખરી પરંતુ નાટકના ભોગે ક્યારેય નહિ, એ વાત મેં તમને અગાઉ પણ જણાવ્યું છે.

બે-ચાર ફિલ્મોના સારા-ખરાબ અનુભવો થયા છે, એ વખત આવે જરૂર આલેખીશ. એ બધા અનુભવો પણ મમળાવવા જેવા, અને વ્યક્તિની ઓળખ કરાવતા છે.

મેં નાટક વિશેનો છેલ્લો લેખ આ જગ્યાએ, તા:૨૩.૦૬.૨૦૨૩ના રોજ લખેલો, જેમાં જે.ડી. અને આતિશ કાપડીયાને જે ચંદ્રવદન ભટ્ટ સાથેનો અનુભવ થયો એ મારી આંગળી ચિંધ્યાનું હું ‘પાપ’ માનું છું. પણ જે.ડી. અને આતિશે હરફ સુધ્ધાં પોતાના ખરાબ અનુભવનો ઉચ્ચાર કર્યો નહોતો. એમના એ જ સંસ્કારે આજે એમને ‘ટોપ’નાં ‘સેલિબ્રિટી’ બનાવી દીધા છે. હા, મેં એમને કહેલું, સોરી ! ખબર નહિ કે એક મહિનાની મહેનતનું માત્ર એક શોમા પડીકું વળી જશે. નહીતો હું તમને ( પહેલા જે.ડી. પછી જે.ડી. ને પ્રોબ્લેમ ઊભો થતા પરમ મિત્રતાને દાવે આતિશ જોડાયો. સમય બંનેએ આપ્યો. આજે પણ બંને પરમમિત્રો તો છે જ. સહિયારી સિરિયલો પણ ચાલે છે. એમની લોકપ્રિય સિરિયલ ખીચડી પરથી એ નામે ફિલ્મ પણ બનાવી. હવે ફિલ્મની સિકવલ ખીચડી-૨ પણ રજૂ થવા જઈ રહી છે ત્યારે એમને ખૂબ- ગાડું ભરીને હાર્દિક શુભેચ્છા !) આતિશે કહેલું, દાદુ, એમાં તમારો શું વાંક? ..એક ક્ષણ માની લઈએ કે નસીબના લખેલા નિર્ણય બદલી ન શકાય, પણ તમે નિર્ણય તો લો. શું ખબર નસીબ જ બદલી જાય…આમાં નસીબનું પાંદડું ન ખસ્યું તો એમાં તમારો કોઈ ગુનો નથી. તમે તો ‘ખાતર’ અમારે ખાતર બરાબર નાંખ્યું પણ એક જ શોનો છોડ, ઝાડ ન બની શક્યું.
તો, એ જે.ડી. સાથે એની ફિલ્મ દરિયાછોરું મેં કરેલી જે આજના ખ્યાતનામ નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહની પણ પહેલી દિગ્દર્શિત ફિલ્મ હતી. એ ફિલ્મમાં જે.ડી. સાથે કામ કરવાની ખૂબ મજા આવી. અને એની વાત નાટકમાં આવી એટલે મને મારી પહેલી ફિલ્મના અનુભવ અને એના અંત કહેવાની ઈચ્છા થઇ અને કદાચ નાટકના ચાલતા દોર પરથી ફિલ્મ પર કલમ જરા સરકી ગઈ. જોકે આનંદ એ વાતનો છે કે આપે એ સફર પણ માણી, જે મને આપનાં આવેલ પ્રતિભાવ તરફથી જાણવા મળ્યું.

આમ ફિલ્મ તો પૂરી થઇ ગઈ/ ચંદ્રવદન ભટ્ટ સાથેની ‘ભાગ્યરેખા’ એ મારા ‘ભાગ્ય’ને સાથ ન આપ્યો. જો કે એ વખતે ઘણા નવા-નવા નિર્માતા મારી પાસે નાટક ડિરેક્ટ કરાવવા તૈયાર હતા. જે દિગ્દર્શકો સારું કલેક્શન કરાવી શકતા એ કદાચ નવા નિર્માતાને ‘ના’ પાડે એટલે એ લોકો માટે, અમિતાભ નહિ તો મિથુન, એવો ઘાટ મારો હતો. ચંદ્રવદન ભટ્ટ અને ભાવના ભટ્ટ, બંને સાથે સંબંધો બહુ સારા બની ગયા હતા. ‘ભાગ્યરેખા’ની સરિયામ નિષ્ફળતા પછી પણ નવા નાટક માટે રોજ દોરડે-વાતું’ (ફોન) થયા કરતી. એમની ઇચ્છા કે જલદી નવું નાટક શરૂ કરીએ. પોતાના જૂના થયેલા ઘણા નાટકો હતા. પરંતુ ‘ભાગ્યરેખા’ ની નિષ્ફળતાએ એમને વિચારતા તો કરી મુક્યા હતા.

એ સમયે મરાઠી રંગભૂમિ ઉપર ભજવાતા સારા નાટકો ગુજરાતી તખ્તે ઘણા રજૂ થતા. અનીલ મહેતાની જાણે એ માટે ‘મોનોપોલી’ હતી. મરાઠી નિર્માતા-લેખકો સાથે એમને સારો ઘરોબો હતો. પહેલા શો વખતે એમને આમંત્રણ મળી જતું. તેઓ ત્યાં અચૂક જોવા પહોંચી જતા. જો એમને નાટક ગમી ગયું તો તરત જ તેઓ પોતાના નામે એ નાટક ગુજરાતી માં ભજવવાના રાઈટસ મેળવી લેતા અને પછી ગુજરાતી નિર્માતાઓને વહેંચી દેતા જેનું રૂપાંતર તેઓ કરતાં. તેઓ પ્રવીણ જોશીના મિત્ર હતા. એમના સાન્તાક્રુઝના ઘરના દીવાન-ખંડમા બંનેનો મોટો ફોટો પણ હતો. આવા માહોલમા રાજેન્દ્ર શુકલ એક મારાથી પ્રિન્ટેડ નાટકની બુક લઇ મારી પાસે આવ્યો. મને કહે, આ નાટક ગુજરાતી તખ્તે ભજવાયું નથી. આપણે ‘સત્ય-ઘટના’ કહી રજૂ કરીએ. રાજેન્દ્ર શુકલ એટલે ખેપાની લહિયો. કઈ ઈંગ્લીશ બુકમાંથી કયો સીન મરાઠી નાટકના કયા સીન સાથે અને કોઈ હિન્દી વાર્તાની નાટકમાં ફેરવી, બધું ભેગું કરી સરસ નાટક તૈયાર કરી નાંખે. મેં એ નાટક ગુજરાતીમા ભજવવા કાયદેસરના હક લેવાની વાત કરી. મને કહે, એ લેખકને વાતાવવાની કોઈ જરૂર નથી. એને ખબર જ નહિ પડે. ઊલટું, એ નાટક કોઈ નિર્માતાને લઇ એ લેખક કદાચ જોવા પણ આવ્યો અને આપણું નાટક એને ગમ્યું તો એ આપણું ગુજરાતી નાટક મરાઠીમાં ભજવવાના ‘રાઈટસ’ માગશે. મેં એને કહ્યું, ભાઈ, જે બીજાનું આંચકીને લે ને એ જીવનમાં આંચકા’ ખાય પણ જતું કરે એ જીતી જાય. આપણે જીતવું છે, રાઈટસ લઈને જ ભજવીએ. મને રાજેન્દ્ર કહે, દાદુ, તું ભોળો છે. આ કલિયુગ છે અને રંગભૂમિ પર તો ક્યારનો શરૂ થઇ ગયો છે. તને કેટલા નાટક ગણાવું? ‘રાઈટસ’ લેવા માટે ઓળખાણ કાઢો, પાછું આપણે તો એનો માત્ર એક સ્ટોરી-પોઈન્ટ’ જ લેવાનો છે. યાર ! ઓળખાણ થાય એટલે સંબંધની શરૂઆત થાય અને ઓળખી જાય એટલે સંબંધ પૂરો. આપણે સંબંધ તોડવો જ નથી તો બાંધવો શું કામ? તું જરા પણ ચિંતા ન કરતો. કોઈ વાંધો નહિ આવે.

એની વાતમાં દમ તો હતો. માત્ર એક ‘પોઈન્ટ’ માટે ‘રાઈટ્સ’ શું કામ લેવા? મારા આ મિત્ર, રાજેન્દ્ર શુકલના મેં કદાચ સૌથી વધુ નાટકો કર્યા. કોલેજ પછીની અમારી દોસ્તી અંત સુધી રહી.ખેર ! એની અચાનક વિદાયે એક ખાલીપો સરજી દીધો છે. હજી યાદ આવ્યા જ કરે છે. જિંદગીમાં એક વસ્તુ તમે ક્યારેય ‘ડીલીટ’ નથી કરી શકતા અને એ છે કોઈની યાદો’.
પાછા એ અને હું નિર્માતાનાં માણસ. વધુ ખર્ચ કરાવીને ખોટી ‘પ્રોડક્શન કોસ્ટ’ વધે નહિ એની પૂરતી ખેવના રાખીએ. હું તો કહેતો કે પૈસા અને મજાક, વિચારીને ઉડાડજો કારણ કે આ બે વસ્તુ એવી છે કે જે તમને સૌથી વધુ દુ:ખ કરાવવાની તાકાત ધરાવે છે.

રાજેન્દ્ર શુકલે મને આખી વાર્તા કહી સંભળાવી. કેમ રજૂ કરવી એ પણ કહ્યું. તમને યાદ હશે મેં નાટક ‘છાનું છમકલું’ જેમાં કિશોર ભટ્ટ, કુમુદ બોલે, નીલા પંડ્યા અને સંજીવ શાહ વગેરે હતા એની વાત અહીં આલેખેલી, જેના નિર્માતા હતા તુષાર શાહ. તેઓ મુંબઈથી પારડી (વલસાડ પાસે) શિફ્ટ થયેલા. મેં અને રાજેન્દ્રએ જે સાંજે નવા નાટકનું નક્કી કર્યું, એ જ રાતે એમનો ફોન આવ્યો, અને…….


મળે એટલો માણી લો, આ એક-મેકનો સાથ, ઝાકળ જેવું જીવન આપણું, ઝાકળ જેવી રાત.

ભૂરો: ઠંડીમાં નહાવા માટે ‘જીગર’ જોઈએ….
જીગો: ભૂરા, તારી કઈ ભૂલ થાય છે,,, ‘જીગર’ નહિ ‘ગીજર’ જોઈએ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button