શું ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થશે?

ઈરાન ઈઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચુક્યું છે. આ યુદ્ધ દિવસે દિવસે મહાયુદ્ધમાં બદલાઈ રહ્યું છે. આ વચ્ચે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સૈન્ય હુમલાની યોજના બનાવી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ અંતિમ આદેશ આપવાનું ટાળ્યું છે. આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે તણાવ વધ્યો છે, કારણ કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ઘર્ષણ ચરમસીમાએ છે. ટ્રમ્પ માને છે કે ધમકીઓથી ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ છોડી શકે છે, જેનાથી વાટાઘાટો શક્ય બને. જો આ ન થાય તો હુમલો અનિવાર્ય બની શકે છે.
ટ્રમ્પે તેમના વરિષ્ઠ સહયોગીઓ સાથે એક મહત્વની બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં ઈરાન પર હુમલાની યોજનાને મંજૂરી આપવામાં આવી. રોઇટર્સના અહેવાલ મુજબ, વોલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું કે ટ્રમ્પને આશા છે કે ઈઝરાયલના હુમલામાં અમેરિકાની સંડોવણીની ધમકીથી ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમને રોકશે. જો ઈરાન ઝૂકશે નહીં, તો અમેરિકન વાયુસેના B2 બોમ્બરથી ઈરાનના ફોર્ડો પરમાણુ પ્લાન્ટ પર “બંકર બસ્ટર” બોમ્બ ફેંકી શકે છે, જે અંડરગ્રાઉન્ડ સુવિધાઓને નષ્ટ કરવા સક્ષમ છે.
ઈરાનના સુપ્રીમ લીડરની ચેતવણી
ઈરાનના સુપ્રીમ લીડર આયતોલ્લા અલી ખામેનીએ ટ્રમ્પની ધમકીઓને ફગાવી દીધી છે. તેમણે અમેરિકાને ચેતવણી આપી કે કોઈપણ સૈન્ય હસ્તક્ષેપનો કડક જવાબ આપવામાં આવશે. ખામેનીએ કહ્યું કે ઈરાન ક્યારેય ઝૂકશે નહીં અને ધમકીઓથી ડરશે નહીં. ટ્રમ્પે ઈરાન પાસે “બિનશરતી આત્મસમર્પણ”ની માગણી કરી હતી, જેનો ખામેનીએ સખત વિરોધ કર્યો.
ટ્રમ્પના સમર્થકોમાં મતભેદ
ટ્રમ્પના કેટલાક સમર્થકો, જેમણે તેમને સત્તામાં લાવવામાં મદદ કરી, ઈરાન સામે નવા યુદ્ધનો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને, રિપબ્લિકન નેતા સ્ટીવ બેનન જેવા ટ્રમ્પના મુખ્ય સમર્થકો મધ્ય પૂર્વમાં નવા સંઘર્ષની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે ઈઝરાયલે પોતાનું યુદ્ધ પૂરું કરવું જોઈએ. જોકે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખતમ કરવા માટે અમેરિકાના સમર્થનની માગણી કરી રહ્યા છે.
આ ઘટનાક્રમથી મધ્ય પૂર્વમાં તણાવ વધવાની શક્યતા છે. ટ્રમ્પનો નિર્ણય અને ઈરાનનું વલણ આગામી દિવસોમાં વૈશ્વિક રાજનીતિ પર ઊંડી અસર કરી શકે છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને ઈઝરાયલની રણનીતિ સામે ઈરાનનો સખત વિરોધ વૈશ્વિક શાંતિ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.
આ પણ વાંચો….મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા: ઈરાને કહ્યું જો અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો હતો ‘પૂર્ણ યુદ્ધ’….