પેરા એશિયન ગેમ્સ: ભારતના ઐતિહાસિક પ્રદર્શનમાં છ ગુજરાતી ખેલાડીઓનું યોગદાન
અમદાવાદ: ચીનના હેંગઝોઉમાં યોજાયેલી પેરા એશિયન ગેમ્સ 2023માં ભારતના દિવ્યાંગ એથ્લેટ્સે 29 ગોલ્ડ મેડલ સહીત 111 મેડલ્સ જીતીને કોઈપણ મોટી મલ્ટિસ્પોર્ટ ઈવેન્ટમાં ભારત માટે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અગાઉ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હેંગઝોઉમાં જ તાજેતરમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં 107 મેડલ્સનું હતું. પેરા એશિયન ગેમ્સમાં મેડલ્સ જીતનારા ખેલાડીઓમાં ગુજરાતના પણ છ ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ગુજરાતના નિમિષા સીએસએ લોંગ જમ્પમાં, ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં, રચના પટેલે બેડમિન્ટન ડબલ્સમાં ઉપરાંત દર્પણ ઈનાની, અશ્વિન મકવાણા અને હિમાંશી રાઠીએ ચેસમાં દેશ માટે મેડલ્સ જીત્ય હતા. પેરા એશિયન ગેમ્સના અંતિમ દિવસે ભારતે ચાર ગોલ્ડ સહિત 12 મેડલ જીત્યા હતા. સાત મેડલ ચેસમાંથી, ચાર એથ્લેટિક્સમાંથી અને એક રોઈંગમાંથી આવ્યા હતા.
બ્લાઇન્ડ ચેસ માટે આ એક ઐતિહાસિક દિવસ હતો કારણ કે ભારતે એક દિવસમાં સાત મેડલ જીત્યા હતા, જેમાં ત્રણ ગુજરાતી ખેલાડીઓનો સમાવેશ થાય છે. દર્પણ ઇનાણીનીએ ઇન્ડિવિજ્યુઅલ રેપિડ વીઆઈ-બી1માં ગોલ્ડ અને અશ્વિન મકવાણાએ બ્રોન્ઝ જીત્યો હતો. આ બંને વીઆઈ-બી1કેટેગરીમાં ગોલ્ડ મેડલ વિજેતા ટીમનો પણ ભાગ હતા.
હિમાંશી રાઠીએ ચેસમાં ઇન્ડિવિજ્યુઅલ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ચેસ ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો જેમાં હિમાંશી રાઠી ટીમનો ભાગ હતી.