ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

પ્રાણીના પેટ માટે માણસની વેઠ

‘પેટ કરાવે વેઠ’ કહેવત તમે જાણતા હશો. જોકે, એમાં પોતાના કે પરિવારના પેટનો ખાડો પૂરવા પરિશ્રમ કરવાની વાત છે. ફ્રાંસના Bagneres-de-Bigorre નામના નગરમાં પ્રાણીના પેટ માટે માણસ વેઠ કરતો જોવા મળે છે. અલબત્ત, એમાં મનુષ્યનો સ્વાર્થ છુપાયેલો છે, કારણ કે Transhumance (ગોચર – ઢોરને ચરવાની જગ્યા – ચરિયામણ) તરીકે ઓળખાતી આ વ્યવસ્થાને કારણે ઢોર ઢાખર માટે ચરવાની નવી જગ્યા ઉપલબ્ધ થાય છે, જમીન વધુ કસદાર બને છે અને કૃષિ ક્ષેત્રને મદદ મળે છે.

મોસમ અનુસાર અમલમાં મુકવામાં આવતી આ વ્યવસ્થામાં પ્રાણીઓની ચરવાની જગ્યાનું સ્થળાંતર થાય છે. ગ્રીષ્મ ઋતુમાં ઢોર ઢાખર પર્વતીય વિસ્તારમાં હાંકી જવામાં આવે છે તો શિયાળામાં નીચાણના વિસ્તારમાં લાવવામાં આવે છે, જેથી ચારો સતત મળતો રહે. આ વખતે એક ફરક એ જોવા મળ્યો છે કે પ્રાણીઓ સાથે પરિવારો પણ સ્થળાંતર કરી રહ્યા છે. ‘સાધુ તો ચલતા ભલા’ જેવી વૃત્તિ આધ્યાત્મિક સ્વરૂપે નહીં, પણ પ્રેક્ટિકલ સ્વરૂપે જોવા મળી રહી છે.

આપણ વાંચો: અજબ ગજબની દુનિયા

કોઈનું મીંઢળ કોઈના હાથે, છોડીને બાંધ્યું યોગ્ય હાથે!

‘દિલ હૈ કી માનતા નહીં’ના ગીત ‘તૂ પ્યાર હૈ કિસી ઔર કા, તુજે ચાહતા કોઈ ઔરહૈ’ જેવી પરિસ્થિતિ રિયલ લાઈફમાં જોવા મળી છે. રાજકારણને અને ખાસ કરીને ચૂંટણીના કારણે મશહૂર થયેલા ઉત્તર પ્રદેશના અમેઠી શહેરમાં 13 વર્ષ પહેલાં ગોવિંદ તિવારીનાંલગ્ન સીમા નામની યુવતી સાથે થયા હતા. અગ્નિની સાક્ષીએ સાત ફેરા લઈ સાત જન્મ સુધી સાથે રહેવાના અરમાન સાથે એક નવા જીવનની શરૂઆત થઈ.

જોકે, 13 વર્ષના સાહચર્ય પછી એક ક્ષણમાં બધું ઓગળી ગયું હોય એવી લાગણી થઈ. થયું એવું કે સીમા પરણી તો ગોવિંદને પણ એને પ્રેમ હતો શિવાનંદ નામના યુવક સાથે. મેરેજ પછી સીમાએ હૃદયના એક ખૂણામાં પૂર્વ પ્રેમીનું સ્થાન રાખ્યું. અચાનક એક દિવસ સીમા – શિવાનંદ ગોવિંદની આંખે ચડી ગયા. સીતા માતાની જેમ ‘ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં’ જેવી ઈચ્છા ગોવિંદને થઈ હશે.

ક્રોધ સુધ્ધાં ચડ્યો, પણ ન તો તેણે સીમા સાથે ઝઘડો કર્યો, ન સાસરે ફરિયાદ કરી કે ન પોતાના ઘરમાં રોદણાં રડ્યો. 13 વર્ષ પહેલા પકડ્યો હતો એ જ મુલાયમતા સાથે સીમાનો હાથ પકડી એના પ્રેમી શિવાનંદના હાથમાં સોંપી દીધો. સીમાની ખુશીને જ પોતાની ખુશી માની લીધી. માત્ર કાલ્પનિક કથામાં જ નહીં, વાસ્તવિક દુનિયામાં પણ ગોવિંદ જેવા લોકો હોય છે.

આપણ વાંચો: અજબ ગજબની દુનિયા

સ્વર્ગની સીડી ના ચડવી હોય તો…

સડક પર એક બાઈક સવારને અટકાવવામાં આવે છે. અટકાવનાર ટ્રાફિક પોલીસ નથી, પણ મૃત્યુના દેવ યમરાજ અને કર્મોનો હિસાબ રાખતા ચિત્રગુપ્ત છે. હેલ્મેટ પહેરેલા બાઈક સવારને અટકાવી યમરાજ કહે છે ‘ટ્રાફિક નિયમોની તે દરકાર નથી કરી. તને ખબર છે તું કેટલું જીવીશ? ચિત્રગુપ્ત, ચોપડોખોલો અને જણાવો કે એની પાસે હવે કેટલો ટાઈમ બચ્યો છે?’
ચિત્રગુપ્ત ફાઈલમાં નજર ફેરવી કહે છે કે આ ભાઈના આયુષ્યની દસ જ મિનિટ બચી છે.

હેલ્મેટ પહેરી હોવાનો ખુલાસો બાઈક સવાર કરે છે ત્યારે યમરાજ એની હેલ્મેટ હાથમાં લઈ તોડી નાખી કહે છે કે ‘હેલ્મેટ પહેરી એટલે રક્ષણ થશે જ એવું માની નહીં લેવાનું. આત્મસંયમ (જાળવીને વાહન ચલાવવું, સ્પીડ લિમિટનું ઉલ્લંઘન ન કરવું, આડેધડ ઓવરટેક ન કરવું ઈત્યાદિ)થીજ હેમખેમ રહી શકાય.’

આ દૃશ્ય સ્વર્ગલોકનું નહીં, પૃથ્વીલોકનું છે. રાજસ્થાનના ધોલપુર શહેરની ટ્રાફિક અરાજકતા સામે જનતામાં જાગૃતિ લાવવા ટ્રાફિક પોલીસ દ્વારા આ અનોખું અભિયાન ચલાવવામાં આવ્યું છે. સ્વર્ગની સીડીના ડરથી લોકો સંયમ જાળવશે એવી ઉમેદ રાખવામાં આવી રહી છે.

આપણ વાંચો: અજબ ગજબની દુનિયા

વાનગી સાથે વાસણ ઝાપટો

આફતને અવસર બનાવવાની આવડત ભારતીય લોકોમાં બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કેરળના એર્નાકુલમ શહેરના વતની વિનય બાલકૃષ્ણન એવી વ્યક્તિ છે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી માનવજીવન સુગમ બનાવે છે. બેન્કિંગ, ઈન્સ્યોરન્સ, જિયોલોજી અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જેવાં ક્ષેત્રોમાં સફળતા મેળવ્યા બાદ વિનયભાઈને પોલેન્ડના પ્રવાસ દરમિયાન ‘એડિબલ ટેબલવેર’ – નાસ્તો કે જમવાનું પીરસ્યું હોય એ થાળી, વાટકા અને ચમચી સુધ્ધાં ખાઈ જવાના એ જોવા મળ્યું.

સ્વદેશ પાછા ફરી એ આઈડિયા અમલમાં મૂક્યો અને વાનગી સાથે વાસણ ઝાપટી શકાય એવું ઉત્પાદન શરૂ કર્યું. આજે ભારત ઉપરાંત સાત દેશમાં આ ‘ઓહિયા’ કરી શકાય વાસણો એક્સપોર્ટ થાય છે. અલબત્ત, અત્યાર સુધી નુકસાન કરતું આ સાહસ પહેલી વાર નફો કરશે એવા એંધાણ મળ્યા છે.

ગયા વર્ષે ત્યજી દેવાયેલા ક્રિસમસ ટ્રીની રસ્તા પરથી સફાઈ કરતા સ્વિટ્ઝરલેન્ડની સરકારને છ મહિના લાગ્યા એટલે આ વર્ષે કચરાને બાયોડિગ્રેડેબલ ટેબલવેર તૈયાર કરવાનો કોન્ટ્રેક્ટ બાલકૃષ્ણનની કંપનીને આપવામાં આવ્યો છે. હોંશીલા વિનયભાઈ મેક્સિકોમાં કેક્ટસ વેસ્ટમાંથી કટલરી બનાવે છે તેમજ યુએઈમાં ખજૂરના બીમાંથી અને કેનેડામાં ઓઈલ – કેક વેસ્ટમાંથી ઉપયોગી સાધનો બનાવે છે. ભવિષ્યમાં આવી વધુ પ્રોડક્ટ બનાવી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાનો ઉમદા હેતુ પણ ધરાવે છે.

લ્યો કરો વાત!

વિશ્વ વિખ્યાત લોનટેનિસ સ્પર્ધા વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં આ
વર્ષે ક્રાંતિ થઈ રહી છે. 30 જૂનથી
પ્રારંભ થઈ રહેલી આ સ્પર્ધામાં AI – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો પગપેસારો થઈ રહ્યો છે. કોમ્પિટિશનના ઈતિહાસમાં પહેલીવાર ‘હોકઆઈ’ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

સર્વિસ દરમિયાન કે શોટની રેલી થતી હોય ત્યારે જો બોલ દોરેલી લાઈનની બહાર પડે એની જાણ લાઈન જજ કરતા હોય છે અને ખેલાડીને એ નિર્ણય ગળે ન ઉતરે તો
એને પડકારવામાં આવે છે અને ટેક્નોલોજી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે છે.

AI ના વપરાશને કારણે હવે લાઈન
જજની છુટ્ટી થઈ જશે અને ખેલાડીઓ પણ નિર્ણયને પડકારી નહીં શકે. AI એ કહ્યું એ ફાઇનલ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button