ટ્રમ્પને શું જરૂર પડી પાકિસ્તાની આર્મી ચીફ સાથે લંચ લેવાની ? ભારતે સાબદા રહેવું પડશે…

વોશિંગ્ટન ડીસી: ગત મહીને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ચાલેલા લશ્કરી તણાવ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ભારત જેટલું જ મહત્વનું ભાગીદાર ગણાવ્યું હતું. થોડા દિવસો અગાઉ યુએસ સેના જનરલે પણ પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં પાકિસ્તાનને મહત્વપૂર્ણ પાર્ટનર ગણાવ્યું હતું. પાકિસ્તાન સામે અમેરિકાના નરમ વલણ સામે ભારતમાં સવાલો ઉઠી રહ્યા છે, એવામાં આજે બુધવારે ટ્રમ્પ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે લંચ (Trump lunch with Asif Munir) કરવાના છે.
પાકિસ્તાનના આર્મી ચીફ આફિસ મુનીર યુએસની મુલાકતે છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પના બુધવારના સત્તાવાર કાર્યક્રમ યાદીમાં અસીમ મુનીર સાથે મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા ભારતના સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળની યુસ મુલાકાત બાદ આ બેઠક થઇ રહી છે. આ બેઠકમાં શું ચર્ચા થશે એના પર ભારતની નજર રહેશે.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના સમર્થકો વોશિંગ્ટન ડીસીમાં આફિસ મુનીર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પ્રદર્શનકારીઓ મુનીરને ‘પાકિસ્તાનીઓનો હત્યારો’ અને ‘ઇસ્લામાબાદનો હત્યારો’ જેવા નારા લગાવતા જોવા મળે છે.
‘ધ એલાયન્સ ઓર્ગેનાઇઝેશન’ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નાઝિયા ઇમ્તિયાઝ હુસૈને એક વીડિયો શેર કર્યો અને લખ્યું, “અમે અહીં પાકિસ્તાનના સરમુખત્યાર શાસક સામે વિરોધ કરવા માટે એકઠા થયા છીએ. તમે માત્ર લોકશાહી સાથે દગો કર્યો નથી પરંતુ લાખો લોકોને તકલીફોમાં ધકેલી દીધા છે.”