દર વર્ષે 100 પરમાણુ હથિયાર વધારે છે ચીનઃ જાણો સામે ક્યા ક્યા દેશ ટકી શકે તેમ છે…

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ સમજૂતીની વિચારણા ચાલી રહી હતી અને બીજી તરફ ઇઝરાયલે ઈરાન પર હુમલો શરૂ કરી દીધો હતો. હુમલાનું એક કારણ ઈરાનનો પરમાણુ હથિયારો વિકસાવવાનો વિચાર છે. જોકે વિશ્વના 9 દેશો પરમાણુ હથિયારોથી સજ્જ છે. જેમાં અમેરિકા, રશિયા, બ્રિટેન, ફ્રાંસ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયલનો સમાવેશ થાય છે. આવો જાણીએ આ તમામ દેશો પાસે કેટલા પરમાણુ હથિયારો છે.
ક્યા દેશ પાસે કેટલા પરમાણુ હથિયાર?
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના નિષ્ણાત હંસ એમ ક્રિસ્ટેનસેનના જણાવ્યાનુસાર, પરમાણુ હથિયારોની સંખ્યાની કમીનો યુગ પૂરો થઈ ગયો છે. હવે પરમાણુ હથિયારોની વૃદ્ધિ, તીક્ષ્ણ નિવેદનો અને હથિયાર નિયંત્રણ કરારોનો રદ્દ કરવાની પ્રવૃત્તિ વધી રહી છે. શીત યુદ્ધના અંત બાદ રશિયા અને અમેરિકા પોતાના જૂના હથિયારો નષ્ટ કરી દેતા હતા. પરંતુ હવે આ દેશો એવું કરતા નથી. હવે તેઓ ઝડપથી નવા હથિયારો વિકસાવી રહ્યા છે.

અમેરિકા અને રશિયા પાસે વિશ્વના 90 ટકા પરમાણુ હથિયારો છે. આ બંને દેશોએ 2024થી સૈન્ય બળને બદલે પરમાણુ હથિયારો વિકસાવવામાં વધારે ધ્યાન આપી રહ્યા છે. 2010ના ન્યુ સ્ટાર્ટ કરારો 2026માં સમાપ્ત થઈ રહ્યા છે, જેને ફરીથી રિન્યુ નહીં કરવામાં આવે તો બંને દેશોની મિસાઈલો પર તૈનાત હથિયારોની સંખ્યા વધી શકે છે. આજની તારીખે અમેરિકા પાસે 5177, રશિયા પાસે 5459 અને બ્રિટેન પાસે 225 અને ફ્રાંસ પાસે 290 પરમાણુ હથિયારો છે.
દર વર્ષે 100 પરમાણુ હથિયાર વધારે છે ચીન
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર ચીન પાસે ઓછામાં ઓછા 600 પરમાણુ હથિયાર છે. 2023થી ચીન દર વર્ષે 100 હથિયારોનો વધારો કરે છે. જાન્યુઆરી 2025 સુધી ચીને 350 નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલના સંગ્રહસ્થાનો બનાવ્યા છે. જો ચીન આ ગતિએ આગળ વધતુ રહેશે તો દાયકાના અંત સુધીમાં તેને પાસે અમેરિકા અને રશિયા જેટલી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ હોઈ શકે છે. જો 2035 સુધીમાં ચીન પાસે 1500થી હથિયારો થઈ ગયો, તો તો રશિયા અને અમેરિકાના પરમાણુ ભંડાર કરતા માત્ર ત્રીજા ભાગના હથિયાર હશે.
ભારતે 2024માં પોતાના પરમાણુ હથિયારોમાં થોડી વૃદ્ધિ કરી છે અને નવી ડિલીવરી સિસ્ટમ વિકસાવી છે. ભારતની નવી કૈનિસ્ટરાઈઝ્ડ મિસાઈલ પરમાણુ હથિયારોને લઈ જઈ શકે છે. કેટલીક મિસાઈલો એકથી વધુ હથિયારો લઈ જવામાં પણ સક્ષમ થઈ શકે છે. ભારતની જેમ પાકિસ્તાન પણ નવી ડિલિવરી સિસ્ટમ વિકસાવી રહ્યું છે. સાથોસાથ પરમાણુ સામગ્રીનો ભંડાર વધારી રહ્યું છે. 2025ના એસઆઈપીઆરઆઈના આકડાઓ પ્રમાણે ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ઉત્તર કોરિયા પાસે 50થી 58 પરમાણું હથિયારો છે. આ સિવાય ઈઝરાયેલ પાસે 90 પરમાણુ હથિયારો છે. જોકે ઇઝરાયલ પોતાના પરમાણુ હથિયારોનો સાર્વજનિક રૂપે સ્વીકાર કરતું નથી.
આપણ વાંચો : ઈરાનના પરમાણુ હુમલાના દાવાને પાકિસ્તાને નકાર્યો, કહી આ વાત