દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ આજે પૂછપરછ માટે હાજર થવાના સમાન પાઠવ્યું હતું, પરંતુ તેઓ ED ઓફિસ પહોંચ્યા ન હતા. કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ED કેજરીવાલની પૂછપરછ કરવામાં માંગે છે. અરવિંદ કેજરીવાલે ઇડીની નોટિસનો જવાબ આપ્યો હતો. જો કે હજુ સુધી ઇડી તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી, સુત્રોના જણાવ્યા મુજબ ઇડી હવે બીજું સમન્સ ઇશ્યૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
અરવિંદ કેજરીવાલે સવારે 11 વાગ્યે EDની દિલ્હી ઓફિસમાં હાજર થવાનું હતું. પરતું તેઓ હાજર થયા ન હતા. EDની નોટીસના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેમને મોકલવામાં આવેલી નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે. આ નોટિસ ભાજપના ઈશારે આપવામાં આવી છે. EDએ આ નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ, મને ચૂંટણી પ્રચાર કરતા રોકવા માટે આ નોટીસ મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે અરવિંદ કેજરીવાલ પણ મધ્યપ્રદેશના ચૂંટણી પ્રવાસે જવાના છે.
આ કેસમાં અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી(આપ)ના બે મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે, તેથી આમ આદમી પાર્ટીને શંકા છે કે પાર્ટીના વડા કેજરીવાલની પણ ધરપકડ થઇ શકે છે. આ પહેલા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી.
અરવિંદ કેજરીવાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થશે કે નહીં તે અંગે આમ આદમી પાર્ટીએ મૌન જાળવી રાખ્યું છે. આ પહેલીવાર છે જ્યારે ઇડીએ અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. અગાઉ આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ તેમની પૂછપરછ કરી હતી.