ફિલ્મરસિયાઓનું મોઢું મીઠું કરાવવા આવી રહી છે ‘જલેબી રોક્સ’

મુંબઈઃ ગુજરાતી ફિલ્મરસિયાઓ માટે શુક્રવાર 27મી જૂનનો દિવસ ખૂબ જ મહત્ત્વનો રહેશે કારણ કે આ જ દિવસે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મ જલેબી રોક્સ. હાલમાં જ આ ફિલ્મની સ્ટાર કાસ્ટે ‘મુંબઈ સમાચાર’ સાથે પોતાની આ ફિલ્મ વિશે વાત કરી હતી. આવો જોઈએ શું કહ્યું ટીમની કાસ્ટે…
ફિલ્મની કાસ્ટ સાથે વાત કરીએ એ પહેલાં વાત કરીએ ફિલ્મના પ્લોટ વિશે. જલેબી રોક્સ ફિલ્મ 48 વર્ષીય વિદ્યા પાઠક નામની ગૃહિણી પર આધારિત છે. આ ફિલ્મ એ ફેમિલી સાથે બેસીને જોઈ શકાય એવી ઈમોશનલ અને ઈન્સપિરેશન આપતી ફિલ્મ છે. આ ફિલ્મમાં મેકર્સે મહિલાઓની અડગતા, આત્મસન્માન અને ધૈર્યને સેલિબ્રેટ કરવાનો પ્રયાસ કર્યો છે કે જે પોતાની ઉંમર અને પરિસ્થિતિમાં બંધાઈને રહેવાનું નકારે છે. આ ફિલ્મ એક એવી મહિલાની વાર્તા છે જે પોતાના સપનાને સાકાર કરવા અને જીવનને અર્થસભર બનાવવા ક્યારેય મોડું નથી થતું એવો સંદેશો આપે છે.

‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતાં દિગ્ગજ અભિનેત્રી વંદના પાઠકે જણાવ્યું હતું કે નામની જેમ જ ફિલ્મ પણ એકદમ હટકે છે અને એના કેરેક્ટરનું નામ જલેબી છે કારણ કે તેને જલેબી ખૂબ જ પસંદ છે. જલેબી ખાવા માટે ફિલ્મની હીરોઈને ક્યારેય રાહ નથી જોઈ શકતી. ખુશ હોય તો જલેબી ખાય, દુઃખી હોય તો પણ જલેબી ખાય. આ ફિલ્મ 40થી 45 વર્ષની મહિલા પર આધારિત છે, જે બીજા કોઈ પાસેથી આદરની અપેક્ષા રાખવા કરતાં પણ પોતે જ પોતાનો આદર કરવા માંગે છે. અહીંથી તેની પોતાની જાતને શોધવાની સફર શરૂ થાય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ફિલ્મમાં હું જે મહિલાનો રોલ કરી રહી છું એ તો મૂળ ગુજરાતના વડોદરાની છે પણ પરણીને તે ચંડીગઢ શિફ્ટ થઈ છે, જેને કારણે ફિલ્મનું થોડું શૂટિંગ પંજાબમાં પણ થયું છે. આ આઉટડોર શૂટમાં અમે લોકોએ ખૂબ જ મોજ-મસ્તી કરી છે. પેકઅપ થાય એટલે તરત જ અમે લોકો શોપિંગ પર ઉપડી જતા અને સવાર-સાંજ લસ્સીઓ પર લસ્સી પીતા હતા.
જલેબી રોક્સમાં જ મુન્ની નામનું કેરેક્ટર નિભાવી રહેલી અભિનેત્રી માનસી રાચ્છે પોતાના કેરેક્ટર વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મુન્ની વંદનાની કઝીન છે. આ ફિલ્મમાં લગ્ન બાદ એક મહિલાનું જીવન કઈ રીતે બદલાઈ જાય છે એ દર્શાવવામાં આવ્યું છે. લગ્ન પહેલાં પિયરમાં છોકરી રાતે મોડી પાછી આવે તો ચાલી જાય પણ લગ્ન બાદ એની જવાબદારીઓ વધી જાય છે. પરંતુ આ બધા વચ્ચે પણ મુન્ની કઈ રીતે પોતાની કઝિનની લાઈફથી પ્રેરાય છે એ જોવાની દર્શકોને ચોક્કસ મજા આવશે.
ફિલ્મના પ્રોડ્યુસર બિનીતા શાહએ આ ફિલ્મથી તમે લોકો સુધી શું મેસેજ પહોંચાડવા માંગો છો એનો જવાબ આપતા કહ્યું હતું કે એક મહિલા તેના જીવનમાં વિવિધ તબક્કામાંથી પસાર થાય છે. બટ ઇટ ઈઝ એન અનટોલ્ડ સફરિંગ વિચ ઇઝ ટોલ્ડ ઇન અવેરનેસ. આનો ઉકેલ એ છે કે મહિલાઓએ પોતાની જાતને શોધવી જોઈએ, પોતાના સપનાંઓને જીવવા જોઈએ.

ડિરેક્ટર ચિન્મય પુરોહિતે જણાવ્યું કે ગુજરાતી ફિલ્મો અને તેનો દર્શકવર્ગ બદલાઈ રહ્યો છે. નવા નવા કન્સેપ્ટ આવી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને 2025માં તો અનેક સારી ગુજરાતી ફિલ્મો આવી રહી છે. નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે, જેને દર્શકો પસંદ કરી રહ્યા છે. બજેટની વાત કરીએ હિંદી ફિલ્મો જેટલા પૈસા ગુજરાતી ફિલ્મોમાં નથી ખર્ચાતા. જલેબી રોક્સ ફિલ્મ પરિવારના દરેક સભ્ય માટે છે. આ ફિલ્મથી જો ભારતીય પરિવારોમાં થોડું પણ પરિવર્તન આવશે, એક પણ મહિલા પોતાની શોધમાં નીકળશે તો એ જ અમારા માટે સૌથી મોટી સફળતા છે.