ઉત્સવ

આજે આટલું જ : બિલકુલ ખાનગી વાત (2)

-શોભિત દેસાઈ

અહીં ‘આજે આટલું જ’માં જ્યારે આપણે બિલકુલ ખાનગી વાતનો આટલો બહોળો વેપાર પાથરીને બેઠા છીએ ત્યારે મને મારા બરકત વિરાણી ‘બેફામ’ શેઠનો એવો શેર યાદ આવે છે, જે તમે ગઝલ નીચે લખેલું નામ જો ન વાંચો તો તમને ‘મરીઝ’નો જ લાગે એવો આ બન્ને સમકાલીનો વચ્ચે સર્જનાત્મક ભાઈચારો…

જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી
કરી છે ખાનગીમાં જેણે જેણે દુર્દશા મારી

ભાઈચારો તો ખરો જ ખરો, આદરભાવ કેવડો! 74માં હું બરકતભાઈને અઈંછ પર મળ્યો અને ત્રીજી મુલાકાતમાં મેં કહ્યું: ‘બરકતભાઈ! આ ‘મરીઝ’ બધાને બહુ ગમે છે, મને નથી ગમતા’ બરકતભાઈ તરત બોલ્યા: ‘કારણ તારી અણસમજ…’ જેમ જેમ તારામાં સમજ આવતી જશે એમ એમ તને સમજાશે કે ‘મરીઝ’ કોણ છે. એક મુશાયરાનું સંચાલન મેં કર્યું હતું અને ‘મરીઝ’ને રજૂ કરતાં મેં કહ્યું હતું કે ‘તમે બધાએ અત્યાર સુધી અમને સાંભળ્યા. હવે સાંભળો એ શાયરને જેને સાંભળવા અમે આવ્યા છીએ-‘મરીઝ’.

ગુજરાતી મુશાયરાની કથા જો કોઈ પણ રજૂ કરી શકે તો આપના આજ્ઞાંકિત સિવાય બીજું કોઈ નહીં, મેં બરકત પેઢી-આદિલ પેઢી-કૈલાસ પેઢી-અદમ પેઢી-શોભિત પેઢી અને એ પછીની બીજી ત્રણ પેઢી સાથે કામ કર્યું છે એટલે…
તો આજની આપણી ખાનગી વાત આગળ વધારીએ તો ‘મરીઝ’ અને ‘ગની’ના ગુરુવર્ય અમીન આઝાદને આમંત્રણ આપીએ. અમીન આઝાદ વિષે એક જ સુક્તિ કે ખાનદાનીનું બીજું નામ અમીન આઝાદ. એ બાદ આજે પધારશે મિર્ઝા અસદ્ઉલ્લાહ ખાં ‘ગાલિબ’ અને જોઈએ બીજા કોણ આવે છે… હા યાદ આવ્યું. આજે ‘બેફામ’ને જ બોલાવીએ…

જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ

અમીન આઝાદને અર્પણ
રાત ચાલી ગઈ

હતી અંધારપટથી ખૂબ ભારે રાત, ચાલી ગઈ
ઉજાગર આગિયાઓના પ્રચારે રાત ચાલી ગઈ

અમે ધાર્યું હતું, ખીંટી ઉપર લટકાવી દઈએ લાજ…
અમે ધારી હતી એથી વધારે રાત ચાલી ગઈ

બહુ સુંદર સમય ચાલી ગયો બસ જોતજોતામાં
પલકને પણ ખબર ના થઈ કે ક્યારે રાત ચાલી ગઈ

મહામૂલા તિમિરનાં વસ્ત્ર જે પહેરીને મહાલ્યો’તો!
હું નિર્ધન થઈ ગયો પૂરો, સવારે રાત ચાલી ગઈ!

અમે એક જ મથામણમાં રહ્યા કાયમ કે વીતશે કેમ?
અને બસ આપના એક જ ઈશારે રાત ચાલી ગઈ!!!

ખુદા! તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

બરકત વીરાણી ‘બેફામ’ને અર્પણ
સારી નથી હોતી

નકામી, ફોક મુક્તિની મજા સારી નથી હોતી
ન થઈ હો, પણ ઊભી હો, એ સજા સારી નથી હોતી

કરી દાવા અને આપી પુરાવા સ્વાવલંબનના
હંમેશાં માગતી રહેતી પ્રજા સારી નથી હોતી

પરોણાગત મળે નિર્મોહી, મીઠ્ઠો આવકારો હો
વધુ પડતી એ ઘરમાં આવજા સારી નથી હોતી

છે એનો ધર્મ, પાછો પ્રાણ પુરવાનો અચેતનમાં
પવન હો તો જ ફરફરતી ધજા સારી નથી હોતી

હજી પણ ઘૂઘવે, અફળાય, ઊછળે, ખળભળે દરિયો
દુભાયેલાં હલેસાંની રજા સારી નથી હોતી

મુફ્ત કી પિતે થે મય લેકિન સમઝતે થે કી હાં
રંગ લાયેગી હમારી ફાકામસ્તી એક દિન

મિર્ઝા અસદ્ઉલ્લાહ ખાં ‘ગાલિબ’ને અર્પણ
ફાકામસ્તી એક દિન

જિંદગી મોંઘી, થવાની સાવ સસ્તી એક દિન
રહી જવાની સૌ અભિલાષા તરસતી એક દિન

પાણીને બદલે મળું અજવાસને અવકાશમાં
જોઈ છે મેં વીજળી એવી વરસતી એક દિન

ધુમ્મસી ચહેરો ખરેખર ઓળખાયો આખરે
આયખાની કામ આવી બૂતપરસ્તી એક દિન

આભ-જળ-વાયુ-ધરા-અગ્નિ છૂટાં પાડી શકાય
એક ક્ષણ આવી ચઢી, લઈ એવી મસ્તી એક દિન

ફક્ત પરપોટો બની જીવ્યા અમે, ચાલી જશું
‘રંગ લાયેગી હમારી ફાકામસ્તી એક દિન’

આજે એટલું જ

આપણ વાંચો : આજે આટલું જ : અતિ માહિતીનું અદોદળાપણું અત્યંત ઘાતક…2

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button