એવું તો શું થયું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની તેમનાં જન્મદિવસને દિવસે આંખો ભીની થઈ ગઈ?

નવી દિલ્હીઃ બાળકોના નિર્દોશપણામાં હંમેશાં એવી તાકાત હોય છે કે તે તમને રડાવી શકે અને હસાવી પણ શકે. તેમની જીદ, કે તોફાન કે પ્રેમ જે હોય તે કોઈના પણ હૃદયને સ્પર્શી જાય તો પછી રાષ્ટ્રપતિ તેમાંથી બાકાત કેમ રહે?
આદિવાસી સમાજમાંથી આવેલા પહેલા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો આજે 67મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના મહાનુભાવોએ તેમને વધામણાં આપ્યા હતા. મોદીએ તેમને કરોડો લોકોના પ્રેરણાસ્તોત્ર કહ્યા હતા જ્યારે રાહુલે તેમની સ્વસ્થ આયુષ્ય માટેની શુભેચ્છા આપી હતી.
આ પણ વાંચો - આ કારણે ભાજપ-આરએસએસ કરે છે અંગ્રેજીનો વિરોધઃ રાહુલ ગાંધીનો પલટવાર…
વાયરલ વીડિયોમાં કેમ રડી રહ્યા છે રાષ્ટ્રપતિ?
મુર્મૂએ આ દિવસ દહેરાદુન ખાતેની રાષ્ટ્રીય દૃષ્ટિ દિવ્યાંગજન સશક્તિકરણ સંસ્થાનના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ઉત્તરાખંડના વડા પ્રધાન પુષ્કર ધામી સહિતના મહાનુભાવો હાજર હતા. આ દરમિયાન અહીંના દિવ્યાગ બાળકોએ રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભેચ્છા આપતું ગીત બાર બાર દિન યે આયે, બાર બાર દિલ યે ગાયે…ગાયું. તેમના મીઠા, પ્રેમભર્યા અવાજમાં આ ગીત સાંભળી રાષ્ટ્રપતિ ભાવુક થઈ ગયા હતા. તેઓ ગદગદ થયા અને તેમણે પોતાના હાથે અને પછી પાલવથી આસું લૂછ્યા તે સમયનો વીડિયો વાયરલ થયો છે. મુર્મૂ ખૂબ જ સામાન્ય પરિવારમાં ઉછર્યા હોવાથી તેને સાડીના છેડેથી જ આસું લૂછવાની આદત હોય તે સ્વાભાવિક છે. બાદમાં તેમની સાથે ઊભેલા બોડીગાર્ડ તેમને ટીસ્યુ પેપર આપતા હોવાનું વીડિયોમાં દેખાય છે.