નેશનલ

ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક

૮૧.૫ કરોડ લોકોનો આધાર ડેટા થયો લીક

નવી દિલ્હી: દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક સામે આવ્યો છે. આઇસીએમઆર પાસે ઉપલબ્ધ ૮૧.૫ કરોડ લોકોનો ડેટા માત્ર થોડા રૂપિયામાં ડાર્ક વેબ પર સરળતાથી ઉપલબ્ધ થઇ ગયો છે. એક રિપોર્ટ અનુસાર, તેમાં આધાર અને પાસપોર્ટની વિગતો સાથે નામ, ફોન નંબર અને સરનામું જેવી મહત્ત્વપૂર્ણ માહિતી પણ સામેલ છે. દેશવાસીઓની વિગતો લીક થવાના મામલે સંજ્ઞાન લઈને સીબીઆઈ તપાસ કરી શકે છે. જોકે, આઇસીએમઆરએ હજુ સુધી આ અંગે કોઈ ફરિયાદ કરી નથી.

અધિકારીઓ દ્વારા ધમકી આપવાવાળા સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે અને તેણે જણાવ્યું છે કે એ આ સંપૂર્ણ આધાર અને ભારતીય પાસપોર્ટની વિગતોવાળા ડેટાસેટને ૮૦,૦૦૦ ડૉલર એટલે કે ૬૬ લાખ રૂપિયાથી વધુમાં વેચવા તૈયાર છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) ઘટનાની તપાસ કરે તેવી અપેક્ષા છે.

સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવા મુજબ આ ડેટા આઇસીએમઆર પાસે ઉપલબ્ધ કોવિડ-૧૯ ટેસ્ટની વિગતોમાંથી લેવામાં આવ્યો છે. જોકે, આ ડેટા ક્યાંથી લીક થયો એ હજી સુધી જાણી શકાયું નથી કારણ કે કોવિડ ટેસ્ટનો ડેટા આઇસીએમઆર તેમ જ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) અને આરોગ્ય મંત્રાલયને જાય છે. ફેબ્રુઆરી
મહિનાથી આઇસીએમઆરના ડેટાબેઝ પર ઘણી વખત સાયબર હુમલો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આઇસીએમઆર સર્વરને હેક કરવાના ૬,૦૦૦ થી વધુ પ્રયાસો કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે એજન્સીઓએ આઇસીએમઆરને કોઈપણ ડેટા લીક અટકાવવા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર હેકિંગ અને ફિશિંગ જેવા ખતરાઓનો સામનો કરવા માટેની નોડલ એજન્સીએ આ અંગે આઇસીએમઆરને જાણ કરી છે. જે સેમ્પલ ડેટા બહાર આવ્યા છે તે આઇસીએમઆર પાસે ઉપલબ્ધ ડેટા સાથે બરાબર મેળ ખાય છે. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઇને ઘણી એજન્સીઓ અને મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ સક્રિય થઇ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો આ લીક પાછળ કોઇ વિદેશી હાથ જાણવા મળશે તો તેની તપાસ કોઇ મોટી એજન્સી દ્વારા કરાવવી પડશે. ડેમેજ કંટ્રોલ માટે જરૂરી એસઓપી તૈયાર કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button