આમચી મુંબઈ

બીડમાં હિંસા પ્રકરણે ૪૯ જણની ધરપકડ: જિલ્લામાં કરફ્યૂ

છત્રપતિ સંભાજીનગર: મરાઠા આરક્ષણના આંદોલન દરમિયાન બીડ જિલ્લામાં થયેલી હિંસા પ્રકરણે પોલીસે ૪૯ જણની ધરપકડ કરી હતી.

બીડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નંદકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે હિંસાની અનેક ઘટનાઓ બનતાં અને રાજકારણીઓની મિલકતને ટાર્ગેટ બનાવવામાં આવતાં સોમવાર સાંજથી જિલ્લાના અમુક ભાગોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં હોવાનો દાવો તેમણે કર્યો હતો.

હિંસાને કારણે વાતાવરણ તંગદિલીભર્યું થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે વધારાના પોલીસ દળને બોલાવવામાં આવ્યું હતું. હિંસા પ્રકરણે પોલીસે ગુના નોંધી ૪૯ આંદોલનકારીઓની ધરપકડ કરી હતી. સોમવાર રાતથી કોઈ અનિચ્છનીય ઘટના પ્રકાશમાં આવી નહોતી, એવું ઠાકુરે જણાવ્યું હતું. બીડનાં કલેક્ટર દીપા મુઢોલ મુંડેએ જારી કરેલા આદેશ અનુસાર કલેક્ટર ઑફિસ, તાલુકાની મુખ્ય કચેરીઓ સહિત જિલ્લામાંથી પસાર થનારા બધા નૅશનલ હાઈવેના પાંચ કિલોમીટરના પરિઘમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. સોમવારે સવારે આંદોલનકારીઓના જૂથ દ્વારા બીડ જિલ્લાના માજલગાંવ સ્થિત અજિત પવાર જૂથના એનસીપીના વિધાનસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસસ્થાને આગ ચાંપવા સાથે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નિવાસસ્થાને પાર્ક વાહનોને પણ આગ લગાડવામાં આવી હતી. બાદમાં આંદોલનકારીઓ દ્વારા માજલગાંવ મહાનગરપાલિકાની ઈમારતના પહેલા આગ ચાંપવામાં આવી હતી. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ગંગાપુર વિસ્તારમાં આવેલી ભાજપના વિધાનસભ્ય પ્રશાંત બાંબની ઑફિસમાં તોડફોડ કરવા પ્રકરણે પોલીસે કેટલાક લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button