સચિન તેંડુલકર પહેલીવાર વાનખેડેમાં ચોરીછુપે ઘુસ્યા હતા, માસ્ટર બ્લાસ્ટરે યાદો તાજા કરી
ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દીની કહાની વાનખેડે સ્ટેડીયમના ઉલ્લેખ વગર અધૂરી છે. વાનખેડે સચિન તેંડુલકરનું હોમ ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડ સાથે તેંડુલકરની યાદો તેમની રણજી ટ્રોફી કારકિર્દીની શરૂઆતથી માંડીને ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું એ 2011 વર્લ્ડ કપની ફાઈનલ મેચ સુધી ફેલાયેલી છે. ગઈ કાલે બુધવારે વાનખેડે સ્ટેડિયમની બહાર સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેંડુલકર અને વિજય મર્ચન્ટ સ્ટેન્ડની વચ્ચે આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જેમાં સચિન લોફ્ટેડ શોટ રમી રહ્યા હોય એવું દર્શાવવામાં આવ્યું છે.
પ્રતિમાના અનાવરણ સમયે સચિન તેંડુલકર પોતે હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે વાનખેડે સ્ટેડીયમ સાથે જોડાયેલી યાદોને તાજી કરી હતી. તેણે કહ્યું કે તેઓ પહેલીવાર વર્ષ 1983માં આ સ્ટેડિયમમાં ગયા હતા. તેઓ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ જોવા માટે સ્ટેડિયમમાં ચોરીછુપે પ્રવેશ્યા હતા. બાંદ્રા હાઉસિંગ સોસાયટીમાંથી સચિન તેના ભાઈ અને મિત્રો સાથે સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમણે બાંદ્રાથી ચર્ચગેટ સુધીની લોકલ ટ્રેન પકડી હતી. ત્યાં નોર્થ સ્ટેન્ડ ગેંગનું 25 લોકોનું ટોળું બેઠું હતું. તેની પાસે 24 ટિકિટ જ હતી.
સચિન તેંડુલકરે કહ્યું, “એ વખતે હું 10 વર્ષનો હતો, બાંદ્રામાં મારી કોલોનીના મારા ભાઈના મિત્રો તેઓ મેચ જોવાનું નક્કી કર્યું. તેઓ મને પણ સાથે લઇ ગયા. આપણે બધા ક્રિકેટરો જાણીએ છીએ કે નોર્થ સ્ટેન્ડ શું કરી શકે છે…જ્યારે ત્યાં બેઠેલા ચાહકો ટીમને સપોર્ટ કરે છે, તો પછી કોઈ વિરોધી ટીમ ભારત અને મુંબઈને રોકી શકે નહીં.”
સચિન તેંડુલકરે વધુમાં કહ્યું, “અમે પણ નોર્થ સ્ટેન્ડ સાથે સ્ટેડીયમમાં જઈ મેચની મજા માણી. મેચ પછી, જ્યારે અમે 25 લોકો ટ્રેનમાં ચડ્યા, ત્યારે કોઈએ કહ્યું કે તમે સારું મેનેજ કર્યું? કોઈએ પૂછ્યું શું મેનેજ કર્યું? તેણે જવાબ આપ્યો કે આપની પાસે માત્ર 24 ટિકિટ જ હતી અને સચિનને ચૂપચાપ છુપી રીતે અંદર લઈ ગયા હતા.’
સચિન તેંડુલકરે કહ્યું, “મારી પસંદગી રણજી ટ્રોફી ટીમમાં થઈ અને હું ડ્રેસિંગ રૂમમાં પહોંચતા જ વિચારવા લાગ્યો કે ક્યાં બેસું કારણ કે મુંબઈની ટીમમાં કેટલાક મોટા ખેલાડીઓ હતા. મેં ખૂણામાં ખાલી ખુરશી જોઈ અને હું ત્યાં જઈને બેઠો. ત્યારે કોઈએ મને કહ્યું કે આ ગાવસ્કરની સીટ છે, તરત જ ઉભો થઇ ગયો. આજે હું અહીંયા ઉભો છું ત્યારે હું ખરેખર નમ્ર અનુભ કરું છું. જ્યારે હું મેદાન પર જાઉં છું ત્યારે મારા મગજમાં હજારો તસ્વીરો અને વિચારો આવે છે. ઘણી બધી અવિશ્વસનીય યાદો છે. આ મેદાન પર રમવું સન્માનની વાત છે, જેણે મને જીવનમાં બધું આપ્યું છે.’
તેંડુલકરે વાનખેડે સ્ટેડિયમ ખાતેની તેની પ્રથમ આંતર-શાળા મેચને પણ યાદ કરી. તેણે કહ્યું કે આઝાદ મેદાનની પીચો એકબીજાની ખૂબ જ નજીક છે અને બેટ્સમેન મૂંઝવણમાં પડી જાય છે કે ફિલ્ડર આ મેચનો ભાગ છે કે બીજી મેચનો.