ઈરાની કમાન્ડરની હત્યામાં પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરનું કનેક્શન: રિપોર્ટમાં ખુલાસો

તહેરાન/ઈસ્લામાબાદ: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના ચાલી રહેલા સંઘર્ષમાં પાકિસ્તાને ઈરાનની પીઠમાં ખંજર માર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઈરાનના સૂત્રોના દાવા પ્રમાણે પાકિસ્તાન ઈરાનના સમર્થનના બહાને ઈઝરાયલ અને અમેરિકા સાથે ગુપ્ત રીતે સહયોગ કરી રહ્યું છે. ઈરાની મીડિયા અનુસાર 13 જૂનના રોજ ઈઝરાયલના હુમલામાં માર્યા ગયેલા ઈરાનના ટોચના કમાન્ડર મોહમ્મદ હુસૈન બકરીની હત્યામાં પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરની ભૂમિકા હતી.
ઈરાનને સમર્થનનો ઢોંગ!
ઈરાનનો દાવો છે કે પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરે ઈરાનના ટોચના કમાન્ડરની લોકેશન ઈઝરાયલ અને અમેરિકા સાથે શેર કરી હતી. મે મહિનામાં મુનીરે કમાન્ડર સાથે મુલાકાત કરી અને તેમને એક સ્માર્ટવોચ ભેટ આપી, જેમાં જીપીએસ ટ્રેકર લગાવેલું હતું, જેના દ્વારા ઈઝરાયલે બંકરો પર હુમલો સચોટ હતો.
સ્માર્ટવોચથી આપ્યું કમાન્ડરનું લોકેશન
ઈરાની સૂત્રોનું કહેવું છે કે આ સ્માર્ટવોચના ટ્રેકરે કમાન્ડરની હિલચાલની માહિતી ઈઝરાયલને પૂરી પાડી, જેના કારણે 13 જૂનના હુમલામાં કમાન્ડર સાથે તેના બે ડેપ્યુટી પણ માર્યા ગયા. ઈરાનનો આરોપ છે કે કમાન્ડર સાથેની મુલાકાત બાદ મુનીરે ગુપ્ત રીતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ ચર્ચા કરી હતી. પાકિસ્તાન આ રીતે ઈરાન અને પશ્ચિમી દેશો સાથે ‘ડબલ ગેમ’ રમી રહ્યું છે.
યુદ્ધે ઈરાનના 400 લોકોનો ભોગ લીધો
ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં ઈઝરાયલના હુમલાઓથી ઈરાનમાં 400થી વધુ નાગરિકોનાં મોત થયા છે અને 3,500 લોકો ઘાયલ થયા છે, જેમાં સેનાના ટોચના કમાન્ડર અને પરમાણુ વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે.
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દાવો કર્યો કે ઈરાન ઝડપથી પરમાણુ હથિયારો અને 10,000 બેલિસ્ટિક મિસાઈલો બનાવી રહ્યું છે, જે ઈઝરાયલ માટે ખતરો છે. એ જ કારણથી ઈઝરાયલ ઈરાન પર હુમલો કર્યો હતો. જે લશ્કરી કાર્યવાહી હવે યુદ્ધમાં ફેરવાઈ છે.