તાકત વતન કી હમસે હૈ, હિંમત વતન કી હમસે હૈ!
ક્રિકેટ હોય કે યુદ્ધ, પાકિસ્તાનને ભોંયભેગા થતા જોવાનો આનંદ દરેકને આવતો હોય છે અને ‘ગદર ૨’ની સફળતા પછી યુદ્ધમાં પાકિસ્તાનને પછાડતી ફિલ્મો બનાવવા ઉત્સુકતા જોવા મળી રહી છે
ફોકસ -હેમા શાસ્ત્રી
યુદ્ધ કરવું એ માનવ સ્વભાવનું લક્ષણ છે. યુદ્ધના મૂળમાં સ્વરક્ષણ, સ્વાર્થ, મહત્ત્વાકાંક્ષા કે અહંકારની ભાવના જોવા મળે છે. યુદ્ધને સાર્થક સાબિત કરવા વિવિધ દલીલ કરવામાં આવતી હોય છે પણ યુદ્ધ કાયમ તારાજીને જ નોતરું આપે છે. ખુવારીની ખાતરી હોવા છતાં મનુષ્ય યુદ્ધ કરતો રહ્યો છે અને કરતો રહેશે. જોકે, ભારતે ક્યારેય અંગત સ્વાર્થ સિદ્ધ કરવા યુદ્ધનું રણશીંગુ નથી ફૂંક્યું. હા, જાહોજલાલી ધરાવતા આપણા દેશને લૂંટવા વિદેશી આક્રમણોની કોઈ નવાઈ નથી. ભારતે યુદ્ધ નથી કર્યા એવું નથી પણ જ્યારે થયા છે એ કેવળ રક્ષણ માટે. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયા પછી ૧૯૬૨ના ચીન વિરુદ્ધના યુદ્ધને બાદ કરતા બાકીની મુખ્ય લડાઈ પાકિસ્તાન વિરુદ્ધ થઈ છે. ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં આપણા જાંબાઝ સૈનિકોએ દુશ્મનને ધૂળ ચાટતું કર્યું છે. યુદ્ધની કથાનું વર્ણ કરતાં પુસ્તકો લખાયાં છે અને રૂપેરી પડદે એની ફિલ્મો પણ જોવા મળી છે. ક્રિકેટ હોય કે યુદ્ધ, દર્શકોને ભારત – પાકિસ્તાન ટક્કરમાં કાયમ રસ પડ્યો છે. મેદાન પર કે થિયેટરમાં લોકોની ભીડ એ વાતની સાક્ષી પૂરે છે. તાજેતરમાં જ સની દેઓલ અને અમિષા પટેલને ચમકાવતી ‘ગદર ૨’ને બોક્સ ઓફિસ પર મળેલ અભૂતપૂર્વ સફળતા એનું તાજું ઉદાહરણ છે. તારા સિંહ (સની દેઓલ) અને પાકિસ્તાન લશ્કરના જનરલ હમીદ ઈકબાલ (મનીષ વાધવા)નાં પાત્રો દ્વારા અંતે તો પાકિસ્તાનનો નાપાક ઈરાદો નિષ્ફળ બનાવવાની જ વાત કેન્દ્રમાં હતી. ભારત – પાક યુદ્ધ એક એવું રસાયણ છે જે ફિલ્મમેકરોને કાયમ આકર્ષતું રહ્યું છે અને લડાઈની મુખ્ય કથા સિવાય પણ બીજા અનેક પ્રકરણ સંકળાયેલા છે જેને કાબેલ ફિલ્મમેકર યુદ્ધસ્ય કથા રમ્યા: તરીકે રજૂ કરી દર્શકોને ભાવવિભોર કરી ઈતિહાસની ઓછી જાણીતી પણ મહત્ત્વની ઘટનાથી વાકેફ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ પ્રકારની ફિલ્મો તૈયાર કરવામાં પહેલું નામ છે જુવાનજોધ ફિલ્મમેકર આદિત્ય ધર. ભારતીય લશ્કરના પ્રસિદ્ધ સર્જિકલ સ્ટ્રાઈકના મુદ્દાને કેન્દ્રમાં રાખી આદિત્યએ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ (૨૦૧૯) બનાવી હતી જેને ધારદાર સફળતા મળી હતી. ખબરીએ આપેલી જાણકારી અનુસાર ફિલ્મની કથાવસ્તુ સત્ય ઘટના પર આધારિત છે અને એક્શન થ્રિલર હશે જે સ્વાભાવિક છે. આદિત્યને એવી જાણકારી મળી હતી કે પાકિસ્તાનમાં આતંકવાદીઓનો જે ખાતમો બોલાવવામાં આવ્યો હતો એમાં ભારતીય ગુપ્તચર સંસ્થાએ પહોંચાડેલી માહિતીનો ફાળો હતો. પ્રાથમિક જાણકારી મળ્યા પછી એનાથી અભિભૂત થયેલા આદિત્યએ એની પર ઘણું સંશોધન કર્યું અને હવે આ રોમાંચક કથા રૂપેરી પડદે રજૂ કરવા એ થનગની રહ્યો છે. ‘ઉરી’ની માફક આ ફિલ્મમાં પણ દર્શકોને રોમાંચક કથા જોવા મળશે. ટૂંક સમયમાં જ ફિલ્મમાં મુખ્ય કલાકાર લેવાની પ્રક્રિયા શરૂ થઈ જશે અને પછી શૂટિંગ શરૂ કરવામાં આવશે. મિશન પાર પાડવાની આ ફિલ્મમાં આદિત્ય ટોપ એક્ટર લેવા ઉત્સુક છે.
ભારત – પાકિસ્તાન યુદ્ધની પાર્શ્ર્વભૂમિ પર આદિત્ય ધર ઉપરાંત અન્ય ફિલ્મો બનાવવાના પણ પ્રયત્ન થઈ રહ્યા છે. મનોજ કુમાર પછી મિસ્ટર ભારતનો તાજ પોતાના શિરે બંધાય એવી મથામણ કરતો અક્ષય કુમાર પાકિસ્તાન વિરુદ્ધના હવાઈ યુદ્ધ સંદર્ભની કથા ધરાવતી ‘સ્કાય ફોર્સ’ નામની ફિલ્મ કરી રહ્યો છે.
૧૯૬૫ના ભારત – પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતે કરેલા પ્રથમ હવાઈ હુમલા (એર સ્ટ્રાઈક) પર આ ફિલ્મ આધારિત હોવાનું માનવામાં આવે છે. ૨૦૨૪ની બીજી ઓક્ટોબરે રિલીઝ થનારી આ ફિલ્મના રજૂ કરવામાં આવેલા ટ્રેલર પરથી ફિલ્મની કથાવસ્તુનો અંદાજ આવી જાય છે. પ્રારંભમાં જ પાકિસ્તાનના પ્રમુખ અયુબ ખાનનો અવાજ સંભળાય છે ‘પાકિસ્તાન કી દસ કરોડ આવામ ઉસ વક્ત તક ચૈન સે નહીં બૈંઠેગી જબતક દુશ્મન કી તોપેં હંમેશ કે લિએ ખામોશ ના હો જાએ. હિન્દુસ્તાન કે હુકમરાન અભી નહીં જાનતે કે ઉન્હોંને કિસ કોમ કો લલકારા હૈ.’ ત્યારબાદ તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના નામ સાથે વળતો જડબાતોડ જવાબ આવે છે કે ‘અગર તલવાર કી નોક પર યા એટમબમ કે ડર સે કોઈ હમારે દેશ કો ઝુકાના ચાહે, દબાના ચાહે, યે દેશ હમારા દબનેવાલા નહીં હૈ. એક સરકાર કે નાતે હમારા ક્યા જવાબ હો સકતા હૈ સિવાય ઈસકે કે હમ હથિયારોં કા જવાબ હથિયારોં સે દે. જય હિન્દ.’
સની દેઓલની ‘ગદર ૨’ને મળેલી ફાંકડી સફળતાને પગલે ભરપૂર એક્શન ધરાવતી પાકિસ્તાન સામેના યુદ્ધની ઓછી જાણીતી ઘટના કેન્દ્રમાં રાખી ફિલ્મ બનાવવાની કોશિશ ચાલી રહી છે. આ દોડમાં અન્ય જે ફિલ્મમેકર સામેલ થવા થનગની રહ્યા છે એમાં એક રસપ્રદ કોમ્બિનેશન છે દિગ્દર્શક રાજકુમાર સંતોષી અને સની દેઓલનું. ‘ઘાયલ’, ‘ઘાતક’ અને ‘દામિની’ જેવી સફળ ફિલ્મો આપનાર આ જોડીએ ભારત – પાકિસ્તાન યુદ્ધ પર આધારિત ‘લાહોર ૧૯૪૭’ ફિલ્મનું એલાન કર્યું છે. અંદરની બાતમી એવી છે કે નિર્માણ આમિર ખાન પ્રોડક્શનનું છે. જોકે, ટ્રેલરમાં મિસ્ટર પર્ફેક્શનિસ્ટનું નામોનિશાન નથી. મુખ્ય ભૂમિકા અલબત્ત તારા સિંહ, સોરી, સની દેઓલની છે અને આમિર ખાન એક નાનકડી પણ મહત્ત્વની ભૂમિકા કરશે એવું અત્યારે નક્કી થયું છે. સની દેઓલને મળેલા આવકારને રળી લેવા આમિર ખાન અને રાજકુમાર સંતોષીએ હાથ મિલાવ્યા હોવાથી અપેક્ષાની ઈમારત તો ઊંચી જ રહેવાની. ‘ગદર: એક પ્રેમ કથા’ ૨૦૦૧માં રિલીઝ થઈ હતી અને સુપરહિટ સાબિત થઈ હતી. બાવીસ વર્ષ પછી ‘ગદર ૨’ આવી અને એને સુધ્ધાં ધમાકેદાર સફળતા મળી. ફિલ્મ વર્તુળમાં થતી વાતચીત અનુસાર ’ગદર ૩’ માટે ગણગણાટ અત્યારથી જ શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત મેઘના ગુલઝારની ‘સેમ બહાદુર’ અને સલમાન ખાન – કેટરિના કૈફની ‘ટાઈગર ૩’માં પણ ભારત – પાકિસ્તાન યુદ્ધની વાત આવે છે. ટૂંકમાં ભારત – પાકિસ્તાન યુદ્ધસ્ય કથા રમ્યા:નો લાભ લેવા સારી ઉત્સુકતા જોવા મળી રહી છે.