વેપાર

ઘઉં, સરસવ તથા ચણાના વાવેતરમાં વધારો,ચોખાના ઉત્પાદનમાં ઘટ પડવા અંદાજ

મુંબઈ : સાનુકૂળ સ્થિતિને પરિણામે વર્તમાન વર્ષના રવી પાકની વાવણીનો પ્રોત્સાહક પ્રારંભ થયો છે. કઠોળ તથા અનાજના ઊંચા ભાવ તથા સાનુકૂળ હવામાનને પગલે ઘઉં, સરસવ તથા ચણાના વાવેતર માટે ખેડૂતો ઉત્સાહી હોવાનું પ્રાપ્ત માહિતી પરથી જણાય છે.
કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે, 27 ઓકટોબર સુધીમાં ઘઉંનું વાવેતર 3.80 લાખ હેકટર વિસ્તાર પર પાડયું છે, જે ગયા વર્ષના ગાળાની સરખામણીએ 80 ટકા વધુ છે. ઘઉં એ મુખ્ય રવી પાક છે.
ઘઉંનું સૌથી વધુ વાવેતર હાલમાં મધ્ય પ્રદેશમાં જોવા મળી રહ્યું છે. દેશના મોટાભાગના રાજ્યોની સરખામણીએ મધ્ય પ્રદેશમાં ઘઉંનું વાવેતર વહેલુ શ થાય છે.
હાલમાં ઘઉંના ઊંચા ભાવ તથા લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને કારણે ખેડૂતો પણ આ વર્ષે ઘઉંનો વધુ પાક લેવા તત્પર છે. આગામી વર્ષમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકારે ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે જેથી ખેડૂતો વધુ પાક લેવા માટે હકારાત્મક રહે. મબલક પાકની સ્થિતિમાં ખાધાખોરાકીનો ફુગાવો નીચે આવી
શકે છે.
ઘઉં ઉપરાંત કઠોળનું વાવેતર પણ ગયા વર્ષની સરખામણીએ 11.33 કા વધુ રહ્યું છે. કઠોળમાં ચણા એ મુખ્ય રવી પાક છે. તેલીબિયાંમાં સરસવની વાવણી 28.40 લાખ હેકટર વિસ્તાર પર પૂરી થઈ છે જે ગયા વર્ષના 27 ઓકટોબર સુધીની સરખામણીએ 15.45 ટકા વધુ છે. વર્તમાન વર્ષની ખરીફ મોસમમાં દેશનું ચોખાનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ 3.79 ટકા નીચુ રહી 10.63 કરોડ ટન રહેવા ધારણાં છે.
ચોખાના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં નબળા વરસાદને પરિણામે 2023-24 (જુલાઈથી જૂન)ના ક્રોપ યરમાં ચોખાના ઉત્પાદન પર અસર જોવા મળી રહી હોવાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. ગઈ મોસમમાં ચોખાનું ઉત્પાદન 11.05 કરોડ ટન રહ્યું હતું.

તેલીબિયાંનું એકંદર ઉત્પાદન ઘટી 2.15 કરોડ ટન રહેવાની ધારણાં છે. શેરડીનું ઉત્પાદન જે ગઈ મોસમમાં 49.05 કરોડ ટન રહ્યું હતું તે વર્તમાન મોસમમાં નોંધપાત્ર ઘટી 43.47 કરોડ ટન રહેવા અંદાજ મૂકવામાં આવ્યો છે જ્યારે કપાસનું ઉત્પાદન 3.66 કરોડ ગાંસડી પરથી ઘટી 3.16 કરોડ ગાંસડી રહેવા ધારણાં છે.

ચોખા, ઘઉંના વાયદા પરનો પ્રતિબંધ લંબાવાયો
મુંબઈ: મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ વિવિધ કૃષિ ચીજોમાં વાયદાના વેપાર પર કોમોડિટી ડેરિવેટીવ સેગ્મેન્ટમાં ટે્રડીંગ પરના પ્રતિબંધને ડિસેમ્બર 2023 સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સેબીએ અગાઉ 19,ડિસેમ્બર 2021ના આદેશથી સ્ટોક એક્સચેન્જો જે કોમોડિટી ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટ ધરાવે છે એમાં અગાઉ એક વર્ષ માટે વિવિધ કોમોડિટીઝમાં ડેરિવેટીવ કોન્ટે્રક્ટસમાં ટે્રડીંગ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
જેમાં ચોખા(બાસમતી સિવાય), ઘઉં, ચણા, સરસવ બિયા અને તેના ડેરિવેટીવ્ઝ (તેના ઘટકો), સોયાબીન અને તેના ડેરિવેટીવ્ઝ (તેના ઘટકો), ક્રુડ પામ ઓઈલ અન મંગનો સમાવેશ છે. સેબીએ 20, ડિસેમ્બર 2021ના શેર બજારોને આદેશ જારી કરીને આ પ્રતિબંધને વધુ એક વર્ષ 20, ડિસેમ્બર 2023 સુધી લંબાવ્યો હતો. હવે ફરી જારી કરાયેલા આદેશથી આ પ્રતિબંધને વધુ એક વર્ષ ડિસેમ્બર 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button