એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : ટ્રમ્પ-મુનિરની મુલાકાત ભારત માટે સારો સંકેત નથી

-ભરત ભારદ્વાજ

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનિરને વ્હાઈટ હાઉસમાં બોલાવીને જમાડ્યા અને બંને વચ્ચે બંધ દરવાજા પાછળ મુલાકાત થઈ એ ઘટનાએ વૈશ્વિક સ્તરે ખાસ્સી ચર્ચા જગાવી છે. અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો વણસેલા છે ત્યારે અચાનક જ પાકિસ્તાનને અમેરિકા થાબડભાણાં કરવા માંડ્યું તેનું કારણ શું છે એ મુદ્દો ચર્ચામાં છે. આ પહેલાં 2001માં જનરલ પરવેઝ મુશર્રફ અમેરિકન રાષ્ટ્રપતિને મળેલા છેલ્લા પાકિસ્તાની લશ્કરી વડા હતા. મુશર્રફ એ વખતે પાકિસ્તાનના પ્રમુખ પણ હતા જ્યારે મુનિર પાકિસ્તાનના પ્રમુખ નથી છતાં ટ્રમ્પે તેમને નોંતર્યા એ મોટી વાત છે.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાન ઈરાનને પડખે ઊભું રહેશે અને ઈઝરાયલ સામેના યુદ્ધમાં સામેલ થશે એવી જોરદાર અટકળો ચાલી રહી છે ત્યારે જ આ બેઠક થઈ છે. તેના કારણે બંને વચ્ચેની મુલાકાતને ઈઝરાયલ-ઈરાન સાથે જોડવામાં આવી રહી છે. એક શક્યતા એવી વ્યક્ત થઈ રહી છે કે, અમેરિકા પોતાને નહીં ગાંઠતા ઈરાનને ઠેકાણે પાડી દેવા માટે પાકિસ્તાનને ફરી પોતાના પડખામાં લઈ રહ્યું છે. ઈરાન અને પાકિસ્તાન પાડોશીઓ છે તેથી અમેરિકા પાકિસ્તાનમાં પગદંડો જમાવીને ઈરાનને પતાવી દેવા માગે છે.

બીજી વાત એવી પણ છે કે, ઈરાનના પરમાણુ રીએક્ટર્સનો ખાતમો કરીને પરમાણુ કાર્યક્રમને રોક્યા પછી કાયમ માટે ઈરાનના પરમાણુ કાર્યક્રમને તાળાં વાગી જાય એટલા માટે અમેરિકા ઈરાનની પરમાણુ બોમ્બ માટેની સામગ્રી પાકિસ્તાનમાં ખસેડવા માગે છે. ઈરાનના પાડોશી એવા અફઘાનિસ્તાન સહિતના બીજા દેશો સાથે પણ અમેરિકાને સારા સંબંધો છે પણ અમેરિકા તેમના પર ભરોસો કરી શકે તેમ નથી. પાકિસ્તાન પોતે પહેલા જ પરમાણુ રાષ્ટ્ર છે તેથી તેને ત્યાં પરમાણુ સામગ્રી મૂકીને અમેરિકાએ કશું ગુમાવવાનું નથી.

ત્રીજી એવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે કે, પાકિસ્તાન ચીનના ખોળામાં જઈને બેઠું છે અને પાકિસ્તાનમાં થઈને ચીન પોતાનો વન રોડ વન બેલ્ટ પ્રોજેક્ટ પાર પાડી રહ્યું છે. અમેરિકા પાકિસ્તાન અને ચીન વચ્ચે ફાચર મારવા માગે છે કે જેથી ચીનનો આ પ્રોજેક્ટ લટકી જાય.

આ પ્રોજેક્ટના જોરે ચીન વિશ્વમાં કોઈ પણ ઠેકાણે સરળતાથી પોતાનો માલ મોકલી શકશે તેથી ચીનની આર્થિક તાકાત વધશે. અમેરિકાને ચીન કે દુનિયાનો બીજો કોઈ પણ દેશ આર્થિક રીતે તાકાતવર બનીને પોતાની સામે પડકાર ઊભો કરે એ પસંદ નથી તેથી પાકિસ્તાનની મદદથી ચીનને ફટકો મારવા માગે છે.

ટ્રમ્પે મુનિરને લંચ માટે નોતર્યાં તેની પાછળનું સાચું કારણ શું એ આપણને ખબર નથી પણ પાકિસ્તાન અને અમેરિકા પાછાં નજીક આવે એ ભારત માટે કોઈ રીતે સારું નથી એ હકીકત છે. એક સમયે પાકિસ્તાન અમેરિકાનું બગલબચ્ચું હતું. આતંકવાદ સામેની લડતમાં પાકિસ્તાન તરફથી મળી રહેલા કહેવાતા સહકારનાં વખાણ કરીને પાકિસ્તાનનાં ઓવારણાં લેતાં અમેરિકા થાકતું નહોતું પણ આતંકવાદી ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં જ છુપાયેલો મળ્યો તેમાં પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયા સામે છતો થઈ ગયેલો.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર:મસ્કને ટ્રમ્પના સેક્સ ક્રાઈમ અચાનક કેમ યાદ આવ્યા?

અમેરિકાએ એ પછી પાકિસ્તાન સાથેના સંબંધો ઘટાડી નાખ્યા પણ એ પહેલાં પાકિસ્તાન લશ્કરે અમેરિકાનો ભરપૂર લાભ લીધેલો. આતંકવાદ સામે લડવાના બહાને અમેરિકા તરફથી મળતી મદદનો ઉપયોગ આતંકવાદને પોષવા માટે જ થતો હતો. અમેરિકા પાકિસ્તાનને ફરી પડખામાં લે તો પાછો એ જ ધંધો શરૂ થઈ જાય ને ભારત માટે ખરાબ દિવસો આવી જાય.
ભિખારી થઈ ગયેલું પાકિસ્તાન અત્યારે જ આપણને કનડવામાં કોઈ કસર છોડતું નથી તો અમેરિકા તેની સાથે હોય તો ફાટીને જાય એ જોતાં મુનિર અને ટ્રમ્પનો ભરત મિલાપ ભારત માટે સારાં એંધાણ નથી.

ટ્રમ્પ અને મુનિર બંને એકબીજાનાં વખાણ કરી રહ્યા છે અને તેના કારણે જાણે મળતા હોય એવું ચિત્ર ઊભું કરવા મથી રહ્યા છે પણ હકીકત કંઈક અલગ જ છે. મુનિરને મળતા પહેલાં ટ્રમ્પે મીડિયા સાથે વાત કરી ત્યારે કહેલું કે, મેં મુનિરને બોલાવ્યા છે કારણ કે હું ભારત સાથે યુદ્ધ ન કરવા બદલ તેમનો આભાર માનવા માગું છું. હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માનવા માગુ છું કે જેઓ થોડા દિવસ પહેલા અહીંથી રવાના થયા હતા.

મુનિરને મળ્યા પછી ટ્રમ્પે એ જ રેકર્ડ દોહરાવીન વ્હાઇટ હાઉસના લોનમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, આ માણસે પાકિસ્તાન તરફથી ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સામે મુનિર પણ ટ્રમ્પના ભારત-પાકિસ્તાન યુદ્ધ પોતે રોકાવ્યું હોવાના જૂઠાણામાં સૂર પુરાવી રહ્યા છે ને ટ્રમ્પને શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ મળવું જોઈએ એવી વાતો કરી રહ્યા છે. આડકતરી રીતે ટ્રમ્પ અને મુનિર બંને ભારતને ખોટું સાબિત કરીને એકબીજાના એજન્ડાને આગળ ધપાવી રહ્યા છે.
આ વાતો કરવા માટે બંને લંચ પર મળ્યા હોય એ વાતમાં માલ નથી કેમ કે ટ્રમ્પ અને મુનિરની મીટિંગ બંધ રૂમમાં થઈ હતી અને આ બેઠકમાં શું રંધાયું તેની સત્તાવાર રીતે કોઈ માહિતી અપાઈ નથી. ભારત માટે ચિંતાનો એક વિષય આ પણ છે. ટ્રમ્પ અને મુનિર વચ્ચેની ચર્ચાની વાતો અમેરિકાની સરકારના થોડાક લોકો પૂરતી મર્યાદિત રાખવામાં આવી છે. બંને વચ્ચે ખાનગી રાખવા જેવી શું વાતો થઈ તેની એ બંનેને જ ખબર પણ ભારત માટે આ શુભ સંકેત જરાય નથી.

ટ્રમ્પ અને મુનિર વચ્ચેની મુલાકાતના બીજા પણ કેટલાક સૂચિતાર્થ છે ને એ પણ સમજવા જરૂરી છે. મુનીરે મંગળવારે વોશિંગ્ટનમાં પાકિસ્તાની સમુદાયનાં લોકોને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, ભારત પહલગામ હુમલા માટે પાકિસ્તાનને દોષિત ગણાવીને હુમલા કરી રહ્યા છે અને સરહદી કરારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અમે શહીદી વહોરી લઈશું પણ અપમાન સહન નહીં કરીએ.

મુનિર અમેરિકાની ધરતી પર ઊભા રહીને ભારતને બેફામ બોલે છે ને ટ્રમ્પ સરકાર ચૂપ છે એ પણ સૂચક છે. બીજું એ કે, પાકિસ્તાનના લશ્કરી શાસક મુનિરને મળીને રાષ્ટ્રપતિ ટ્રમ્પે આડકતરી રીતે સંકેત આપી દીધો છે કે, પાકિસ્તાનના વડા પ્રધાનપદે ભલે શાહબાઝ શરીફ હોય પણ વાસ્તવિક શાસક મુનિર છે. મુનિર ભારત વિરોધી માનસિકતા ધરાવે છે અને ટ્રમ્પ તેમને થાબડીને ભારતનું ભલું નથી જ કરી રહ્યા એ કહેવાની જરૂર નથી.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: અમેરિકા-ચીન વ્યાપાર કરાર, ટ્રમ્પને નમ્યા વિના છૂટકો નથી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button