નેશનલ

‘I.N.D.I.A ગઠબંધનમાં બધું બરાબર નથી’ સપા-કોંગ્રેસ વિવાદ વચ્ચે ઓમર અબ્દુલ્લાનું નિવેદન

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણી બાબતે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ અંગે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ મોટું નિવેદન આપ્યું હતું. ઓમર અબ્દુલ્લાએ સોમવારે કહ્યું કે વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ની અંદર સ્થિતિ સારી નથી.

ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં મીડિયા સાથે વાત કરતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું, I.N.D.I.A ગઠબંધનમાં બધું બરાબર નથી. કેટલાક આંતરિક વિખવાદ ચાલી રહ્યા છે, જે નજરે દેખાય છે. પણ આવું ન થવું જોઈએ, ખાસ કરીને તે ચાર-પાંચ રાજ્યોમાં જ્યાં ચૂંટણી થઈ રહી છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ બંને કહી રહ્યા છે કે તેઓ યુપીની તમામ સીટો પર ચૂંટણી લડશે. આ ગઠબંધન માટે યોગ્ય નથી. કદાચ આ રાજ્યોની ચૂંટણીઓ પછી અમે ફરી મળીશું અને સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરીશું.

કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાના ભાજપના દાવા અંગે પૂછવામાં આવતા પૂર્વ મુખ્ય પ્રધાન ઓમાર અબ્દુલ્લાએ પૂછ્યું કે જો સ્થિતિ સામાન્ય છે તો જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કેમ નથી થઈ રહી. બહાનું શું છે? ગઈકાલે જ શ્રીનગરમાં એક પોલીસ અધિકારીને ગોળી મારી દેવામાં આવી હતી. હવે, એવું પણ સાંભળ્યું છે કે પુલવામામાં કંઈક થયું છે. અબ્દુલ્લાએ કહ્યું કે રાજૌરી, જે વિસ્તારને અમે આતંકવાદથી મુક્ત કરાવ્યો હતો, ત્યાં દર અઠવાડિયે કે 10 દિવસે એક ઘટના અથવા એન્કાઉન્ટર થાય છે. શું આ સામાન્ય સ્થિતિ છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button