ઇન્ટરનેશનલ

ઈરાને ઇઝરાયેલની હોસ્પિટલ અને સ્ટોક એક્ષચેન્જ પર હુમલો કર્યો! ઇઝરાયલે ખામેનીની હત્યાની ચેતવણી આપી

તેવ અવિવ: એક અઠવાડિયા પહેલા ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શરુ થયેલું યુદ્ધ દિવસેને દિવસે વધુ ભીષણ બની (Israel-Iran War) રહ્યું છે. બંને દેશો એક બીજા પર મિસાઈલ છોડી રહ્યા છે, એવામાં ઇઝરાયલે આરોપ લગાવ્યો છે કે ઈરાને ઇઝરાયેલની એક હોસ્પિટલ પર મિસાઈલ (Attack on Israel Hospital) છોડી હતી. આ ઉપરાંત તેવ અવિવમાં સ્ટોક એક્ષચેન્જ પર પણ ઈરાની મિસાઈલ પડી હોવાના અહેવાલ છે. જેના કારણે ઈઝરાયલના સંરક્ષણ પ્રધાને ઈરાનને ધમકી આપી છે. તેમણે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા કરવાની ખુલ્લેઆમ ચેતવણી આપી છે.

ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે દક્ષિણ ઇઝરાયલના સોરોકા હોસ્પિટલ પર બેલિસ્ટિક મિસાઇલ હુમલાના સંદર્ભમાં કહ્યું કે ઇરાનના નેતા અલી ખામેનીને વોર ક્રાઈમ (War Crime) માટે જવાબદાર ઠેરવવામાં આવશે.

સંરક્ષણ પ્રધાન કાત્ઝે એક નિવેદનમાં કહ્યું, ‘કાયર ઈરાની સરમુખત્યાર એક મજબૂત બંકરની અંદર બેઠો છે અને ઇઝરાયલમાં હોસ્પિટલો અને રહેણાંક ઇમારતો પર ઇરાદાપૂર્વક હુમલા કરી રહ્યો છે. આ સૌથી ખરાબ પ્રકારના યુદ્ધ ગુનાઓ છે અને ખામેનીને તેના ગુનાઓ માટે જવાબદાર ઠેરવવામાં આવશે.’

અગાઉ, ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) પણ ઈરાનને પરિણામો ભોગવવા તૈયાર રહેવા ચેતવણી આપી હતી. જોકે, ઇન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ(ICC) નેતન્યાહૂને પહેલેથી જ વોર ક્રિમીનલ જાહેર કરી ચુકી છે અને નેતન્યાહૂ સામે અરેસ્ટ વોરંટ પણ જાહેર કર્યું છે.

ઈરાનનો જોરદાર મિસાઈલ અટેક:

અહેવાલો મુજબ દક્ષિણ ઇઝરાયલના બીરશેબા શહેરમાં એક હોસ્પિટલ પર ઇરાનની મિસાઇલ પડી છે. આ ઉપરાંત ઇઝરાયલના રામત ગાન અને હોલોન શહેર પર પણ હુમલો થયો હતો. સૌથી અસર તેલ અવીવને થઇ છે. શહેરની કેટલીક હાઈ રાઈઝ ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. એવા પણ અહેવાલ છે ઇરાને ઇઝરાયલના સ્ટોક એક્સચેન્જને પણ નિશાન બનાવ્યું હતું.

હોસ્પિટલની ઈમારત ખાલી હતી:

સોરોકા મેડિકલ સેન્ટરના અધિકારીઓએ આજે સવારે મિસાઇલ હુમલા અંગે મીડિયાને માહિતી આપતા કહ્યું, ‘મિસાઇલે સોરોકાના જૂના સર્જિકલ વોર્ડની ઇમારતને નિશાન બનાવી હતી. આ પ્રમાણમાં જૂની ઇમારત છે, જેને તાજેતરમાં જ ખાલી કરાવવામાં આવી હતી.’

ઈઝરાયેલના ગાઝાની હોસ્પિટલો પર હુમલા:

ઈઝરાયેલ ગાઝા પર છેલ્લા 20 મહિનાથી સતત હુમલા કરી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ ઈઝરાયેલે રોકેટમારો કરીને ગાઝાની મોટાભાગની હોસ્પિટલો નાશ કર્યો છે કાં તો ભારે નુકશાન પહોંચાડ્યું છે. હોસ્પિટલ પર હુમલાને કારણે ઇઝરાયલની દુનિયાભરમાં ટીકા થઇ રહી છે, આંતરરાષ્ટ્રીય દબાણ છતાં ઇઝરાયેલ હોસ્પિટલ અને શાળાઓ પર સતત હુમલા કરી રહ્યું છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ મે 2025 માં અહેવાલ આપ્યો હતો કે ગાઝાની 36 હોસ્પિટલોમાંથી માત્ર 19 હોસ્પિટલો કાર્યરત રહી છે, અને તેમાંથી મોટા ભાગની હોસ્પિટલોમાં ગંભીર મેડિકલ સપ્લાયની અછત છે. આ હોસ્પિટલો પર પણ ઇઝરાયલ હુમલો કરી શકે છે, કારણ કે કથિત રીતે ઇઝરાયલનો ઈરાદો ભોજન અને મેડીકલ ટ્રીટમેન્ટથી દૂર કરીને ગાઝાના તમામ લોકોની હત્યા કરવાનો છે.

રીપોર્ટ અનુસાર મે 2025 સુધીમાં ઇઝરાયલના લશ્કરી હુમલાને કારણે ગાઝામાં ઓછામાં ઓછા 1,400 હેલ્થ કેર વર્કર્સ માર્યા ગયા છે.

આ પણ વાંચો -‏‏‎ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીયોની સુરક્ષિત ઘરવાપસી, ઓપરેશ સિંધુ યથાવત્

નેતન્યાહૂ વોર ક્રિમીનલ?

21 નવેમ્બર, 2024 ના રોજ, ઇન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ(ICC) એ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તત્કાલીન સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ તથા ત્રણ હમાસ નેતાઓ સામે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું.
નેતન્યાહૂ અને ગેલન્ટ સામે વોર ક્રાઈમ અને અને માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ લગાવવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button