ધર્મતેજ

દશેરા એટલે આપણી અંદર રહેલીરાવણરૂપી વૃત્તિઓને જલાવવાનો દિવસ

માનસ મંથન – મોરારિબાપુ

જ્યાં રામ હશે ત્યાં રાવણનું હોવું જરૂરી છે, એના વિના તો રામકથા અધૂરી રહેશે. એટલે કેટલાય ગ્રંથોમાં, વાલ્મીકિજીમાં, અધ્યાત્મમાં, આનંદ રામાયણમાં તથા અન્ય સંસ્કૃત ગ્રંથોમાં, આપણી લોકોક્તિઓ સુધી રાવણનો પ્રભાવ રહ્યો છે. આ પ્રસંગની ભૂમિકામાં તો, `માનસ’ છે, કારણ કે માનસમાંથી જ આ પંક્તિઓ પસંદ કરી છે. ખાસ કરીને માનસની દૃષ્ટિએ રાવણ કોણ છે? એનું દર્શન આપણે સાથે મળીને કરીશું.

શ્રાપથી હંમેશાં અશુભની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, કારણ કે શ્રાપ સ્વયં અશુભ છે. આશીર્વાદથી હંમેશાં શુભની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, કારણ કે આશીર્વાદ સ્વંય શુભ છે. તુલસીદાસજીએ માનસમાં રાવણને જે રૂપે પ્રસ્તુત કર્યો છે એમાં ચાર જગ્યાએ રાવણના પ્રગટ થવાના મૂળમાં શ્રાપ છે. આપ વિચારો કે શું આપણા જીવનમાં પણ એ વાત સાચી નથી લાગતી કે જે અશુભ હોય છે એમાંથી શુભ કેવી રીતે નીકળી શકે? એક તો શ્રાપ અશુભ છે, કારણ કે શ્રાપ ક્રોધમાંથી ઉપન્ન થાય છે અને ભગવાન કૃષ્ણએ ક્રોધને નર્કનું દ્વાર કહ્યું છે. કામને પણ નર્કનું દ્વાર કહેવામાં આવ્યું છે, નરકનો પંથ કહેવામાં આવ્યો છે, પરંતુ ક્રોધ બહુ ભયંકર નર્કનું દ્વાર છે. ક્રોધ અશુભ છે. એમાંથી અશુભ શ્રાપ પ્રગટે છે. અને શ્રાપ રાવણને પ્રગટ કરે છે. નારદજીએ ક્રોધ કર્યો અને શિવના ગણોને શ્રાપ આપ્યો. જય-વિજયને સનતકુમારોએ શ્રાપ આપ્યો અને એ બંને ત્રણ જન્મ સુધી અસુરયોનીમાં આવતા રહ્યા. એમાંથી એક વખત રાવણ બન્યા. રાજા પ્રતાપભાનુની કથાથી આપ સૌ પરિચિત છો કે બ્રાહ્મણોએ તેને જે શ્રાપ આપ્યો તેનું પરિણામ એ આવ્યું કે, પ્રતાપભાનુ રાવણ બન્યો. હું જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે આ શ્રાપ જ્યાં જ્યાં અપાયા છે તે બધા પૂજનીય વ્યક્તિઓ છે. ક્યાંક સતિ છે, ક્યાંક સંત છે, ક્યાંક સનતકુમાર છે તો ક્યાંક વળી વિદ્વાન બ્રાહ્મણ છે. સામાન્ય આદમી ક્રોધ કરે અને શ્રાપ દે તો કદાચ રાવણ પેદા ન પણ થાય, પરંતુ મોટા લોકો જ્યારે ક્રોધ કરે અને એમાંથી જ્યારે અશુભ શ્રાપ નીકળે ત્યારે રાવણ જન્મે છે. હું ગઈકાલે પણ કહેતો હતો કે શ્રાપની વાત મારા હૃદયમાં બેસતી નથી. રહ્યો હશે તે કાળ, પરંતુ હવે સમય બદલી ચુક્યો છે. શ્રાપને છોડવો જોઈએ, શ્રાપની વાતોને ભૂલવી જોઈએ. જે થવું હતું તે થઈ ગયું. યાદ રાખજો રાવણતત્ત્વ કોઈપણ રૂપમાં, ચારેય યુગમાં પ્રગટ થઈ શકે છે. તો, ક્રોધ સદા અશુભને જન્મ આપે છે અને બોધ સદા રામને જન્મ આપે છે. અને કથા એટલા માટે છે કે આપણે ક્રોધમાં સાવધાન રહીએ અને બોધમાં જીવવાનો સંકલ્પ કરીએ. સત્સંગ એટલા માટે છે કે મનુષ્યમાંથી મુનિ બનીએ. આપણે ઘેર પ્રભુ પધારે, એ માટેની એક લાયકાત છે કે ક્રોધ સ્વાભાવિક ન હોય. આપણો ક્રોધ બિલકુલ સ્વાભાવિક થઈ ગયો છે, ને તેથી દોષ છે. અહંકાર સ્વાભાવિક થઈ જાય તો દોષ છે. ક્યારેક તમારે એની આડ લેવી પડે તો ક્ષમ્ય છે. તેથી જ નરસૈયો કહે-

હું કં, હું કં એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જયમ શ્વાન તાણે.
જ્યારે સ્વભાવમાં વણાઈ જાય, ત્યારે એ દોષનું રૂપ ધારણ કરે છે. દોષ દુ:ખ આપે છે. દોષનું પરિણામ છે દુ:ખ, દોષી માણસ દુ:ખ પામે. મને આનંદ છે કે બહુ નાની ઉંમરમાંથી તમે ભાઈ-બહેનો કથામાં ચિ લેતાં થયાં છો, તમે નાની ઉંમરમાંથી ક્રોધ પર બહુ વિવેક સાચવજો, તો મુનિ થતાં વાર નહિ લાગે. આપણે હજી થોડા માણસ, માનવ છીએ, એમાંથી મુનિ થઈ શકીએ. બાપ, ક્રોધ અને બોધનો આ સંઘર્ષ છે!
હું અહીં રાવણને મંડિત કરવા નથી જતો, પરંતુ આ સંસારમાં અશુભથી અશુભ વસ્તુમાંથી પણ શુભ શોધી શકાય છે. વ્યક્તિના રૂપમાં રાવણ ચોક્કસ મૃત્યુ પામ્યો છે અને પ્રતિવર્ષ આપણે દશેરાના દિવસે એને વૃત્તિરૂપે જલાવીએ છીએ. અહીં એ પણ સમજી લો કે, રાવણ શબ્દ ફક્ત પુષોને જ લાગુ નથી પડતો. એ સ્ત્રી પણ હોઈ શકે છે, કારણ કે વૃત્તિ' મહત્ત્વની છે.રામચરિતમાનસ’માં ગોસ્વામીજીની દૃષ્ટિએ રાવણના જીવનને જોઈએ કે રાવણ કોણ છે? રાવણરૂપી દર્પણમાં આપણે પણ સાથે મળીને આપણી જાતને જોવાની કોશિશ કરીએ. તો, આપણા જીવનમાં પણ શુભ પ્રગટી શકે છે. એ બહુ જરૂરી છે કે જીવનમાં કંઈક શુભ હોય, કારણ કે જેના જીવનમાં શુભ હોય છે એના જીવનમાં સદાય લાભન હોય છે.

રાવણમાં એક વાત મને બહુ જ સારી લાગે છે કે, તે પોતાના જીવનમાં ક્યારેય ક્યાંય પણ ફરિયાદ નથી કરતો. એના જીવનમાં ફરિયાદ નથી. તે પોતાના બાહુબળે ચાલે છે. તે તપ કરે છે, વરદાન મેળવે છે, જે જે કરે છે એ બધાનો સ્વીકાર કરે છે, ફરિયાદ કરતો નથી. હું પહેલાં મારાથી શરૂ કં, કથા સાંભળતાં સાંભળતાં આ એક ગુણ આપણામાં આવે. આપણું મન કેટલી બધી ફરિયાદોથી ભરેલું હોય છે! દરેક વાતમાં તકલીફ, દરેક વાતમાં કોઈના કોઈ મુદ્દે ફરિયાદ. મારા ભાઈ-બહેનો, મેં અનેકવાર કહ્યું છે કે ફરિયાદથી ભરેલું ચિત્ત ક્યારેય રસ્તા પર સરખી રીતે ચાલી શકતું નથી.

બીજા શબ્દોમાં કહું તો ફરિયાદી ચિત્ત ક્યારેય અધ્યાત્મની યાત્રા નથી કરી શકતું. અધ્યાત્મ છોડો, જીવનની સંસાર યાત્રામાં પણ મુશ્કેલી આવે છે, જો ચિત્ત ફરિયાદોથી ભરેલું હશે તો. જો હું રાવણ' શબ્દને તોડું તો, કહી શકું કે, રાવણનો અર્થ જ છેરાવ’+ન'. જેના જીવનમાં રાવ ન હોય તેનું નામ રાવણ. જે રીતે અષ્ટાવક્ર પાસેથી જનક બોધ કબૂલ કરે છે તેવી રીતેમાનસ’ના રાવણ પાસેથી આપણે આપણા માનસની ફરિયાદોને દૂર કરીએ, કારણ કે ફરિયાદોને લીધે ખબર નહીં કેવી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. પૂરી લંકા પ્રગટ થાય છે અને પછી કોઈ હનુમાને આવીને તેને જલાવવી પડે છે. “जिन्ह खोजा तिन्ह पाइया गहरे पानी पैठ।” તો, આ રાવણ' બહુ પ્યાં નામ છે, બું નામ નથી. બાપ, શુભ શોધો. માનસની બે પંક્તિઓની વચ્ચેની ખાલી જગ્યામાં જે શોધશે તેને શુભ મળશે, કારણ કે રામાયણનો એક માત્ર ધ્યેય છે-‘प्रेमाम्बुपूरं शुभम्।’

  • સંકલન : જયદેવ માંકડ ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button