
ગાંધીનગરઃ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે. ગુરૂવારે સવારે 96 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. ગઈ કાલે વલસાડ જિલ્લામાં ખાસ કરીને વાપીમાં સૌથી વધારે 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ચોમાસુ શરૂ થતા જ ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. વરસાદના કારણે રાજ્યમાં કુલ 1060 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે સાથે વરસાદ પ્રભાવિક વિસ્તારમાંથી કુલ 189 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર સહિત ચાર જિલ્લામાંથી 189નું રેસ્ક્યુ કરાયું
વધારે વિગતે વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ છે, આ સાથે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. જેથી ભાવનગરમાંથી 89 લોકો, અમરેલીમાંથી 69 લોકો, બોટાદમાંથી 24 લોકો, ગાંધીનગરમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે ભાવનગરમાંથી 729 લોકો, સુરેન્દ્રનગરમાંથી 117, બોટાદમાંથી 117 અને અમરેલીમાંથી 80 લોકોનું સ્થાળંતર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વરસાદના કારણે અનેક લોકો વધારે હેરાન ના થાય તે માટે તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં છે.
આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી
વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રોડ પણ ખોટવાયા છે. જેના કારણે પરિવહન પર અસર થઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાવનગરમાં કુલ 60 અને વલસાડમાં કુલ 49 રસ્તા વરસાદને પગલે બંધ કરી દેવામાં આવ્યાં હતાં. આજની વાત કરવામાં આવે તો, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સાથે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે. સાત દિવસ સુધી ગુજરાતમાં સર્વત્ર ભારે વરસાદ ખાબકી શકે છે.
આ પણ વાંચો…સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષાઃ ભાદર, ન્યારી-1, લાલપરી સહિત 15 ડેમોમાં નવા નીરની આવક યથાવત