હવા પ્રદૂષણના કારણે મુંબઇ અને દિલ્હીમાં નહીં થાય આતશબાજી
બીસીસીઆઇએ લીધો નિર્ણય
નવી દિલ્હી: વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારતની મેચ ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે છે. પરંતુ સ્ટેડિયમમાં હાજર દર્શકો આ મેચ દરમિયાન અને પછી આતશબાજીનો આનંદ લઇ શકશે નહીં. માત્ર મુંબઈમાં જ નહીં, દિલ્હીમાં પણ યોજાનારી વર્લ્ડ કપની મેચ બાદ આતશબાજી થશે નહીં. બંને શહેરોમાં હવા પ્રદૂષણમાં વધારો થવાથી બીસીસીઆઇએ આ નિર્ણય લીધો હતો. દિલ્હીમાં વર્લ્ડ કપની આગામી મેચ છ નવેમ્બરે બંગલાદેશ અને શ્રીલંકા વચ્ચે છે. આ મેચમાં પણ આતીશબાજી કરવામાં આવશે નહીં.
જો ભારતીય ટીમ શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચે છે તો પણ વાનખેડે સ્ટેડિયમમાં આતશબાજી નહીં થાય. સ્ટેડિયમમાં હાજર દર્શકો આ મેચ દરમિયાન અને પછી આતશબાજીની મજા માણી શકશે નહીં. માત્ર મુંબઈમાં જ નહીં, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાનારી મેચોમાં પણ આવું જ થશે. બંને શહેરોના ખરાબ એર ક્વોલિટી ઈન્ડેક્સના કારણે બીસીસીઆઇએ આ મોટો નિર્ણય લીધો છે.
આ મામલે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે કહ્યું હતું, કે મેં આ મામલો આઇસીસી સમક્ષ ઉઠાવ્યો હતો. મુંબઈ અને દિલ્હીમાં યોજાનારી મેચોમાં આતશબાજી કરવામાં આવશે નહીં કારણ કે તેનાથી પ્રદૂષણનું સ્તર વધી શકે છે. બીસીસીઆઇ પર્યાવરણીય મુદ્દાઓનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે અને અમે હંમેશા ચાહકો અને અન્ય હિતધારકોના હિતોને સૌથી આગળ રાખીશું.તેમણે વધુમાં કહ્યું હતું કે, બીસીસીઆઈ મુંબઈ અને નવી દિલ્હી બંનેમાં હવાની ગુણવત્તાને લઈને ઊભી થયેલી પરિસ્થિતિથી ચિંતિત છે. જ્યારે અમે ક્રિકેટની ઉજવણી તરીકે વર્લ્ડ કપનું આયોજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ત્યારે અમે અમારા હિતધારકોના સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાથમિકતા આપવાની અમારી જવાબદારી પણ સમજીએ છીએ.