નેશનલ

પ્રેમીના ઘરે પત્નીને જોઈને પતિ વિફર્યો, નાક પર એવું બચકું ભર્યું કે જોવા જેવી થઈ

હરદોઈ: પતિને અન્ય સ્ત્રી સાથે જોઈને પત્ની આક્રમક થયાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના હરદોઈમાં પત્નીને અન્ય પુરૂષ સાથે જોઈને પતિ વિફર્યો હોવાની ઘટના સામે આવી છે. પત્નીને તેના પ્રેમી સાથે જોઈને પતિ એવો વિફર્યો કે તેણે બચકું ભરીને પત્નીનું નાક જ કાપી લીધું હતું.

પતિથી રિસાઈને પ્રેમીના ઘરે પહોંચી ગઈ પત્ની

હરદોઈ જિલ્લાના હરિયાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવરિયા પ્રસિદ્ધ નગર નામનું ગામ આવેલું છે. જ્યાં રામખેલાવન પોતાની પત્ની પૂજા દેવી સાથે રહેતો હતો. રામખેલાવનની પત્નીનું તેના પિયરના સુશીલ કુમાર સાથે છેલ્લા દસ વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. રામખેલાવનને પત્નીના આ સંબંધ વિશે જાણ થઈ હતી. તેણે પૂજાદેવીને સુશીલ સાથે વાતચીત કરવાની ના પાડી હતી.

પતિ રામખેલાવનની રોકટોકથી પત્ની પૂજાદેવી રિસાઈ ગઈ હતી અને પ્રેમી સુશીલને મળવા ગત બુધવારે પોતાના પિયર ચાલી ગઈ હતી. આ વાતની જાણ થતા રામખેલાવન પણ તેની પાછળ ચાલ્યો ગયો હતો. રામખેલાવને પૂજાદેવીને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો અને ઘરે પાછા આવવા માટે કહ્યું હતું. પરંતુ તેણે ઘરે આવવાની ના પાડી દીધી હતી. જેથી રામખેલાવનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.

રામખેલાવને પત્નીનું નાક કાપી લીધું

ગુસ્સે થયેલો રામખેલાવન પત્ની પૂજાદેવી પર એવો વિફર્યો કે તેણે પોતાની દાંત વડે તેને જોરથી બચકું ભરી લીધું હતું. જેથી તેનું નાક કપાઈને અલગ પડી ગયું હતું. પૂજાદેવીની હાલત એટલી ગંભીર થઈ ગઈ હતી કે તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. સારવાર લીધા બાદ પૂજાદેવીના નાક પર પાટાપીંડી કરવામાં આવી હતી. પ્રેમી સુશીલ કુમાર અને પૂજાદેવી તેનું કપાયેલું નાક લઈને હરિયાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને રામખેલાવન સામે ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, રામખેલાવન અને પૂજાને બે સંતાન પણ છે. દસ મહિના પહેલા પૂજાને સુશીલ કુમાર નામના તેના પિયરના વ્યક્તિ સાથે પ્રેમ થયો હતો. પ્રેમસંબંધની જાણ થતા રામખેલાવન પૂજાને મારી નાખવાની ધમકી આપતો હતો. જેનાથી રિસાઈને પૂજા પોતાના પ્રેમીના ઘરે આવી ગઈ હતી. એવું પૂજાદેવીએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું હતું. પૂજાદેવીની ફરિયાદના આધારે હરિયાવા પોલીસે રામખેલાવનની ધરપકડ કરી લીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button