પંજા અને આરજેડીએ બિહારના ‘આત્મસન્માન’ને ઠેસ પહોંચાડીઃ PM મોદીએ બિહારમાં વિપક્ષોની કાઢી ઝાટકણી…

સીવાન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સિવાનમાં પોતાના ભાષણમાં એનડીએ પહેલાના શાસનકાળમાં જંગલરાજ મુદ્દે કોંગ્રેસ અને આરજેડીને જોરદાર ઝાટકણી કાઢી. બિહારમાં લોકોએ જંગલરાજનો સફાયો કર્યો છે.
બિહારમાં આગામી ચાર મહિનામાં વિધાનસભા ચૂંટણીઓ પહેલાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 20 જૂન સીવાનમાં જનસભા સંબોધી. તેમણે બિહારના ઝડપી વિકાસની પ્રશંસા કરી અને રાજ્યની વૈશ્વિક પ્રગતિમાં મહત્વની ભૂમિકા હોવાનું પણ જણાવ્યું. આ સાથે, તેમણે 5736 કરોડની 22 વિકાસ કાર્યોની બિહારને ભેટ પણ આપી હતી, જેમાં PM આવાસ યોજના અને નમામી ગંગે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
જંગલરાજ અને લાલટેનના શાસને ગૌરવ ઘટાડ્યું
બિહાર વિધાનસભાની ચૂંટણીને ચાર મહિના બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. આજે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સીવાનના જસૌલી ગામે હેલિકોપ્ટરથી પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે ખુલ્લી જીપમાં સવાર થઈ જનસભાના સ્થળે પ્રવેશ કર્યો હતો. તેમની સાથે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી હાજર હતા.
PM નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે બિહારે સદીઓ સુધી ભારતની પ્રગતિને દિશા આપી હતી, પરંતુ જંગલરાજ અને લાલટેનના શાસને બિહારનું ગૌરવ ઘટાડ્યું હતું. તેમણે NDA સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હોવાનો દાવો કર્યો હતો.

બિહારને મળી વિકાસ કાર્યોની ભેટ
PM મોદીએ પીએમ આવાસ યોજના હેઠળ 53,666 લાભાર્થીઓને 536 કરોડની પ્રથમ હપ્તાની રકમ ટ્રાન્સફર કરી અને 6,684 ગરીબ પરિવારોને પાકા મકાનોની ચાવી સોંપી હતી. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 11 અને નમામી ગંગે મિશનના 4 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કર્યું, જેના પર અંદાજે 2,997 કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત, પાટલીપુત્ર-ગોરખપુર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી પણ દેખાડી આ સાથે વૈશાલી-દેવરિયા રેલ લાઈનની શરૂઆત કરવામાં આવી.

20 દિવસોમાં PM મોદી બિહારના બીજા પ્રવાસે
આરજેડીના નેતા તેજસ્વી યાદવે મોદીના પ્રવાસ પર કટાક્ષ કરતાં કહ્યું કે પીએમ “જંગલરાજની સ્ક્રિપ્ટ” ફરીથી સંભળાવશે. ઉલ્લેખનીય છે કે PMનો બિહારમાં છ મહિનામાં ચોથો અને 20 દિવસમાં બીજો પ્રવાસ છે. જણાવી દઈએ કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી બિહાર પછી ઓડિશા અને આંધ્રપ્રદેશના પ્રવાસે જશે, જ્યાં તેઓ વિકાસ યોજનાઓ અને યોગ દિવસના કાર્યક્રમોમાં ભાગ લેશે.