ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : અનુભવ થકી સમજાય છે આ જિંદગી…

શ્વેતા જોષી-અંતાણી
ધીમે-ધીમે સાંજ ઢળી રહી હતી. રોજ માફક ચાની પ્રસરતી સોડમ, બલ્બનો આછો-પીળો ઉજાસ, રસોડામાં કામ કરતી ગૃહિણી. ઘરમાં આમ બધું સામાન્ય હતું. એવામાં સોળ વર્ષની મીલી, પોતાના રૂમમાંથી ધડબડાટ કરતી નીચે આવી. હાથમાં ફોન ને ચહેરો જોયો હોય તો તમતમી ગયેલો.
‘મારે, નાઈટ આઉટ માટે જવું છે. અવાજમાં શક્ય એટલો સંયમ રાખી મીલીએ મમળાવ્યું. એની મમ્મી – જયંતિ, શાક સમારતી હતી. મીલીનું વાક્ય સાંભળી એણે પીઠ ફેરવી. એની ધારદાર નજર મીલીને વીંધી ગઈ. ‘ના, મીલી…’ જયંતિનો અવાજ શાંત છતાં દ્રઢ હતો: ‘એમ નવીસવી બનેલી ફ્રેન્ડને ત્યાં આખી રાત રોકાવું યોગ્ય નથી…’
એક પળ માટે રસોડામાં સન્નાટો છવાઈ ગયો. બીજી ક્ષણે એ સન્નાટાને ચીરતી મીલીની ચીસ નીકળી:
‘તને મારા પર ક્યારેય ભરોસો નહીં આવે. હેં ને? તું મારા પર ક્યારેય વિશ્વાસ નહીં કરે? ‘મીલીનો પ્રશ્ન તીખો, કાનમાં વાગે એવો હતો, જેને જયંતિએ નજરઅંદાઝ કર્યો. મીલીની આંખમાં આંસુઓ છલકાય ગયા. એણે ડૂમો ભરાયેલા સ્વરે આગળ ચલાવ્યું:
‘હું કંઈ હવે નાની કીકલી નથી. મમ્મી, મને ખબર પડે છે. શું કરવું ને શું નહીં. મારા માટે શું યોગ્ય છે ને શું નહીં.’
મીલીને આ રીતે ઘાંટા પાડતી જોઈ જયંતિ થોડી વિચલીત થઈ ઊઠી: ‘હું જાણું છું કે તું મોટી થઈ રહી છે.’ જયંતિએ હળવેકથી કહીને ઉમેર્યું:
‘મારી ફરજ છે કે, તને હું સાચી સલાહ આપું. સુરક્ષિત રાખું. કોઈ પણ ભોગે.’ કહી એ મીલીને હગ કરવા આગળ વધી.
‘તને બસ, રોકતાં આવડે છે. દરેક વખતે મારે જે કરવું હોય એ ના કરવા દેવાની તારી પાસે હજાર ટ્રીક મળી રહે છે. મારે શું કાચા કામના કેદી માફક ઘરમાં ભરાય રહેવું?’ એવું બોલતી મીલીએ જયંતિને રીતસર ધક્કો માર્યો. ડાઈનિંગ ટેબલની ખુરશી જો હાથમાં ના આવી હોત તો, જયંતિ નીચે પછડાવાની હતી.
આ પણ વાંચો….ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : ઉછળતી લાગણીના સમુદ્ર વચ્ચે એક શાંત-સ્થિર તરુણીનો મિજાજ પલટાય ત્યારે…
મીલીનો અવાજ ઉગ્ર થતો ચાલ્યો. એમાં એક પ્રકારની લાચારી ઘૂંટાયેલી હતી, જેને જયંતિ અનુભવી તો રહી હતી. પણ મા તરીકે એનો નિર્ણય અફર હતો. ‘આઈ, એમ સોરી બેટા, પણ આજે હું તને નહીં જવા દઉં’
હવે કંઈ દલીલ માટે બચ્યું નથી એ સમજી ગયેલી મીલી આંસુઓ ખાળી, ફટાક દેતી ત્યાંથી નીકળી ગઈ. સીડી ચડતાં એણે જે પગ પછાડ્યા એ જાણે આવનારા યુદ્ધનું રણશીંગું હતું. અને છેલ્લે રૂમનો દરવાજો જે રીતે બંધ થયો એ જાણે યુદ્ધ શરૂ થયાની નિશાની. ઘરમાં ગજબ અશાંતિ ફેલાય ગઈ. એ પછી આખી રાતની શાંતીમાં ઘરની દીવાલો વચ્ચે વણકહ્યા વાક્યો અથડાતા રહ્યા.
રાતભર મીલી પોતાના રૂમમાં ક્રોધ, દુ:ખ અને અપમાનના અજીબ મિશ્રણમાં ગૂંચવાતી ચાલી. એની આંગળીઓ ફોનની સ્ક્રીન પર નફરત ઓકવા માટે આતુરતાથી ફરી વળી. નાઈટ આઉટ પાર્ટીના ગ્રુપમાં એણે મેસેજ નાખ્યો. ‘સોરી ગાય્ઝ, હું નહીં આવી શકું. મારી મા ને કોઈ પરવાહ નથી મારી ખુશીઓની. એ બસ મારી લાઈફ કન્ટ્રોલ કરવા માંગે છે.’
ક્ષણભરમાં ઈનબોક્સ છલકાય ગયું. મિત્રોએ જવાબો આપ્યા હતા. પ્રેમભર્યા, દોસ્તી ભર્યા. થોડીક સલાહો પણ આવી. ને થોડા અફસોસ પણ….’ ‘અરે, યાર તું નહીં આવે. શીટ્..જોરદાર મજા આવવાની આજે તો અહીં હાઉસ પાર્ટીમાં…’.
મીલીએ ખીજાયને ફોન ફેંકી દીધો. ઘડીક થઈ ત્યાં ફોનમાં ફરી મેસેજ ટોન રણકવા લાગ્યા. મીલીએ એને સાયલન્ટ કરવા ફોન હાથમાં લીધો. ત્યાં વરુણનો મેસેજ પોપ અપ થયો:
‘યાર, મમ્મીને શું ખબર પડે? તું નીકળી જા…’. પણ મીલી જાણતી હતી કે એની મા ને બધી જ ખબર પડી જાય છે. એ જવાબ આપ્યા વગર પોતાને આવા મા-બાપ મળ્યા, એના માટે નસીબને કોસવા લાગી. સવાર પડતાં હાહાકાર મચી ગયો. જે પાર્ટીમાં જવાની મીલી જીદ્દ કરી રહેલી. ત્યાં પોલીસે છાપો પાડ્યો. અનેક એવી વસ્તુઓ મળી જે ટીનએજર્સ માટે પ્રતિબંધિત હોય. મીલીને ચક્કર આવવા લાગ્યા: પોતાના મિત્રોની પસંદ આવી હશે? એ વિચારે છાપામાં બધાનાં નામ, છુપાયેલા ચહેરા સાથેના ફોટોગ્રાફ્સ જોઈ મીલીનું હૃદય થડકી ગયું. એને તુરંત મા યાદ આવી.
જયંતિ સવારનો નાસ્તો બનાવી રહી હતી, એણે મીલીના પગરવ સાંભળ્યા. મીલી જે કહેવા આવી હતી એ સમાચાર પોતે ક્યારના વાંચી લીધેલા. મીલીને જોતાં એણે થોડા અફસોસ સાથે કહ્યું: ‘ગુડ મોર્નિંગ બેટા, આઈ એમ સોરી પણ દુનિયામાં ઘણું એવું છે, જે તું અત્યારે નથી સમજી શકતી, પણ હું એ જ મારા અનુભવે શીખી છું. મને કાલે રાત્રે સમજાયું કે, તને એટલી આઝાદી દેવી જરૂરી છે, કે તું તારા અનુભવોનું ભાથું અલગથી બાંધી શકે, પરંતુ આજે આ સમાચાર વાંચી મને હાશકારો થયો. મારા અનુભવોના નીચોડે મારી દીકરીને બચાવી લીધી…’ આટલું બોલતા જયંતિ ગળગળી થઈ ગઈ.
મીલી એને વળગી પડી: ‘હું પણ શીખી રહી છું કે, મા કંઈ પણ કહે તો એને દુશ્મન તરીકે ના લેવાય…. સોરી મમ્મા, રીયલી સોરી… ’
મીલીના વાળ પર હાથ ફેરવતી જયંતિને પહેલીવાર દીકરીના શબ્દોમાં સમજદારી વર્તાઈ. એ જોઈ દાદીએ લાપસીના આંધણ મૂકવાની સૂચના આપી. આખરે વર્ષો પછી મા-દીકરી વચ્ચે સ્વસ્થ સંવાદ સધાવાના શ્રીગણેશ થયા હતા.
આ પણ વાંચો….ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ… તમારા જીવનમાં વધુ ચંચૂપાત કરવા લાગે ત્યારે?