આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
શિંદે અપાત્ર થાય તો વિધાન પરિષદના સભ્ય બનાવાશે: ફડણવીસ
ક સંજય રાઉતે કહ્યું કે શિંદે માટે ઉપાય છે, મરાઠા સમાજ માટે નહીં
ક એકનું પુનર્વસન કરશો બાકીના 39નું શું? જિતેન્દ્ર આવ્હાડનો સવાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કરેલું એક નિવેદન રવિવારે રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. મહારાષ્ટ્રના બે મોટા વિપક્ષી નેતાઓએ ફડણવીસની ટીકા કરી હતી. જોકે, શિંદે જૂથના નેતા શંભુરાજ દેસાઈએ કહ્યું હતું કે બધું કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરીને કરવામાં આવ્યું હોવાથી પ્લાન-બીની આવશ્યકતા જ નથી.
ફડણવીસે એવો દાવો કર્યો હતો કે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા વિધાનસભ્યોની અપાત્રતાની પિટિશન પર જે સુનાવણી થવાની છે તેમાં એકનાથ શિંદે અપાત્ર સિદ્ધ નહીં થાય, પરંતુ જો તેઓ અપાત્ર થશે તો પણ મુખ્ય પ્રધાનપદે ચાલુ રહેશે. પ્લાન-બી હેઠળ તેમને વિધાન પરિષદની સદસ્યતા આપી દેવામાં આવશે. ત્યારબાદ આગામી છ મહિના સુધી તેઓ જ મુખ્ય પ્રધાન રહેશે અને તેમના નેતૃત્વ હેઠળ જ આગામી ચૂંટણી લડવામાં આવશે.
તેમના આ નિવેદનના રવિવારે અપેક્ષિત પડઘા પડ્યા હતા અને શિવસેના (ઉબાઠા) જૂથના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે એકનાથ શિંદે અપાત્ર થાય તો તેમને કેવી રીતે બચાવી લેવા તેનો ઉકેલ ભાજપના નેતાઓ પાસે તૈયાર છે, પરંતુ રાજ્યમાં મનોજ જરાંગેની તબિયત કથળી રહી છે. મરાઠા આરક્ષણના મુદ્દે રાજ્યમાં તંગદિલીભર્યું વાતાવરણ છે તેનો કોઈ ઉકેલ સરકાર પાસે નથી.
જ્યારે એનસીપીના શરદ પવાર જૂથના નેતા અને વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પણ આ મુદ્દે ફડણવીસની અને ભાજપની ટીકા કરતાં કહ્યું હતું કે શિંદે સહિત કુલ 40 જણા સરકારમાં સામેલ થયા હતા. એક વ્યક્તિનું પુનર્વસન વિધાન પરિષદમાં સ્થાન આપીને તમે કરી નાખશો પણ તેની સાથેના બાકીના 39 લોકોનું શું થશે? તેમનું ભવિષ્ય તો તમે ધુળધાણી કરી નાખશો એવા સંકેત મળી રહ્યા છે.
રાહુલ નાર્વેકર તાકીદે દિલ્હી રવાના: તુષાર મહેતાને મળ્યા
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર રવિવારે અચાનક દિલ્હી જવા રવાના થયા હતા અને ત્યાં તેઓ તુષાર મહેતાને મળ્યા હતા.
સુપ્રીમ કોર્ટ દ્વારા અપાત્રતાની પિટિશનની સુનાવણીને લઈને રાહુલ નાર્વેકરની ઝાટકણી કાઢી હતી અને પિટિશનની સુનાવણી માટે તૈયાર કરવામાં આવેલા સમયપત્રકમાં ફેરફાર કરવા જણાવ્યું હતું. રવિવારે તાકીદે દિલ્હી રવાના થતી વખતે રાહુલ નાર્વેકરે એવું જણાવ્યું હતું કે દેશના સોલિસિટર જનરલ તુષાર મહેતાની મુલાકાત લેવા જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સમયપત્રકમાં કેવા પ્રકારના ફેરફાર કરવાના અપેક્ષિત છે તેની જાણકારી મેળવવા જઈ રહ્યા હોવાનો ખુલાસો પણ તેમણે કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે નાર્વેકરે એનસીપીના આઠ વિધાનસભ્યોને નોટિસ પાઠવી છે. 30 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં નાર્વેકરનું નવું સમયપત્રક રજૂ કરવાનું છે. ઉ