ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો? આ રહી સંપૂર્ણ વિગત…

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 જિલ્લાઓના 227 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આંકડાની વાત કરવામાં આવે તો, છેલ્લા કલાકમાં રાજ્યમાં 22.67 મિમિ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 17.18 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 5.75 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અત્યારે જે વરસાદ પડ્યો તે ટકાવારીમાં સરેસાર 10.46 ટકા થયા છે. ચોમાસાની શરૂઆતમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં અત્યારે કુલ 11 ડેમ અત્યારે હાઈ એલર્ટ પર
ગુજરાતમાં થયેલા વરસાદના કારણે અનેક ડેમ પણ ઓવરફ્લો થયા છે. 11 ડેમ અત્યારે હાઈ એલર્ટ પર છે, 13 ડેમ એલર્ટ પર છે જ્યારે 10 ડેમ વોર્નીગ પર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં 09 ડેમ 100 ટકા ભરાઈ ગયાં છે. 25 ડેમ એવા છે જે 70 ટકાથી 100 ટકા ભરાયા છે. 22 ડેમમ 50 ટકાથી 70 ટકાની વચ્ચે છે. જ્યારે 95 ડેમમાં 25 ટકાથી પણ ઓછું પાણી આવ્યું છે. પરંતુ સૌરાષ્ટ્રમા સૌથી વધારે વરસાદ પડ્યો છે જેથી ત્યાંના ડેમને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યાં છે. નદીઓની વાત કરવામાં આવે તો ભાવનગર અને બોટાદ જિલ્લાની 15 નદીઓ ઓવરફ્લો થઈને વહી રહી છે. જ્યારે બોટાદ જિલ્લાના 04 તળાવો જેવા કે રમાઘાટ, શિરવાણીયું, ભીમોરી અને અમૃત અત્યારે ઓવરફ્લો થયા છે.
સૌરાષ્ટ્રમાંથી કુલ 584 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભારે વરસાદના કારણે બોટાદ જિલ્લામાંથી 40 લોકો, અમરેલી જિલ્લામાંથી 80 લોકો અને ભાવનગર જિલ્લામાંથી 464 લોકો સહિત કુલ 584 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સર્વત્ર ભારે વરસાદ થયો છે. પરંતુ મેઘરાજાએ સૌરાષ્ટ્રને સૌથી વધારે ધમરોળ્યું છે. અહી વરસાદના કારણે બોટાદ જિલ્માં 02, ભાવનગર જિલ્લામાં 49 અને અમરેલી જિલ્લામાં 69 લોકો સહિત કુલ 120 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરવામાં આવે આજે તો, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, તાપી, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 20મી જૂનની વાત કરવામાં આવે તો, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં છુટાઠવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાવમાં આવી છે. 21મી જૂને ગુજરાતમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, સુરત, ભરૂચ, ડાંગ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આપણ વાંચો : જામનગરમાં ભારે વરસાદથી 49 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો : 173 વીજ ફીડર બંધ થયા