ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : ટ્રમ્પ-મસ્કની ટક્કર આત્મમુગ્ધ ને અહંકારી લીડરોમાં સહાનુભૂતિ જેવું કશું હોતું નથી

  • રાજ ગોસ્વામી

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ બિઝનેસમેન ઈલોન મસ્ક વચ્ચે લડાઈ થઇ ગઈ છે. ટ્રમ્પ પ્રશાસનમાંથી મસ્કની વિદાઈ, ટેક્સ બિલને લઈને કૉંગ્રેસની વારંવાર ટીકા, ટ્રમ્પને ‘ઉઘાડા’ પાડવાની ધમકી, મસ્કની કંપનીઓ પર લગામ કસવાની ટ્રમ્પની વળતી ધમકી અને આરોપ-પ્રતિઆરોપનો સિલસિલો, ઈત્યાદિ એ દુશ્મનીથી કંઈ ઓછો નથી.

ટ્રમ્પ કહે છે કે મસ્કનું દિમાગી સંતુલન બગડી ગયું છે. મસ્ક કહે છે કે અમેરિકામાં હવે ત્રીજી પાર્ટી બનાવવાનો સમય આવી ગયો છે.

એ બન્ને એવી રીતે ભેગા થયા હતા જાણે વર્ષો પહેલાં મેળામાં છૂટા પડી ગયા હોય અને હવે એવી રીતે વર્તે છે જાણે બાપે માર્યા વેર હોય. ટ્રમ્પને એમના ચૂંટણી પ્રચાર દરમિયાન મસ્કના પૈસા અને સોશિયલ મીડિયાના પ્રભાવની જરૂર હતી. મસ્ક પોતે (દક્ષિણ આફ્રિકામાં જન્મ્યો હોવાથી) રાષ્ટ્રપતિ બની શકે તેમ ન હોવાથી એને વ્હાઈટ હાઉસમાં પોતાનો માણસ જોઈતો હતો.

બીજી તરફ, અમેરિકન વહીવટીતંત્રની સાફસફાઈ કરવા માટે ટ્રમ્પે જે રીતે મસ્કને બિનશરતી ટેકો અને અમાપ સત્તા આપી હતી અને મસ્કે જે રીતે ચારેબાજુથી કચરો વાળ્યો હતો (અને વળતામાં નવો કચરો વેર્યો હતો), તે પછી તે ટ્રમ્પની દરેક નીતિ-રીતિમાં સલાહ-સૂચન આપતો હતો. એમાં એને એવું લાગવા માંડ્યા હતું કે એ ખુદ જ સુપર-પ્રેસિડેન્ટ છે.

ટ્રમ્પે ઇલેક્ટ્રિક વાહનો પરથી ટેક્સ ક્રેડિટ દૂર કરી તેના પગલે મસ્કની ‘ટેસ્લા’ કાર કંપનીને મોટો ફટકો પડ્યો અને તેમાંથી બંને વચ્ચે ફટક્યું હતું.

જાણકાર લોકો કહે છે કે વહેલું કે મોડું, આવું થવું અનિવાર્ય હતું. મનોવિજ્ઞાનઓ કહે છે કે બંને અહંકારી છે, બંને આત્મમુગ્ધ છે. આપણે ત્યાં કહેવત છે કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, તેના જેવું છે આ.

મનોવિજ્ઞાનમાં ‘આલ્ફા મેલ’ની એક ધારણા છે. થોડા વખત પહેલાં, અભિનેત્રી અને સાંસદ કંગના રાણાવતે એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી, જે પાછળથી ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાના કહેવાથી હટાવવી પડી હતી. તેમાં કંગનાએ લખ્યું હતું, ‘એમાં કોઈ બેમત નથી કે ટ્રમ્પ એક આલ્ફા મેલ છે, પરંતુ આપણા પીએમ સૌ આલ્ફા મેલના બાપ છે.’

પીએમની તો ખબર નથી, પણ ઈલોન મસ્ક જરૂર ટ્રમ્પનું માથું ભાંગે તેવો આલ્ફા મેલ છે. અમેરિકાની રાજનીતિમાં અત્યારે જે તમાશો થઇ રહ્યો છે તે આ બે આલ્ફા મેલની ટક્કર છે.

આલ્ફા મેલની ધારણાને સમજવા જેવી છે. તેની કલ્પના જંગલી વરુ (આલ્ફા વુલ્ફ) સાથે જોડાયેલી છે. ઘણા લોકો શિયાળને વરુ કહે છે, પણ બંને શ્વાન કુળનાં ભિન્ન પ્રાણી છે. વરુ, માંસાહારી શ્રેણીના કેનિડે કુળનું સસ્તન વન્ય પ્રાણી છે. ગુજરાતી સ્થાનિક બોલીમાં તેને નાર, ભાગડ, લાગડ કહે છે. તેની 32 ઉપજાતિ છે અને તેમાં નર માદા કરતાં મોટો હોય છે. વરુ સૂકા જંગલોમાં અને ગાંડા બાવળની ઝાડીઓવાળા મેદાનવાળા વિસ્તારોમાં જોવા મળે છે.

તે એકલવાયું જનાવર છે. મતલબ કે તે ટોળામાં નથી ફરતું. તાકતવર અને આગેવાન પુરુષોને આલ્ફા મેલ કહેવામાં આવે છે તે પણ આ જ કારણથી… એ સૌથી આગળ અને એકલા હોય છે. વરુ દેખાવમાં કૂતરાં જેવું હોય છે, પરંતુ તે વાઘને પણ ઊભી પુંછડીએ ભગાડવા સક્ષમ હોય છે. માણસ આજ સુધી તેના ગળે પટ્ટો બાંધી શક્યો નથી. એટલા માટે તમને પ્રાણી સંગ્રહાલયમાં વાઘ જોવા મળશે, પણ વરુ નહીં !

વરુ તેના પ્રદેશમાં સૌથી શાતીર અને તાકાતવર શિકારી છે. તે કોઈનાથી ડરતું નથી. તેની પ્રકૃતિ જ એવી છે કે તે તેના પિતરાઈ શ્વાનની જેમ માણસોના પંપાળવાથી ન તો ભરમાઈ જાય છે કે ન તો માસિયાઈ બહેન શિયાળની જેમ તેનાથી મોટાં શિકારી પ્રાણીથી ડરી જાય છે.

એવું કહેવાય છે કે તેના બાળકને જો કોઈ પશુ ઉઠાવી જાય તો, તે પૂરા પ્રદેશને તબાહ કરી નાખે છે. તે જયારે શિકાર પર જાય ત્યારે તેની સાથે વૃદ્ધ વરુઓને નથી રાખતું. તેમના માટે શિકાર કરવો એ યુદ્ધથી કમ નથી અને એમાં યુવાન અને તેજ વરુઓ જ ઉપયોગી હોય છે. વરુઓની આવી અનોખી લાક્ષણિકતાઓના કારણે જ માણસે તેની વાર્તાઓમાં માનવ વરુ (વેયરવુલ્ફ)ની કલ્પના કરી છે.

વરુઓની વસતિમાં એક જોડી એવી રહેતી હતી જે પૂરા જૂથ પર, આહાર પર અને સમાગમ પર નિયંત્રણ રાખતી હતી. અર્થાત, વરુઓ આપસમાં લીડર બનવા માટે લડાઈ કરતાં અને એમાંથી એક જોડી ‘વરુ સમાજ’માં પોતાનું પ્રભુત્વ સ્થાપતી. આ બંને આલ્ફા મેલ અને આલ્ફા ફીમેલ કહેવાય છે.

ઉત્ક્રાંતિવાદી મનોવૈજ્ઞાનિકોનો દાવો છે કે માનવ સમાજમાં પુરુષોનો સામાજિક વ્યવહાર પણ વરુઓ જેવો જ છે. પુરુષ પણ એના જૂથમાં લીડર બનીને બીજા પર શાસન કરવા, સંસાધનો પર કાબૂ જમાવા અને સ્ત્રીને એની મેટિંગ પાર્ટનર બનાવવા માટે લડાઈ કરતો રહે છે.

પુરુષોમાં કુદરતી રીતે જ બીજાઓ પર પ્રભુત્વ જમાવાની વૃત્તિ હોય છે, અને જે પુરુષ આત્મવિશ્વાસ, દૃઢતા, કરિશ્મા અને શારીરિક શક્તિનું પ્રદર્શન કરે છે તે વધુ આકર્ષક અને જીવનમાં વધુ સફળ હોય છે. આવા માણસો ‘આલ્ફા’ કહેતા અને જે નબળા, આજ્ઞાકારી, અસુરક્ષિત અને બોરિંગ હતા તે ‘બીટા’ તરીકે ઓળખાતા હતા.

‘આલ્ફા’ શબ્દ ગ્રીક બારાખડીમાંથી આવે છે. તેના પહેલા અક્ષરને આલ્ફા કહે છે. છેલ્લાં અક્ષરને ‘ઓમેગા’ કહે છે.
તદ્દનુસાર, જે પ્રથમ છે, પ્રાથમિક છે, અગ્રણી છે, સૌથી ઉપર છે, એક નંબર પર છે તે આલ્ફા છે. ઈસાઈ ન્યૂ ટેસ્ટામેન્ટમાં, ઈશ્વર પોતાને આલ્ફા અને ઓમેગા ગણાવે છે; હું જ પ્રારંભ છું અને હું જ અંત છું.

આપણ વાંચો:  વિશેષ પ્લસ : માત્ર માનવ નહીં પશુ-પંખી પણ હોય છે સમજદાર!

અમેરિકાને ફરીથી મહાન બનાવવાની રાજનીતિમાં ટ્રમ્પ અને મસ્કની મન:સ્થિતિ પણ આવી જ છે: હું જ પ્રારંભ છું અને હું જ અંત છું. પણ આવું માનવાવાળો એક હોય, બે નહીં. બે હોય તો મતભેદ અને મનભેદ થવો અનિવાર્ય છે.

જેમ વરુ તેની ટેરેટરી માટે લડાઈ કરે તેમ આ બે ટ્રમ્પ અને મસ્ક પણ તેમની સત્તા અને સર્વોપરિતા માટે લડી પડ્યા છે.
ટ્રમ્પ-મસ્કનો ઝઘડો વ્યક્તિગત છે અને તેમાં અમેરિકાની જનતાનું અને લોકશાહીનું નુક્શાન છે. આત્મમુગ્ધ લોકોના હાથમાં રાજકીય અને પૈસાની સત્તા આવી જાય ત્યારે એ કેવી ઘટિયા રીતે વર્તે છે તેનું આ બંને ઉદાહરણ છે.

આત્મમુગ્ધ અને અહંકારી લીડરો નિર્દયી હોય છે અને તેમનામાં સહાનુભૂતિ જેવું કશું હોતું નથી.

આજુબાજુના લોકો પર એ પોતાનો કંટ્રોલ સ્થાપીને અથવા સતત વાહવાહી અને એટેન્શન મેળવીને એમની અણઆવડતની ભાવનાથી પીછો છોડાવાનો પ્રયાસ કરે છે. પોતે કેટલા યોગ્ય છે તે સાબિત કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. આત્મમુગ્ધ લીડરો એટલા માટે જ પોતાની ટીકા કે રિજેક્શન સહન નથી કરી શકતા અને જે કંઈ ખરાબ હોય તેના માટે બીજા લોકોને દોષિત ઠેરવીને પોતાને પીડિત તરીકે પેશ કરે છે. ટ્રમ્પ અને મસ્ક અત્યારે એ જ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button