ટોપ ન્યૂઝનેશનલ

કેજરીવાલની પુછપરછ પહેલા, દિલ્હી સરકારના વધુ એક પ્રધાનના ઘર પર ઇડીના દરોડા

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(આપ)ના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ આજે ગુરુવારે પૂછપરછ માટે હાજર થવા સમન પાઠવ્યા હતા. કેજરીવાલ ઇડી સમક્ષ હાજર થાય એ પહેલા દિલ્હી સરકારના અન્ય એક પ્રધાન સાથે સબંધિત સ્થળોએ ઇડીએ દરોડા પડ્યા હતા. ઇડીની ટીમ ગુરુવારે વહેલી સવારે દિલ્હી સરકારના સમાજ કલ્યાણ પ્રધાન રાજકુમાર આનંદના ઘરે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તપાસ મની લોન્ડરિંગ સાથે જોડાયેલા કેસ બાબતે કરવામાં આવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઇડીની ટીમ વહેલી સાવરે રાજકુમાર આનંદ સાથે સંબંધિત 9  જગ્યાઓ પર તપાસ કરવા પહોંચી હતી. રાજકુમાર આનંદના નિવાસસ્થાનની અંદર જ હાજર હતા, બહાર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં પહેલાથી જ જેલમાં બંધ છે. થોડા દિવસો અગાઉ આપ સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન પણ મની લોન્ડરિંગ જેલમાં બંધ છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ કરવામાં આવે એવી શક્યતાએ સેવાઈ રહી છે. આ દરમિયાન ઇડીએ રાજકુમાર આનંદ સામે પણ તપાસ શરુ કરી છે. જેને કારણે કેન્દ્ર સરકાર રાજકીય શત્રુભાવ સાથે ઇડીનો ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, 2014 થી ઇડી દ્વારા નોંધાયેલા તમામ કેસમાંથી 95 ટકા વિપક્ષના નેતાઓ વિરુદ્ધ નોંધાયા છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ ‘ઇન્ડિયા’ ગઠબંધનથી નારાજ છે. રાઘવ ચઢ્ઢાએ એક યાદી જાહેર કરતા કહ્યું હતું કે કેજરીવાલ બાદ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીનો નંબર આવશે. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ. સ્ટાલિનની પણ ધરપકડ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button