
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યે ટ્રેન દુર્ઘટના નોંધાઇ હતી. દિલ્હીના આનંદ વિહાર અને ઉત્તર પ્રદેશના ગાઝીપુર વચ્ચે ચાલતી સુહેલદેવ એક્સપ્રેસના બે ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. ઉત્તર મધ્ય રેલવેએ આ માહિતી આપી છે.
ઉત્તર મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ટ્રેન સ્ટેશનથી નીકળી હતી ત્યારે એન્જિનના બે પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. એન્જિનની પાછળના બે કોચ પણ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના પ્લેટફોર્મ નંબર છ પર બની જ્યારે ટ્રેનને ગ્રીન સિગ્નલ બતાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી.’
આ રૂટ પર ટ્રેનોનું સંચાલન હાલમાં સામાન્ય છે. આ ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. એન્જિન અને કોચ પાટા પરથી ઉતરવાનું કારણ જાણવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.